શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શનિવાર, 24 ઑગસ્ટ 2019 (15:19 IST)

અંતે ગુજરાત જાયન્ટ્સે પરાજયનો સિલસિલો અટકાવ્યો, પટના સામે વિજય

રેહિત ગુલિયાની શાનદાર રેડ અને સુકાની સુનિલ કુમારના મજબૂત ટેકલના જોરે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસે પ્રો કબડ્ડી લિગની સાતમી સિઝનની એક મેચમાં તેના પરાજયના સિલસિલાને રોકતા પટના પાયરેટ્સ સામે ભારે રસાકસી બાદ 29-26થી વિજય મેળવ્યો હતો. ગુલિયાએ 19 રેડમાં 10 પોઈન્ટ જ્યારે સુનીલે ચાર ટેકલમાં ત્રણ પોઈન્ટ ટીમ માટે મેળવ્યા હતા. સમગ્ર મેચ દરમિયાન જોરદાર રસાકસી રહી હતી અને બન્ને ટીમો એક બીજાથી આગળ નિકળવા મરણિયો પ્રયાસ કરતી જોવા મળી હતી. 
ગુજરાતે પટના સામેની મેચમાં ટોસ જીતીને કોર્ટ પસંદ કર્યા બાદ શરૂઆત તો સારી કરી પણ પછી તેણે મેચ પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને પ્રથમ હાફમાં ટીમ 11-15થી પાછળ હતી. એ પછી બીજા હાફમાં ટીમે જોરદાર વળતી લડત સાથે મેચ પર ધીરે ધીરે પ્રભુત્વ મેળવી લીધું હતું અને પ્રતિસ્પર્ધી ટીમને આગળ નિકળવાની કોઈ તક આપી નહતી. 
ગુજરાતની ટીમે ગત સિઝનમાં સારા દેખાવ બાદ સાતમી સિઝનમાં શાનદાર શરૂઆત કરતા પહેલી ત્રણ મેચ જીતી લીધી હતી પરંતુ એ પછી ટીમે તેના ઘરઆંગણા સહિતની સતત છ મેચો ગુમાવી હતી. આ સાથે ટીમ માટે આ સ્પર્ધાનો સંઘર્ષ ખૂબજ વધી ગયો હતો અને સ્પર્ધામાં ટકી રહેવા તેના માટે વિજય મેળવવા જરૂરી હતા ત્યાં તેણે ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં મેળવેલો આ વિજય મહત્વપૂર્ણ પુરવાર થશે.
 
એમ તો આ મેચ પહેલાં ગુજરાત અને પટનાની ટીમો નવ-નવ મેચ રમી હતી અને બન્ને ટીમનો ત્રણમાં વિજય અને છમાં પરાજય થયો હતો. છતાં ગુજરાતની ટીમ 20 પોઈન્ટ સાથે નવમા ક્રમે હતી જ્યારે પટનાની ટીમ 17 પોઈન્ટ સાથે છેલ્લા ક્રમે હતી.