વડોદરામાં રેબીઝનો ચોંકાવનારો કિસ્સો: કૂતરાના કરડ્યા બાદ યુવક પોતાને જ કરડવા લાગ્યો, લોકો પર હુમલાનો પ્રયાસ
વડોદરાના ભાયલી વિસ્તારમાં રેબીઝનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, હેમંત નામના યુવકને થોડા સમય પહેલાં એક રખડતા કૂતરાએ કરડ્યો હતો. કૂતરાના કરડ્યા બાદ સમયસર સારવાર અને એન્ટી-રેબીઝ વેક્સિન ન લેવાતા તેની તબિયત ધીમે-ધીમે બગડી હતી.
સ્થિતિ ગંભીર બનતા યુવકમાં રેબીઝના લક્ષણો જોવા મળ્યા હતા. યુવક અચાનક પોતાને જ કરડવા લાગ્યો હતો અને આસપાસના લોકો પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની આ સ્થિતિ જોઈને લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
હાલત બેકાબૂ બનતા યુવકને બાંધ્યો
યુવકની હાલત બેકાબૂ બનતા આસપાસના લોકોએ તેને સુરક્ષિત રીતે બાંધી દીધો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવકને ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ચેપી રોગોની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હાલ તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.
રેબીઝ થયા બાદ બચવાની શક્યતા ખૂબ ઓછી
આ ગંભીર કેસ અંગે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડૉ. હિતેન કરેલિયાએ જણાવ્યું હતું કે રેબીઝના લક્ષણો દેખાયા બાદ દર્દીના બચવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. રેબીઝનો વાયરસ શરીરમાં પ્રવેશ્યા બાદ નર્વસ સિસ્ટમ અને મગજને અસર કરી શકે છે. તેથી કૂતરું કરડે ત્યારે સમય બગાડ્યા વિના તાત્કાલિક તબીબી સારવાર લેવી અને ડૉક્ટરની સલાહ મુજબ એન્ટી-રેબીઝ વેક્સિન લેવી જરૂરી છે.
કૂતરાના કરડ્યા બાદ તરત સારવાર જરૂરી
ડૉક્ટરના જણાવ્યા અનુસાર, જો કોઈ કૂતરો અસામાન્ય વર્તન કરતો હોય, પાણીથી ડરતો હોય, ખાવા-પીવામાં રસ ન લેતો હોય અથવા તેના મોઢામાંથી સતત લાળ ટપકતી હોય, તો આવા કૂતરાથી દૂર રહેવું જોઈએ. કૂતરું કરડે તો ઘાને તરત સાબુ અને પાણીથી સારી રીતે ધોઈને વિલંબ કર્યા વિના હોસ્પિટલમાં પહોંચવું જોઈએ.
પાલનપુરમાં પણ સામે આવ્યો હતો આવો કિસ્સો
આ વર્ષે જાન્યુઆરીમાં ગુજરાતના પાલનપુરમાંથી પણ આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. 27 વર્ષના દેવાભાઈને અગાઉ કૂતરાએ કરડ્યો હતો. શરૂઆતમાં કોઈ ગંભીર લક્ષણો ન દેખાતા તેમણે આ ઘટનાને ગંભીરતાથી લીધી નહોતી. થોડા સમય બાદ તેમને પાણીથી ડર લાગવા લાગ્યો હતો અને આક્રમક વર્તન જેવા રેબીઝના ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. એક તબક્કે તેઓ અન્ય લોકોને કૂતરાની જેમ કરડવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.
નોંધ: કૂતરાના કરડ્યા બાદ રેબીઝના લક્ષણોની રાહ ન જુઓ. તાત્કાલિક તબીબી સલાહ અને જરૂરી સારવાર લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
