શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (09:25 IST)

ભાજપ અને કોંગ્રેસે એકબીજાને હરાવવા માટે પોતાના જ ઉમેદવારોને અપક્ષ ઉમેદવારી કરાવી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  સંસદમાં કોંગ્રેસને નાબૂદ કરવાની વાત કરી હતી. પણ ગુજરાતમાં કોંગ્રેસ કેટલેક ઠેકાણે ભોજપને નેસ્તનાબુદ કરતાં પોતે પક્ષ તરીકે નાબૂદ થવા તૈયાર છે. પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઘણી જગ્યાએ ભાજપને હરાવીને સાફ કરવા માટે કોંગ્રેસ પોતે પોતાના ઉમેદવારો પંજાના નિશાન પર ઊભા રાખવાના બદલે અપક્ષ ઊભા રાખે છે. અથવા અપક્ષોને ટેકો આપીને પંજાને નાબૂદ કરવાનું પસંદ કરે છે. આવું જ કંઈક વલસાડમાં થયું છે.

આ મુદ્દો ગાંધીનગરમાં ચર્ચાના સ્થાને છે પણ સ્થાનિક નેતા માને છે કે જો ભાજપને નેસ્ત નાબૂદ કરવો હોય તો વલસાડમાં જે કર્યું તે સમગ્ર ગુજરાતમાં કરવામાં આવે તો તે સારી વ્યૂહરચના છે. વલસાડ નગરપાલિકામાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ દ્વારા ત્રણ ઉમેદવારોની ઉમેદવારી પરત ખેંચી છે. આમ થતાં હવે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ નહીં પણ અપક્ષ સામેની ચૂંટણી બની ગઈ છે. મતદાન પહેલાં જ હાર માની લીધી હોય તેમ કોંગ્રેસ પોતાના ઉમેદવાર પરત ખેંચી રહી છે. તેનું એક માત્ર કારણ ભાજપને હરાવવાનું કહેવામાં આવે છે. આ કિસ્સો માત્ર વલસાડ પુરતો સિમિત નથી પણ ગુજરાતની જે નગરપાલિકાઓની ચૂંટણી થઈ રહી છે ત્યાં આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે.