રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , શનિવાર, 13 જુલાઈ 2024 (19:00 IST)

ગાંધીનગર જિલ્લાના જૂના પહાડિયા ગામનો બારોબાર સોદો થઈ ગયો, તંત્ર દોડતુ થયું

The old Pahadia village of Gandhinagar district has got a fair deal
જિલ્લાના દહેગામ તાલુકાનું જૂના પહાડિયા ગામ ગ્રામજનોની જાણ બહાર બારોબાર વેચી મારવામાં આવ્યું હોવાની ગ્રામજનોએ ગંભીર આક્ષેપ સાથે રજૂઆત કરતાં તંત્રમાં ભારે દોડધામ મચી છે. આ મામલે દહેગામના ધારાસભ્યએ પણ કલેકટરને પત્ર લખીને તપાસ કરીને કસૂરવારો સામે પગલાં ભરવાની માગ કરાઈ છે. સબ રજિસ્ટ્રારના કહેવા પ્રમાણે સાતબારના ઉતારામાં જે ખેડૂતોનાં નામ ચાલે છે તેમણે જ વેચાણ દસ્તાવેજ કર્યો છે.અત્યારે સ્ટેમ્પ ડ્યૂટી કલેક્ટર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિતના અધિકારીઓએ ગામની મુલાકાત લીધી છે.
 
મામલતદાર અને સબ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવા આવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે દહેગામના જૂના પહાડિયા ગામ માટે જમીન આપનારાઓના વારસદારો દ્વારા ગત તારીખ 23 જૂનના રોજ રજિસ્ટર દસ્તાવેજથી અન્યને વેચી મારી હોવાનું ગ્રામજનોના ધ્યાને આવતાં તેમણે તાલુકા સેવા સદન ખાતે દસ્તાવેજ રદ કરવાની અને ન્યાયની માગ સાથે દહેગામ મામલતદાર અને સબ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવા આવ્યા છે. જૂના પહાડિયા ગામને વસાવવા માટે આશરે 50 વર્ષ અગાઉ જમીન-માલિકે અમુક રકમ લઈ સ્વેચ્છાએ જમીન આપી હોવા છતાં 14,597 ચોરસમીટર જમીનનો દસ્તાવેજ જમીન-માલિકના વારસદારોએ અન્ય વ્યક્તિને કરી આપ્યા બાદ ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. 
 
7/12માં ચાલતા નામના ખેડૂતો એ વેચાણ દસ્તાવેજ કર્યો
આ અંગે દહેગામના સબ રજિસ્ટ્રાર વિશાલ ચૌધરીએ મીડિયાને કહ્યું હતું કે જૂના પહાડિયા ગામમાં સરવે નંબર 142નો દસ્તાવેજ થયો છે એ જમીન રેવન્યુ રેકોર્ડમાં 142 સર્વે નંબરથી છે અને એના સાતબારમાં જે ખેડૂતોનાં નામ ચાલે છે તેમણે જ વેચાણ દસ્તાવેજ કર્યો છે. દસ્તાવેજમાં ખુલ્લી જમીનના ફોટા લગાડેલા છે, પરંતુ ગ્રામજનોનું કહેવું છે કે આ જમીનમાં અમારા મકાનો છે જે આપનાર અને લેનાર પાર્ટીએ જોવાનું હોય છે. ગ્રામજનોની દસ્તાવેજ રદ કરવાની રજૂઆત હતી પરંતુ એને અમે રદ કરી શકીએ નહીં એને કોર્ટ દ્વારા જ રદ કરી શકાય.
 
જમીન-માલિકો સામે કાનૂની કાર્યવાહી કરવાની ભલામણ
સમગ્ર મામલે દહેગામ ધારાસભ્ય બલરાજસિંહે ચૌહાણે કલેક્ટરને પત્ર લખીને ન્યાયિક તપાસની માગણી કરાઈ છે. તેમણે રજૂઆત કરી છે કે અહીં 80 જેટલાં કાચાં પાકાં મકાનો આવેલાં છે. જેમાં PM આવાસ યોજના, ઇન્દિરા યોજના તેમજ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ નાગરિકોને લાભ આપવામાં આવ્યો છે. ગ્રામપંચાયત દ્વારા આકારણી કરીને ગેસ-પાણી-લાઈટની સુવિધા પણ પૂરી પડાઈ છે જેથી આ મુદ્દે ગ્રામજનોની માગણીને લઈ ખાનગી જમીન-માલિકો સામે કાનૂની કાર્યવાહી કરવાની ભલામણ છે.