1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 જુલાઈ 2022 (13:50 IST)

બોડેલીમાં વરસાદે તબાહી મચાવી, 22 ઈંચ વરસાદથી ઘરવખરી પાણીમાં તણાઈ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 22 ઇંચ વરસાદ ખાબકતા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બોડેલીના રજાનગરના ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ, ટીવી અને ફ્રીજ સહિતનો તમામ સામાન પાણીમાં પલળી ગયો છે. કેટલોક સામાન તો વરસાદના પાણીમાં તણાઈ પણ ગયો છે. જેને પગલે લોકો તંત્ર પાસથી મદદથી રાહ જોઈને બેઠા છે. છોટાઉદપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 5700 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે 369 લોકોને રેસ્ક્યૂ કરવામં આવ્યા છે.

વડોદરાથી ફાયર બ્રિગેડની 2 ટીમ બોડેલી પહોંચી ગઈ છે. આજે વરસાદ રોકાયો છે, પરંતુ અતિ ભારે વરસાદને પગલે છોટાઉદેપુર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મોટાપાયે નુકસાન થયું છે.છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ તાંડવ કર્યું હતું. વહેલી સવારથી વરસવાનું ચાલુ કરતાં જ સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતું. બોડેલીમાં ગઈકાલે સવારે 6થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 22 ઇંચ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમા પાણી ભરાયા હતાં. જ્યારે વાહન વ્યવહારથી ધમધમતી અલીપુરા ચોકડી નદીના રૂપમાં ફેરવાઇ હતી. બોડેલી બાદ કવાંટમાં 17 ઈંચ, પાવીજેતપુરમાં 15 ઇંચ અને છોટાઉદેપુરમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે સુકીભઠ્ઠ જિલ્લાની ઓરસંગ, હેરણ અને અશ્વિની નદી બે કાંઠે થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે માર્ગો તુટી જવાના કારણે વ્યવહાર બંધ થયો હતો. જ્યારે વરસાદી પાણીમાં ડૂબેલા 5700 લોકોનું સ્થળાંતર કરાયું છે.બોડેલીના દીવાન ફળિયા અને ઢોકલિયાના રજાનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હોય NDRF અને પોલીસની ટીમોએ મળીને 200થી વધુ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. સોસાયટી, દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા. બોડેલી, અલીપુરા ચોકડી અને છોટાઉદેપુર રોડ પરની દુકાનોમાં પાણી ભરાયાં હતાં. નદીના પાણી ફરી વળતા અનેક ગામો કપાયા હતા.