શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (11:31 IST)

એરો સ્પોર્ટસ શો: નાના અને મધ્યમ વિમાનોએ અવકાશી કરતબોથી રાજકોટવાસીઓને કર્યા ઘેલા

રાજકોટવાસીઓને હિલોળે ચડાવતાં એરો સ્પોર્ટસ કાર્યક્રમનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ન્યુ રેસકોર્સ ખાતે શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગને માણવા આવેલા ઉત્સાહી નગરજનોને સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૭૧માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે આયોજીત કરવા પાછળનો સરકારનો આશય એ છે કે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં રાજ્યનો સામાન્ય નાગરિક પણ સામેલ થાય. રાજ્યના નાગરિકોમાં દેશભક્તિની ભાવનાનું સંવર્ધન થાય તે માટે રાજય સરકારે આદરેલા પ્રયાસોને મુખ્યમંત્રીએ મહત્વના ગણાવ્યા હતા.
 

રાજ્યભરમાં હવાઈ સેવા અને એરપોર્ટને વધુ સુવિધા સભર બનાવવાની પ્રતિબધ્ધતા ઉચ્ચારી હતી અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે યાત્રાધામો સહિત રાજ્યભરના મહત્વના શહેરોને હવાઈ સેવાથી સાંકળવામાં આવ્યા છે, જેથી વિકાસશીલ રાજ્ય તરીકે ગુજરાતનો વિકાસ વધુ સુદ્રઢ બને. ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ થકી રાજ્યને પ્રગતિશીલ બનાવવાની મહેચ્છા પણ વ્યક્ત કરી હતી અને આ ક્ષેત્રમાં રહેલી વિકાસની તકો પર પ્રકાશ પાડી રાજ્યના યુવાનોને આ ક્ષેત્રમાં પગરણ માંડવા અનુરોધ કર્યો હતો.

સભાસ્થળે આગમન સમયે મુખ્યમંત્રીને એન.એસ.સીના કેડેડસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગુજ સેઇલ, સિવિલ એવીએશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર અને જિલ્લા વહિવટીતંત્ર રાજકોટ દ્વારા રાજકોટના ન્યુ રેસકોર્ષ-અટલ સરોવરની બાજુમાં એક લાખ ચોરસ મીટરની જગ્યામાં એરો સ્પોર્ટસ શો યોજાયો હતો, જેમાં આકાશમાં નાના અને મધ્યમ કદના વિમાનો, રીમોટ ઓપરેટેડ એર ક્રાફટ, ચાર પેરેશુટસ, હેલીકોપ્ટર્સ વગેરેના  વિવિધ અવકાશી કરતબોનું પ્રદર્શન કેપ્ટન ચાંદની મહેતાના કુશળ નેતૃત્વમાં તાલીમબધ્ધ નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું. 

પ્રેક્ષકોનાં રૂંવાડા ઉભા કરી દે તેવા પેરામોટરીંગ, પેરા સેઇલીંગ, ફલેયેબલ એરો મોડલીંગ, હેલીકોપ્ટર, ફલાય પાસ, સ્કાય ડ્રાઇવીંગ, હોટ એર બલુન વગેરે જેવી સાહસિક અવકાશી કરામતોનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. આ હેલીકોપ્ટરમાંથી મુખ્યમંત્રી તથા દર્શકો ઉપર પુષ્પવર્ષા થતાં લોકોએ ચીચીયારીથી આ પુષ્પ વર્ષા વધાવી લીધી હતી. ૮૦૦ કિલોના લાઇટ વેઇટ એરક્રાફટે સાહસિક પ્રદર્શન કરી લોકોને રસતરબોળ કરી મુકયા હતા. પાઇલોટ નિતિને બી-૪૭ હેલીકોપ્ટર ઉડાડી દર્શકોને રોમાંચિત કરી દીધા હતા.
 
આ કાર્યક્રમમાં રાજકોટ મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહન કુંડારીયા, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, અને લાખાભાઈ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, કલેક્ટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ, તથા સાહસપ્રેમી શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એરો સ્પોર્ટસ શોની મજા માણી હતી.