ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 માર્ચ 2018 (13:11 IST)

જૂનાગઢમાં વન્ય જીવો માટે પીવાના પાણીની સમસ્યા ઉકેલવામાં સરકારનાં આંખ આડા કાન

જૂનાગઢમાં વન્ય જીવો માટે પીવાના પાણીની સમસ્યા ઉકેલવામાં તંત્રને ખુદને રસ ન  હોય તેમ ઠાગાઠૈયા કરે છે. વન્ય પ્રાણીઓ માટે ઉનાળા દરમિયાન દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે ટેન્કરો દ્વારા પાણીના ફેરા કરી કુંડીઓ ભરે છે તેના બદલે અભયારણ્યમાં આવેલ ચેકડેમોના કાંપને દુર કરવા માત્રથી લાખો ગેલન પાણીનો સંગ્રહ થઇ શકે તેમ છે. વનરાજોને કુદરતી રીતે પીવાના પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ થઈ શકે છે. પણ સરકારને તેમાં રસ ન હોય તેમ વલણ અખત્યાર કરવામાં આવી રહ્યું છે.  અભયારણ્યમાં કે જ્યાં ઉનાળાની શરૂઆત થતાં જ વન વિભાગ દ્વારા ટેન્કર દ્વારા વન્ય પ્રાણીઓ માટે પાણી સુવિધા મળે તે માટે ફેરાઓ શરુ કરી દેવામાં આવે છે.

જુનાગઢ ગીરનાર અભયારણ્યમાં ૫૧ જેટલા ચેકડેમો આવેલા છે. ત્યારે આ ચેકડેમોમાં કાંપનું પ્રમાણ ખુબ જ મોટા પ્રમાણમાં વધી ગયું છે. જેથી વરસાદી પાણીનો સંગ્રહ ઓછો થાય છે. એક બાજુ વન વિભાગ લાખો રૂપિયાના ખર્ચે ટેન્કરો દ્વારા વન્યપ્રાણીઓ માટે પાણી પૂરું પાડે છે પરંતુ બીજી તરફ આવા ચેકડેમોમાં કાંપ દૂર કરવાનો વિચાર સુદ્ધા પણ સરકારને આવતો નથી. જેનાથી સરકારના લાખો રૂપિયાની બચત થઇ શકે તેમ છે. સિંહોને પ્રાકૃતિક રીતે પાણી અને ખોરાક પ્રાપ્ત થઈ શકે તેમ છે. સરકારની યોજના હતી કે વન્ય વિસ્તારમાં પ્રાણીઓ ને પુરતું પાણી મળી રહે તે માટે ચેકડેમો બનાવવા. આ માટે ચેકડેમો બનાવ્યા તો ખરા પણ હાલ તેની જાળવણીનો અભાવ જોવા મળે છે. ઘણી જગ્યાએ આ ચેકડેમો અત્યંત બિસ્માર હાલતમાં છે. ક્યાંક તો ગાબડા સ્પષ્ટ દેખાય રહ્યા છે.  આ તમાંમ બાબતો માટે મહાપાલિકાના કોર્પોરેટર તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી છે. આમછતાં સરકાર અને વન વિભાગ પોતાનું જક્કી વલણ છોડવા તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે.