1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 એપ્રિલ 2023 (14:43 IST)

ગુજરાતનો સૌથી સુંદર દરિયાકાંઠો શિવરાજપુર બીચ કેમ પડ્યો જોખમમાં, જાણો જાણવા જેવી વાતો

shivrajpur
ગુજરાતનો દરિયાકાંઠો જોખમમાંઃ સૌથી સુંદર શિવરાજપુર બીચ ગાયબ થશે!, 32692 સ્ક્વેર મીટરનું ધોવાણ, 
રાજ્યસભામાં સરકારના જવાબને લઈને કોંગ્રેસે જણાવ્યું હતું કે, ગુજરાતના સુંદર દરિયાકિનારાના સુંદર બીચ ખતરામાં છે, ગુજરાતનો સુંદર શિવરાજપુર બીચ આવનારી પેઢી માટે નામશેષ કે ગાયબ થઈ જશે. કારણ કે, 32692 સ્ક્વેર મીટરનું ધોવાણ થઈ ચૂક્યું છે જ્યારે 2396 સ્ક્વેર મીટરમાં કાદવ-કીચડ ભરાયેલો છે. 
 
ગુજરાત રાજ્ય દેશમાં 1945.6 કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે, તેમાં દેશમાં સૌથી વધારે 537.5 કિલોમીટરનું ધોવાણ છે તેવું સરકાર સ્વીકારે છે. રાજ્યસભાના એક સવાલના જવાબમાં ગાયબ થતાં બીચમાં ગુજરાતનો બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માંડવી, તિથલ, દાંડી, ઉભરાટ, સુવલી, ડાભરી જેવા બીચ ગાયબ થવાના આરે હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. 
 
કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય મુજબ સમગ્ર દેશમાં સૌથી વધુ દરિયાઈ કાંઠો ધરાવતો ગુજરાત રાજ્યનો કાંઠો ખતરામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ધોવાણ અને કાંપ, કીચડ તથા કચરાના ભરાવાના નિવારણ માટેની ત્રણ સાઈટ કેરળ, પોંડીચેરી અને તમિલનાડુમાં નક્કી કરવામાં આવી છે. જો કે, દેશનો સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતો અને સૌથી વધુ ધોવાણ ધરાવતા ગુજરાતમાં એક પણ સાઈટ સેન્ટ્રલ સેક્ટર પ્લાન સ્કીમ હેઠળ પસંદ કરવામાં આવી નથી. આવા આક્ષેપો કોંગ્રેસના પ્રવક્તાએ કર્યા છે. 
 
કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્યસભાના 6 એપ્રિલ 2023ના એક જવાબમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાત રાજ્યના જાણીતા બીચ આવનારા સમયમાં ગાયબ અથવા નામશેષ થવાની દિશામાં છે. બ્લુ ફ્લેગ બીચના નામે અલગ-અલગ માધ્યમોથી શિવરાજપુર બીચની જાહેરાતો થાય છે. આ બીચનો દરિયાઈ કાંઠો ખતરામાં છે. શિવરાજપુર બીચનો 32692.74 સ્ક્વેર મીટર વિસ્તાર ધોવાણ હેઠળ છે અને 2396.77 સ્ક્વેર મીટરના વિસ્તારમાં કાંપ-કીચડ અને કચરાનો ભરાવો થઈ રહ્યો છે. ઉભરાટ બીચમાં 110895.32 સ્ક્વેર મીટરમાં કાંપ-કીચડનો ભરાવો છે. તિથલ અને સુવવલીમાં 69910.56 સ્ક્વેર મીટર અને 6,88,783.17 સ્ક્વેર મીટર દરિયાઈ કિનારો ધોવાણ હેઠળ છે. દાભરી અને દાંડીમાં 16,401,49.52 સ્ક્વેર મીટર અને 69,434.26 સ્ક્વેર મીટર કાંઠો ધોવાણ હેઠળ છે. માંડવીનો 20,471.44 સ્ક્વેર મીટરનો દરિયાકાંઠો કચરો-કાંપના ભરાવા હેઠળ છે.
 
કેન્દ્ર સરકારનો સમગ્ર રિપોર્ટ દર્શાવે છે કે, ગુજરાત અને કેન્દ્ર સરકાર દરિયાઈ કાંઠાના પર્યાવરણને બચાવવામાં નિષ્ફળ જઈ રહી છે. સમગ્ર દેશના 6632 કિમીના દરિયાઈ કાંઠામાંથી 60 ટકાથી વધુ દરિયાઈ કિનારો પર્યાવરણની દૃષ્ટિએ ખતરામાં છે. સમગ્ર દેશમાં 33.6% દરિયાઈ કાંઠો ધોવાણ હેઠળ છે અને 26.9 ટકા દરિયાઈ કાંઠામાં કાંપ, કીચડ અને કચરાને લીધે નુકસાન થઈ રહ્યું છે.