1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 જાન્યુઆરી 2021 (10:23 IST)

ખુલ્લા મેદાનમાં યોજાતા જાહેર કાર્યક્રમોમાંથી સંખ્યાની મર્યાદા દૂર કરાઈ, લગ્ન સમારંભમાં આ છૂટછાટ આપવાની CM રૂપાણીનો ઈનકાર

રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે જાહેર કાર્યક્રમો પર લાદવામાં આવેલા પ્રતિબંધમાં એક મોટી છૂટછાટ આપવામાં આવી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે ખુલ્લા મેદાનમાં યોજાતા કાર્યક્રમમાં સંખ્યાની કોઈ મર્યાદા રહેશે નહિં. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સરકાર દ્વારા કરાયેલો આ નિર્ણય મહત્વપૂર્ણ છે. જો કે મુખ્યમંત્રી રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે લગ્ન સમારોહમાં આ છૂટછાટ લાગુ પડશે નહિં.

લગ્નમાં આ છૂટછાટ લાગુ ન કરવા અંગે તર્ક રજુ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, લગ્નના આયોજનો પાંચ-છ કલાક સુધી ચાલતા હોય છે અને તેમાં આ પ્રકારની છૂટછાટને કારણે કોરોના સંક્રમણ થવાની શક્યતા વધુ રહે છે.જયારે અન્ય કાર્યક્રમો એક કે બે કલાકમાં પૂરા થઈ જતા હોય છે અને ખુલ્લા મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક બન્નેની ફરજીયાત જોગવાઈ સાથે કોઈ સંખ્યા મર્યાદા લાગુ થશે નહિં. આયોજકોએ જો કે કોરોનાના તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે અને જે કાંઈ પોલીસ મંજુરી કે વહીવટી વ્યવસ્થા હશે તે યથાવત રહેશે. અગાઉ ગુજરાત સરકારે લગ્ન સમારંભોમાં મહત્તમ 200 વ્યક્તિઓની હાજરીને બહાલી આપી હતી. પરંતુ દિવાળી બાદ કોરોના સંક્રમણમાં વધારો થતાં આ મર્યાદા ઘટાડીને લગ્ન સ્થળની ક્ષમતાના 50 ટકા અને વધુમાં વધુ 100 વ્યક્તિની જ્યારે અંતિમ ક્રિયા તથા અન્ય સમારોહમાં 50 વ્યક્તિની મર્યાદા બાંધવામાં આવી હતી. લગ્ન પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ હજુ ચાલુ જ છે. હાલ રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી બનાવાયો છે તેવા સ્થળોએ કોઇપણ પ્રસંગનું આયોજન કર્ફ્યૂના સમયગાળા દરમ્યાન કરી શકાતું નથી. લગ્નો કે સત્કાર સમારંભો યોજવામાં આવે ત્યારે કોવિડ-19 સંદર્ભે જે માર્ગદર્શિકા અમલમાં છે તેનો નાગરિકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. સમારંભ દરમ્યાન 6 ફૂટની દૂરી સાથેનું ફિઝીકલ સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક તથા સેનીટાઇઝર સહીતની વ્યવસ્થા કરવાની રહેશે. થોડા સમય પહેલા સોરઠ ચોકીમાં એલઆરડીના જવાનોએ જે ગરબા યોજ્યા હતાં તે કિસ્સામાં થયેલી કાર્યવાહી સંદર્ભે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા કહે છે કે આ ગરબામાં આવેલામાંથી કોઇને કોરોના ન હતો. સામાન્ય દિવસોમાં પરેડ થાય તેવું જ આ આયોજન હતું અને બહારની કોઇ વ્યક્તિ તેમાં ન હતી. માસ્ક ન હતાં તેવા જવાનોને ઓળખીને તેમને 300 રૂપિયાના દંડની નોટીસ આપી છે અને આ નોંધ તેમની સેવા પોથીમાં કરાઇ છે.