મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2020 (11:26 IST)

કડીમાં રૂપાણીએ 'મોકળા મને' કરી વાત, ગુજરાતને અહિંસક મોડેલ સ્ટેટ બનાવવું છે

ગુજરાતના ગૌસેવકો-પાંજરાપોળ સંચાલકો સાથે રૂપાણીએ ગાંધીનગરમાં મોકળા મને સંવાદ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને જીવદયાના સંસ્કાર સાથે તમામ આત્માને અભયદાન આપનારૂં અહિંસક રાજ્ય તરીકે મોડેલ સ્ટેટ બનાવવું છે. સમાજના વિવિધ વર્ગો – તબક્કાઓને પોતાના નિવાસસ્થાને સામે ચાલીને આમંત્રીને તેમના પ્રશ્નો-સમસ્યાઓ, ફિડબેક મેળવવા શરૂ કરેલા જનસંવાદ પ્રયોગ ‘‘મોકળા મને’’ની આજે સાતમી કડી યોજાઇ હતી. વિજય રૂપાણીએ આ સાતમી કડીમાં સમગ્ર રાજ્યમાંથી ગૌસેવકો, પાંજરાપોળ સંચાલકો, જીવદયા ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ફળદાયી સંવાદ-ગોષ્ઠિ કરી હતી. 
 
આ સાતમી કડીમાં કચ્છ, બનાસકાંઠા, દાહોદ સહિતના દૂર-સુદુરના જિલ્લાઓના ગૌસેવકો-પાંજરાપોળ પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ગાયો સહિત પશુઓના રખરખાવ, ઘાસચારાની સ્થિતી, અછતના સમયે રાજ્ય સરકારે દાખવેલી સંવેદના અંગે પોતાના પ્રતિભાવો મુખ્યમંત્રીશ્રી સમક્ષ ખૂલ્લા દિલે વ્યકત કર્યા હતા. વિજય રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે આપણે ત્યાં ર૦૦ વર્ષથી વધુ સમયથી મહાજનો-શ્રેષ્ઠીઓ પોતાના ભંડોળ-ફંડમાંથી પાંજરાપોળ-ગૌશાળાના સંચાલન કરીને ઉત્તમ જીવદયા દ્રષ્ટાંત પુરૂં પાડી રહ્યા છે.
 
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, હવેના સમયમાં પશુધન માટે ઘાસચારો અન્યત્રથી મંગાવવાની પરંપરાને સ્થાને સસ્ટેઇનેબલ એપ્રોચ અને મોર્ડન મેનેજમેન્ટ ટેકનીકસ વિકસાવી સ્થાનિક સ્તરે જ ઘાસચારો ઉગાડવાનું આયોજન કરવાની આવશ્યકતા છે. આ અંગે જણાવ્યું કે, જે વિસ્તારો-જિલ્લાઓમાં ઘાસચારાની અછત છે તેવા વિસ્તારોમાં ટ્રસ્ટની જમીનો અને સરકારની જમીન પર સ્પ્રીન્કલર પદ્ધતિથી ઓછા પાણીએ ઘાસચારો ઉગાડી પોતાના જ સંશાધનોથી પશુઓને ઘાસ આપી શકાય. આના પરિણામે ઘાસચારાનો વાહતુક ખર્ચ બચી શકે એટલું જ નહિ, પાંજરાપોળ-ગૌશાળા ટ્રસ્ટ તેમની વ્યવસ્થામાં સોલાર રૂફટોપ કે વીન્ડ ટર્બાઇનના ઉપયોગથી વીજ બચત પણ કરી શકે. વિજય રૂપાણીએ નંદીઘર યોજનાથી ગીર-કાંકરેજી ગાય જેવી ઉત્તમ ઓલાદના પશુધનની નસ્લ વધારવાના રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી આયોજનની વિગતો આ તકે આપી હતી.
મુખ્યમંત્રી સમક્ષ ગૌસેવકો-પાંજરાપોળ સંચાલકોએ રજૂઆત કરી હતી કે, નગરો-મહાનગરોમાંથી રખડતા પશુઓ પકડીને પાંજરાપોળને રખરખાવ માટે સોંપવામાં આવે છે. આવા ઢોર-પશુઓના નિભાવ માટેની જરૂરી સહાય-રકમ નગરપાલિકા-મહાપાલિકા ફાળવી આપે તેવી રજુઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય નિવારણ કરવાની ધરપત આપી હતી. જીવદયાના આપણા સંસ્કારને જાળવી રાખવાની જિમ્મેદારી માત્ર સરકાર-પાંજરાપોળ-ગૌસેવકોની જ નહિ સમગ્ર સમાજની જવાબદારી છે.