બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 એપ્રિલ 2021 (11:04 IST)

ચેમ્બર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ MSME ઉદ્યોગો માટે રાહતની માંગ કરાઇ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ– ૧૯ની સેકન્ડ વેવમાં સતત કથળી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ઉદ્યોગ–ધંધા ઉપર પડેલી માઠી અસરને પહોંચી વળવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને વિવિધ રાહત આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આવતી નગરપાલિકા અને મહાનગરપાલિકામાં લેવાતો મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેકસમાં ગત વર્ષની જેમ ૩૦ ટકા સુધીની કપાત તથા તા. ૩૧ ઓગષ્ટ ર૦ર૧ સુધીની સમય મર્યાદા આપવાની માંગ કરવામાં આવી છે.
 
મુખ્યમંત્રી સમક્ષ નીચે મુજબની માંગ કરવામાં આવી છે.
 
૧. સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગોને વિજળી બીલમાં યોગ્ય રાહત મળી રહે તે માટે ફીક્‌સ ડિમાન્ડ ચાર્જીસમાં આવતાં ત્રણ મહિના સુધી માફ કરવો જોઈએ.
 
ર. ઔદ્યોગિક વપરાશ માટેના ગેસ વિતરણ માટે લેવાતો ફિક્‌સ ચાર્જ પણ ત્રણ મહિના સુધી માફ કરવો જોઈએ.
 
૩. રાજ્ય કરવેરો ભરવાની તારીખ જે એપ્રિલ કે મે મહિનામાં આવતી હોય તો તેને જૂન સુધી વગર કોઈ પેનલ્ટી અથવા લેટ ફી વગર લંબાવી આપવી જોઈએ.
 
૪. જીઆઇડીસીના સંકલિત વેરા ભરવાની તારીખમાં પણ ત્રણ મહિનાનો વધારો કરવો જોઈએ.
 
પ. ઔદ્યોગિક વપરાશકારોને વિજળી બીલ ભરવાની તારીખમાં બે મહિના સુધીની રાહત મળવી જોઈએ.
 
૬. એમએસએમઇ ઉદ્યોગને મળતી વિજળીના ભાવમાં ઘટાડો કરવો જોઈએ.
 
ગત વર્ષે જ્યારે આખું ગુજરાત લોકડાઉનમાં હતું ત્યારે મે મહિનામાં વીજળીના વપરાશમાં ૧પ ટકાનો ઘટાડો નોંધવામાં આવેલ હતો. જ્યારે આ વર્ષે એપ્રિલ મહિનામાં ડીજીવીસીએલ દ્વારા વીજળીની માંગમાં ૧.પ ટકા જેટલો ઘટાડો નોંધવામાં આવેલ છે, જે દર્શાવે છે કે ઔદ્યોગિક વપરાશ માટે વીજળીની માંગમાં ઘટાડો નોંધાયેલ છે. સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી હોવાથી ઉદ્યોગ–ધંધા મુશ્કેલીમાં મુકાયા હોઇ ઉપરોકત રાહત માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.