ભાજપના ભૂતપૂર્વ બે ધારાસભ્યો શહેરની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યાં હોવાનો આક્ષેપ
દરિયાપુરના કોંગ્રેસી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને લખેલા પત્રમાં ગંભીર આક્ષેપો કરતાં કહ્યું છે કે, ‘ અમુક રાજકીય આશયથી શાંત અમદાવાદમાં ભેદી રીતે ઉત્તેજના ફેલાવવાનો કેટલાંક લોકો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના બે પૂર્વ ધારાસભ્ય પોતાના રાજકીય સ્વાર્થ માટ આવું કરી રહ્યા હોવાની શંકા છે. લોકો પર સુરક્ષાનું જોખમ હોવાનો આઇબીનો ગુપ્ત પત્ર લીક થવા પાછળ રાજકીય કાવતરાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી છે.
આ અંગે શેખે જણાવ્યું કે ‘અમદાવાદમાં ક્યાંય અશાંતિનો માહોલ નથી અને શાંતિપૂર્ણ દેખાવો થઇ રહ્યાં છે. તે છતાં ‘દરિયાપુર કો શાહીન બાગ બનાઓ અને દેશ કે ગદ્દારો કો, ગોલી મારો’ જેવા ઉશ્કેરણીજનક સૂત્રો શહેરમાં વહેતા થાય છે. આવા મુદ્દા આગળ ધરીને કેટલાંક રાજકારણીઓ જ ગુજરાતની શાંતિ ડહોળવા મેદાને પડ્યાં હોવા જોઇએ.
શહેરમાં હાલ કોઇ તોફાન ન હોવા છતાં પોલીસ રેપિડ એક્શન ફોર્સની સાથે મળીને ફ્લેગમાર્ચ કોના ઇશારે કરી રહી છે. ગ્યાસુદ્દીન શેખે ‘જણાવ્યું કે ‘ભાજપના જ બે ભૂતપૂર્વ ધારાસભ્યો પોતાના રાજકીય સ્વાર્થ માટે આવું કરી રહ્યાં હોવાની શંકા છે. આ ઉપરાંત આ લીક થયેલો પત્ર પણ સાચો હશે કે નહીં તેની મને શંકા છે હોય તેમ લાગે છે.’
આ મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે પત્ર લીક કેવી રીતે થયો કે તેને લગતી તમામ બાબતો તપાસનો વિષય છે અને તે રાજ્ય સરકાર કરી રહી છે, પરંતુ અમારા ગુપ્તચર તંત્ર પાસેથી અમને ઇનપુટ મળ્યા છે તે પ્રમાણે કેટલાંક ચોક્કસ તત્ત્વો ગુજરાતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ ભેદી રીતે કરી રહ્યાં છે. છેલ્લે શાહઆલમ વિસ્તારમાં જે ઘટના બની તે તદ્દન અનપેક્ષિત હતી પણ વ્યવસ્થિત ષડયંત્ર સાથે થઇ હતી. આથી પોલીસ હાલ શહેરમાં વોચ રાખવાના આશય સાથે માર્ચ કરી રહી છે. નાગરિકોને પોલીસની આ ગતિવિધિથી સહેજ પણ ખલેલ ન પહોંચે તેની ચોક્કસાઇ રખાય છે.