1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 5 એપ્રિલ 2023 (19:03 IST)

મહાઠગ કિરણ પટેલને આવતીકાલે અમદાવાદ લવાશે, અનેક રાજ પરથી પડદો ઉંચકાશે

kiran patel
મહાઠગ કિરણ પટેલને આવતીકાલે રાતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં લાવી દેવામાં આવશે. કિરણ પટેલ નકલી પીએમઓનો અધિકારી બનીને જમ્મુ કાશ્મીર સરહદ પર ફરતો હતો ત્યારે પોલીસના ધ્યાન પર આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીર પોલીસની કસ્ટડીમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તેને ટ્રાન્સફર વોરેન્ટથી ધરપકડ કરીને અમદાવાદ આવવા રવાના થયા છે. ગુરુવારે રાતે કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ પહોંચી જશે તેને સામાન્ય કેદીની જેમ લાવવામાં આવી રહ્યો છે.
 
જગદીશ ચાવડાનું મકાન પચાવી પાડ્યું હતું
પોતાની લોભામણી વાતોથી લોકોને ફસાવીને લાખો રૂપિયાની ઉચાપત સામે આવ્યાની અનેક વિગતો બહાર આવી રહી છે. કિરણ પટેલ ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનું મકાન પચાવી પાડવાના કેસમાં અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. કિરણ પટેલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે. જેમાં તે અને તેની પત્ની માલીનીએ જગદીશ ચાવડાનું મકાન પચાવી પાડ્યું હતું. આ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
 
અમદાવાદ આવ્યા બાદ તેના અનેક રાજ સામે આવશે
મંત્રીના ભાઈનું મકાન પચાવી પાડવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કિરણ પટેલની પત્ની માલિની અને આર્કિટેકની પૂછપરછ કરી છે. હવે આ સમગ્ર કેસનો માસ્ટર માઈન્ડ કિરણ પટેલ અમદાવાદ આવ્યા બાદ તેના અનેક રાજ સામે આવશે. કિરણ પટેલ એટલો ભેજાબાજ હતો કે મંત્રીના ભાઈના ઘરમાં તેણે સંગીત સંધ્યા અને પૂજા રાખી હતી આ માટેનો ખર્ચો ક્યાંથી લાવ્યો તેની પર તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. 
 
કિરણ પટેલ સામે વધુ ગુના દાખલ કરવાની તૈયારી
આ અંગે અગાઉ માલીની પૂછપરછ થઈ ચૂકી છે પરંતુ સમગ્ર રેકેટનો માસ્ટરમાઈન્ડ કિરણ પટેલ આવા અનેક લોકોને ઠગી ચૂક્યો હોવાની પોલીસને પૂરી શંકા છે.હવે પોલીસે જેમ જેમ પુરાવા મળશે તેમ કિરણ પટેલ સામે વધુ ગુના દાખલ કરવાની પણ તૈયારી કરી લીધી છે. કિરણ પટેલ અને તેની પત્ની જે બેન્ક એકાઉન્ટ વાપરતા હતા તેની પણ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગે  ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યું હતું કે અમારી ટીમ કિરણ પટેલને લઈને અમદાવાદ આવવા નીકળી ગઈ છે. આવતીકાલે રાત સુધી કિરણ પટેલને અમદાવાદ લાવી દેવામાં આવશે.