રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 એપ્રિલ 2023 (09:26 IST)

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, કયા જિલ્લામાં પાંચ દિવસ સુધી રહેશે માવઠું ? આ વર્ષે કેવું રહેશે ચોમાસું ?

ગુજરાતમાં આ વર્ષે ઉનાળાની શરૂઆત જ કમોસમી વરસાદથી થઈ હતી. લગભગ આખા માર્ચ મહિનામાં રાજ્યમાં વરસાદી માહોલ રહ્યો હતો. કમોસમી વરસાદને કારણે હજી સુધી ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી જોવા મળી નથી. માર્ચથી મે મહિના સુધી પડતા વરસાદને પ્રી-મૉન્સુન રેઇન એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ કહેવામાં આવે છે.
 
એપ્રિલની શરૂઆત પણ કમોસમી વરસાદથી થઈ હતી અને હવે એવી શક્યતા છે કે મે મહિનાની શરૂઆત પણ કમોસમી વરસાદથી થશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનાના અંતમાં ફરી માવઠું થશે અને મે મહિનાની શરૂઆતના દિવસો પણ આ માવઠાની સાથે જ પસાર થવાની સંભાવના દેખાઈ રહી છે.
 
સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં રાજ્યમાં ભારે ગરમી પડતી હોય છે અને મે મહિનામાં જમીન પરથી આવતા ગરમ પવનો કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને દઝાડતા હોય છે. જે ગરમી આ વર્ષે રાજ્યમાં હજી સુધી જોવા મળી નથી
 
ગુજરાતમાં કેટલા દિવસ સુધી ફરી વરસાદની આગાહી?
 
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં 26-27 એપ્રિલની આસપાસથી કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાશે અને કેટલાંક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર દેશમાં મે મહિનાની શરૂઆતના દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા છે. લગભગ ભારતનાં મોટાં ભાગનાં રાજ્યોમાં એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં ચોમાસા પહેલાંનો વરસાદ પડે તેવી શક્યતા છે.
 
હવામાન વિભાગના વરસાદની આગાહી કરતા આંકડાકીય મૉડલ પ્રમાણે ગુજરાતમાં 3 મે સુધી અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. એપ્રિલના અંતમાં ફરીથી વરસાદી રાઉન્ડને કારણે ગરમી વધતી અટકી જશે અને લોકોને રાજ્યોમાં ગરમીથી રાહત મળવાની શક્યતા દેખાઈ રહી છે. 27-28 એપ્રિલની આસપાસ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દક્ષિણ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે. જે બાદ વરસાદી માહોલ આગળ વધીને દેશના મોટા ભાગના વિસ્તારો સુધી પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાતના કયા વિસ્તારોમાં થશે માવઠું?
 
27 એપ્રિલની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. 28 એપ્રિલની આસપાસ પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. શરૂઆતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાતમાં 27 એપ્રિલથી લઈને લગભગ 4 મે સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. 30 એપ્રિલ અને 1 મેની આસપાસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. આ વર્ષે સતત કમોસમી વરસાદને કારણે રાજ્યમાં ગરમીનો પારો ઊંચો જતો અટકી ગયો છે. હાલ થોડા દિવસ સુધી ગરમી વધશે પરંતુ તે બાદ માવઠું થતા ફરી ગરમીમાં રાહત મળશે.
 
આ વર્ષે કેવું રહેશે ચોમાસું?
હવામાન વિભાગે એપ્રિલમાં જ આગામી ચોમાસાનું અનુમાન જારી કરી દીધું છે. એ મુજબ આવનારું ચોમાસું દેશમાં સામાન્ય રહેવાની શક્યતા છે. 'સામાન્ય ચોમાસા'નો અર્થ એ છે કે દેશમાં સરેરાશ સારો વરસાદ થશે. ભારતમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનામાં થાય છે અને સપ્ટેમ્બર મહિના સુધી તે લંબાય છે. આ ચાર મહિનામાં પડતા વરસાદને ચોમાસાનો વરસાદ ગણવામાં આવે છે.
 
હવામાન વિભાગનું કહેવું છે કે લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે દેશમાં 96% વરસાદ થવાની સંભાવના છે. લાંબા ગાળાની સરેરાશ એટલે જૂનથી સપ્ટેમ્બર સુધી પડતો વરસાદ. 
 
ભારતમાં દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું ખૂબ મહત્ત્વનું હોય છે, જેના પર ભારતની ખેતીનો સમગ્ર આધાર છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ ચોમાસાનું અનુમાન જારી કર્યું છે, તેમના અનુમાન અનુસાર દેશમાં આગામી ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેશે.  સ્કાયમેટના અનુમાન અનુસાર લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે ચોમાસામાં 94 ટકા વરસાદ થવાની સંભાવના છે. સ્કાયમેટના કહેવા અનુસાર ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં અપૂરતો વરસાદ થવાની શક્યતા છે.