શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (15:35 IST)

રાજકોટ સિવિલનું તંત્રઃ મૃતદેહ સોંપી દીધા બાદ અંતિમવિધિમાંથી મૃતદેહ પરત મંગાવ્યો

રાજકોટ સિવિલ હૉસ્પિટલની એક પછી એક બેદરકારી બહાર આવી રહી છે. અકસ્માતમાં મોતને ભેટેલા એક વ્યક્તિનો મૃતદેહ તેમના પરિવારજનોને પોસ્ટ મોર્ટમ વગર જ સોંપી દેવામાં આવ્યો છે. જોકે, બાદમાં પોલીસે ફોન કરીને મૃતદેહ પરત મંગાવ્યો હતો. આ દરમિયાન મૃતકના પરિવારજનો મૃતદેહ લઈને અંતિમવિધિ માટે ગોંડલ પહોંચી ગયા હતા. બટુકભાઈ નામના વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું હતું. બટુકભાઈનો મૃતદેહ સોંપતી વખતે હૉસ્પિટલે એક ચીઠ્ઠી પણ આપી હતી. પરંતુ મૃતદેહ 40 કિલોમીટર દૂર પહોંચી ગયા બાદ હૉસ્પિટલને પોસ્ટ મોર્ટમ ન થયાનું ધ્યાનમાં આવ્યું હતું અને અંતિમવિધિમાંથી મૃતદેહ પરત મંગાવ્યો હતો. તંત્રના આવા આદેશ બાદ પરિવારમાં રોષની લાગણી ફેલાઈ હતી. અકસ્માત બાદ દર્દીનો મૃતદેહ સોંપતી વખતે પરિવારના લોકોને સિવિલ તરફથી ડિસ્ચાર્જની એક ચીઠ્ઠી પણ આપવામાં આવી હતી. જે બાદમાં પોલીસે ફોન કરીને મૃતદેહ પરત મંગાવ્યો હતો. આ મામલે જ્યારે મૃતકના પરિવારજનોએ હૉસ્પિટલ તંત્રને ફોન કર્યો ત્યારે તંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે, પોસ્ટ મોર્ટમ વગર મૃતદેહ સોંપી શકાય નહીં. આથી પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ પરત લાવવો પડશે. પરિવારજનોએ જ્યારે કહ્યુ કે, તમે કાયદેસરની વિધિ કરીને મૃતદેહ સોંપ્યો છે તો શા માટે પરત મંગાવી રહ્યા છો? જેના જવાબમાં તંત્રએ જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે પોસ્ટ મોર્ટમ થવું જોઈએ. આ ઉપરાંત તમારે ડેથ સર્ટિફિકેટ જોઈતું હોય તો આ પ્રક્રિયા પૂરી કરવી પડશે. પરિવારે જ્યારે કહ્યું કે, તમે અમને ચીઠ્ઠી લખીને જ રજા આપી છે. આ ઉપરાંત અમે મૃતદેહને બળજબરીથી પણ નથી લઈ ગયા. આ વખતે હૉસ્પિટલ તંત્રએ કહ્યુ હતું કે મોતનું કારણ અને બધું લખવું પડે છે.મૃતક બટુકભાઈના ભાઈએ જ્યારે રાજકોટ સિવિલના મેડિકલ ઓફિસરને જ્યારે ફોન કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જો તમારે ડેથ સર્ટિફિકેટ જોઈતું હોય તો મૃતદેહ પરત લાવવો પડશે. મૃતકનાભાઈએ જ્યારે ડેથ સર્ટિફિકેટ નથી જોઈતું તેવી વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમારે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે. આ માટે તમારે મૃતદેહ લાવવો પડશે. મૃતકના ભાઈએ જ્યારે દલીલ કરી કે, તમામ પ્રક્રિયા વગર શા માટે મૃતદેહ સોંપી દેવામાં આવ્યો ત્યારે એમઓ તરફથી ઉડાઉ જવાબ આપી દેવામાં આવ્યો હતો કે, હું આ બાબતમાં કંઈ જાણતો નથી