બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 નવેમ્બર 2022 (11:36 IST)

મોરબી દુર્ઘટનામાં કાળી ટીલી લાગતા ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા

મોરબી પુલ દુર્ઘટનામાં 134 નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ ગયો. અનેક પરિવારો તબાહ થઈ ગયા. આંસુ થીજી જાય અને હૈયુ ધબકારો ચૂકી જાય તેવી આ ઘટનામાં હવે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે ઝૂલતા પુલના સમારકામની જવાબદારી જે ઓરેવા ગ્રૂપને સોંપાઈ હતી, તેનો માલિક જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

પોલીસે તેનું નામ પણ FIR માં નથી નોંધ્યું કે તેને પકડવાની પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. જેના પરથી મોરબી પોલીસ મુખ્ય આરોપીને જ છાવરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસે મોટા મગરમચ્છને છોડીને નાની માછલીઓ પકડી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પોલીસે દુર્ઘટનામાં મેઈન્ટેન્સ અને મેનેજમેન્ટ કરનાર એજન્સીઓને જવાબદાર ઠેરવીને નાના કર્મચારીઓની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી સામે હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ. ઘટનાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પુલ દુર્ઘટનાના કલાકો બાદ ક્યાં છે જયસુખ પટેલ ? શું ધરપકડના ડરથી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે ? મોરબી પોલીસ પણ કેમ જયસુખને છાવરી રહી છે ? કાર્યવાહીના નામે શું માત્ર નાના કર્મચારીઓને પકડીને પોલીસ સંતોષ માનશે ? આ તમામ સવાલો હાલ ઉઠી રહ્યા છે.