રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 26 જાન્યુઆરી 2020 (10:34 IST)

આઝાદીના ૭૦ વર્ષો બાદ આજે વોટબેન્કની રાજનીતિના કારણે દેશમાં એપીઝમેન્ટની રાજનીતિ શરૂ થઈ છે: CM

ભારત સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે ત્યારે નવા ભારતના નિર્માણ માટે યુવાનો "ડાય ફોર નેશન" નહિ પણ "લિવ ફોર નેશન" માટે સંકલ્પબદ્ધ બને તે આજના સમયની જરૂરિયાત છે. રાષ્ટ્રના ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયેલ વિશ્વ યુવા સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણી ઉમેર્યું કે આજે વિરાટ યુવા શક્તિને દર્શન થઈ રહ્યા છે ત્યારે મને કહેતા ગૌરવ થાય છે કે ભૂતકાળની સરકારોએ યુવાનોની તકો છીનવવાનું કામ કર્યું હતું અને અમારી સરકારે છેલ્લા બે દાયકામાં શિક્ષણ-સ્વરોજગાર માટે અનેક વિધ ઉચ્ચતકો પૂરી પાડે છે. આજની યુવા પેઢી જે ચોક્કસ દિશા સાથે આગળ વધી રહી છે ત્યારે રાજ્યનો યુવાન ‘જોબ સીકર’ નહીં પણ ‘જોબ ગીવર’ બને એ જ અમારો નિર્ધાર છે અને એ અમે પૂર્ણ કરીશુ.

યુવાનોને વધુ સમૃદ્ધ બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમા મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૧માં ૯ યુનિવર્સિટીઓ હતી તેમની દીર્ઘદ્રષ્ટિ અને સમયબદ્ધ આયોજનના પરિણામે રાજ્યમાં ૭૦ જેટલી સેક્ટોરીયલ યુનિવર્સિટીઓનું આજે નિર્માણ થયું છે. રાજ્યના યુવાનોને સરકારી નોકરીમાં પણ સહભાગી બનાવવા ૧.૫૦ લાખથી વધુ યુવાનોને સરકારી નોકરી આપી છે. બિન અનામત વર્ગના યુવાનો ૧૦% આર્થિક અનામત આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે તેનો પ્રથમ અમલ પણ ગુજરાતે કર્યો છે. આ વર્ગના યુવાનોને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના દ્વારા આર્થિક સહાય સહિત શૈક્ષણિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે.

આજના વિકસીત યુગમાં દુનિયા મુઠીમાં આવી જાય એ માટે યુવાનોએ એક હજાર રૂપિયાના ટોકન દરે નમોટેબલેટ વિતરણ, પીએચડીમાં નવા સંશોધનો માટે પ્રતિ માસ રૂ.૧૫,૦૦૦ નું સ્ટાઇપેન્ડ સહિતની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ત્યારે આજના યુવાનો ટેકનોલોજીના માધ્યમ દ્વારા નવા નવા સંશોધનો થકી ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરે તે અત્યંત અનિવાર્ય છે. દેશના યુવાનોમાં જે ક્ષમતા છે તેને જાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાઓને તકો પૂરી પાડવા માટે સ્કિલ ઇન્ડીયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા અનેકવિધ આયામો હાથ ધર્યા છે ત્યારે આપ સૌ પણ તેનો મહત્તમ લાભ લઈને ગુજરાતનું નામ રોશન કરશો એવો મને દ્રઢવિશ્વાસ છે.

આઝાદીના ૭૦ વર્ષો બાદ આજે વોટબેન્કની રાજનીતિના કારણે દેશમાં એપીઝમેન્ટની રાજનીતિ શરૂ થઈ છે ત્યારે યુવાઓએ ગેરમાર્ગે દોરવાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, વર્ષ૨૦૧૪થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે અનેકવિધ દેશહિતના નિર્ણય કર્યા છે ત્યારે વિપક્ષને એ આંખના કણાની જેમ ખુંચે છે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની રહે એ માટે વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહએ ૩૭૦ની કલમ દૂર કરી છે. જેના લીધે આવતીકાલે સૌ પ્રથમવાર રાષ્ટ્રનો તિરંગો કાશ્મીરમાં પ્રજાસત્તાક પર્વે ફરકાવવામાં આવશે. ત્યારે આપણું શીશ વધુ ઊંચાઈથી ગર્વ અનુભવે છે. તેમણે કહ્યું કે, સીએએનો નિર્ણયએ કોઈ વ્યક્તિની નાગરિકતા છીનવવાનું નહીં પણ વ્યક્તિને નાગરિકતા આપવાનો છે ત્યારે વિપક્ષ દ્વારા પણ હોબાળો કરાઈ રહ્યો છે અને નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાય છે તે નિંદનીય છે.

યુવાનોના પ્રેરણાસ્ત્રોત સમાન અનેકવીર ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રીય પુરુષોએ હાંસીયામાં ધકેલવાનું કામ ભૂતકાળની સરકારોએ કર્યુ હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ, ડૉ.બાબા સાહેબ આંબેડકરને યોગ્ય સન્માન આપ્યું છે એટલું જ નહીં કોંગ્રેસે જેને દેશ વિરોધી ગણાવીને અપપ્રચાર કરી રહી છે તેવા દેશભક્ત વીર સાવરકરને અંગ્રેજોએ આંદમાન નિકોબારની જેલમાં કાળાપાણીની સજા કરી તેને વડાપ્રધાને સ્મારક તરીકે જાહેર કરી, સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ થકી આ દેશ ભક્તોને યોગ્ય માન-સન્માન આપીને યુવાનોમાં રાષ્ટ્રભક્તિની અનેરી ચેતના જગાવી છે.

આ કાર્યક્રમમાં અલગ અલગ કોલેજો કે સંસ્થાઓના કુલ ૬૦૦૦ જેટલા યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા. યુવાઓને ધોરણ-૧૦,૧૨ તથા સ્નાતક થયા પછી આગળ કારકિર્દી બનાવવા માર્ગદર્શન મળી રહે તે માટે એન.સી.સી., રોજગાર કચેરી, યુનિવર્સિટીઓ, હેલ્થકેર,
 આઈ.ટી.આઈ. અને એન્જીનીયરીંગની માહિતી આપવા સ્ટોલ અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના, શિક્ષણ સહાય, વાજપેયી બેન્કેબલ સહાય જેવી વિવિધ યોજનાઓના ૯૩ જેટલા લાભાર્થીઓને ૮.૩૧ કરોડની સહાય આપવામાં આવી હતી.

યુવા સંમેલનમાં સ્વિમિંગ, એથ્લેટીક્સ, શૂટિંગ, 
ક્રિકેટ, પેરાએથ્લેટિક્સ, સાઈકલિંગ જેવી વિવિધ રમતોના રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાના વિજેતાઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સેમસંગ ટેકનોલોજી દ્વારા ૧ કરોડના ખર્ચે નવનિર્મિત સેમસંગ ટેકનીકલ સ્કુલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈ લોકાર્પણ કર્યું હતું. જેમાં યુવાઓને રેફ્રિજરેશન, એર કંડીશનર અને હોમ એપ્લાયન્સ માટેની તાલીમ આપશે.