ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 ઑગસ્ટ 2021 (12:56 IST)

અમદાવાદના રહેણાંક વિસ્તારોમાં અસહ્ય ગંદકીના થરો ખડકાયા, છતાં AMC તંત્ર નિંદ્રાધીન - મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયાએ એક વિડીયો ટ્વિટર ઉપર શેર  કરી જમાલપુરની સ્થિતિ વર્ણવી તેમણે કહ્યુ કે આ હજારો લોકોની અવરજવરથી સતત ધમધમતા જમાલપુર ચાર રસ્તા અને રહેણાંક વિસ્તાર અસહ્ય ગંદકીથી ખદબદી રહ્યો છે. નાક પણ ખોલી ના શકાય તેવી અસહ્ય ગંદકીની દુર્ગંધ લોકોને પારવાર મુશ્કેલીમાં નાખી રહી છે. મચ્છરોનો ઉપદ્રવ સાતમાં આસમાને છે. 
 
આ વિસ્તારમાં હજારો લોકો વસવાટ કરે છે, જેઓ ગંદકીના કારણે સતત કોલેરા, મેલેરીયા જેવા રોગોના ભોગ બને છે. છતાં અમદાવાદ મહાનગર પાલીકાના પેટનું પાણી પણ હાલતું નથી. શ્રી  મોઢવાડિયાએ પ્રશ્ન કર્યો  કે શું અમદાવાદ મહાનગર પાલીકા કોલેરા કે મલેરીયાનો રાફડો ફાટે તેની પ્રતિક્ષા કરી રહ્યું છે? કે પછી શહેરમાં રોગચાળો ફાટે એ માટે કોઈ યોજના(ષડયંત્ર) અમલમાં મુકી છે?
 
મોઢવાડિયાએ જણાવ્યું કહ્યુ  કે સ્માર્ટ સિટી, સ્વચ્છતા રેન્કિંગ શહેર નંબર-૧ જેવા રુપકડા સ્લોગનો બનાવી તેની જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરાય છે. ઉપરાંત શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે છેલ્લા દસ વર્ષથી મ્યુનિ. દ્વારા જુદી જુદી યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે છતાં કોન્ટ્રાક્ટરોની લાલિયાવાડી તથા મ્યુનિ. અધિકારીઓની આંખ આડા કાન કરવાની વૃત્તિના કારણે શહેરમાં ગંદકીના ઢગલા ખડકાય છે,  AMC દ્વારા વર્ષ 2005થી 2010 જુલાઇ સુધી દરેક ઘરેથી પેન્ડલ રીક્ષા દ્વારા કચરો એકત્ર કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી અને તેના માટે ઘર દીઠ 10 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. 
 
શહેરમાં એક હજારથી વધુ રેસિડેન્ટ વેલ્ફેર એસો.ને 12 લાખથી વધુ મકાનોમાંથી કચરો એકત્ર કરવા માટે મહિને સવા કરોડથી વધુ રૂપિયા ચૂકવાતા હતા. આ સિસ્ટમમાં ભાજપના નેતાઓ દ્વારા સૌથી વધુ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો અને ભાજપના જ કોર્પોરેટરો તથા કાર્યકરોએ જ મંડળી નોંધાવી કોન્ટ્રાકટ લઇ લીધા હતા, પરંતુ નિયમ મુજબની પેન્ડલ રીક્ષા કે કામદાર રાખતા જ નહોતા જેના કારણે કરોડો રૂપિયા ખર્ચવા છતાં યોજના નિષ્ફળ નીવડી હતી. આ યોજના બાદ AMC એ સમગ્ર શહેરમાં ડોર ટૂ ડમ્પ યોજના લાગુ કરી હતી અને તેમાં છ ઝોન માટે છ કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવ્યું હતું. 
 
જેમાં બંધ બોડીના વાહનોમાં સોસાયટીના દરવાજેથી કચરો એકત્ર કરી ડમ્પ સાઇટ ખાતે નિકાલ કરવાની જોગવાઈ હતી અને તેના માટે દરેક કોન્ટ્રાક્ટરને પ્રતિ ટનના ભાવે નાણાં ચૂકવવામાં આવે છે. પરંતુ ભાજપના કોર્પોરેટરો અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતના કારણે આ યોજના પણ સફળ બની નથી. અનેક વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરના સફાઈ કામદારો કચરો લેવા રોજ જતા નથી, તેથી રોડ ઉપર કચરો ફેંકાય છે અને શહેરમાં અનેક વિસ્તારો આવી ગંદકીથી ખદબદી રહ્યાં છે, ત્યારે શહેરના નાગરિકોએ તંત્રનો કાન આમળવો જોઈએ.