અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ ની મુશ્કેલી વધી, આદીવાસી સર્ટીફિકેટ થયું રદ્દ
ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ વિધાનસભાની ચૂંટણીમાં વિજય તો થયા, પરંતુ આદીવાસી સર્ટીફિકેટના વિવાદના કારણે મળેલી સત્તા સંકટમાં આવી ગઈ. આજે તેમને હાઈકોર્ટે રચેલી સમીતિએ આ મુદ્દે મોટો ઝટકો આપ્યો છે. સમિતિએ ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી નથી એવું જાહેર કર્યું. મળતી માહિતી મુજબ, મોરવાહડફના અપક્ષ ઉમેદવાર ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી સર્ટીફીકેટ રદ્દ કરવામાં આવ્યું છે. હાઈકોર્ટ દ્વારા રચેલ ખાસ સમિતીએ આજે પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. સમિતિએ જાહેર કર્યું કે ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી નથી, જેથી તેમને મળેલ આદિવાસી સર્ટીફિકેટ રદ્દ કરવામાં આવે છે. આ સાથે હવે ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટની મુશ્કેલી વધી ગઈ છે, તેમણે જે પ્રમાણપત્રના આધાર પર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તેને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ શકે છે. આ મુદ્દે ભુપેન્દ્રસિંહ સિંહે કહ્યું કે, સમિતિના આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. ભુપેન્દ્રસિંહ ખાંટ પર 2010માં કેસ થયો હતો, તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ભુપેન્દ્ર સિંહ ખાંટે ખોટા દસ્તાવેજો રજૂ આદિવાસી બન્યા. તેઓ રાજકીય અને અન્ય લાભ મેળવવા માટે આદિવાસી બન્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે પણ તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પંચમહાલ જીલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક ઉપર અપક્ષ તરીકે વિજેતા થયેલા ભુપેન્દ્રભાઈ ખાંટે ખોટુ જાતિનું પ્રમાણપત્ર રજૂ કર્યાના આક્ષેપ સાથે તેમની વિરુધ્ધ આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજે રેલી કાઢી હતી. મોરવા હડફના ભાજપાના પરાજીત ઉમેદવાર વિંક્રમસિહ ડીંડોર અને અન્ય બી.ટી.પી પાર્ટીના પરાજીત ઉમેદવાર અલ્પેશ ડામોર તેમજ અન્ય આદિવાસી અગ્રણીઓએ જોડાઈને મોરવા હડફ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, જો બાપ બક્ષીપંચ સમાજનો હોય તો તેના પુત્રો બક્ષીપંચ સમાજના જ ગણાય જેમા મોટો પુત્ર ભુપેન્દ્રભાઈ આદિવાસી છે અને નાનો ગોવિંદભાઈ બક્ષીપંચ છે, તો સરકારશ્રીમાં એક જ બાપના બે પુત્રો અલગ અલગ જાતિના હોય તેવો કાયદો ખરો? તેમને આદિવાસી તરીકે ચૂંટણી લડીને અમારા હક છીનવી લીઘેલ છે. આ બિન આદિવાસી ધારાસભ્યને અનામત સીટ પરથી ધારાસભ્ય તરીકે સ્વીકારવો નથી જેથી અમારા આદિવાસીઓને અમારો હક અને અધિકાર મળે તેવી અરજ કરીએ છે. ભૂપેન્દ્ર ખાંટ બક્ષિપંચ જાતીના છે.