શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (17:37 IST)

પ્રત્યેક ચોથો ગુજરાતી સહકારી સભાસદ છે, સરકાર ભેજવાળી- સુકવેલી મગફળીની પણ ખરીદશે

રાજયના ધરતીપુત્રોને માટે સંવેદનાપૂર્ણ જાહેરાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, માવઠાથી પલળેલી ભેજવાળી મગફળીની સુકવણી થયા બાદ આવી મગફળીની રાજય સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે અને મગફળીના છેલ્લામાં છેલ્લા દાણાની પણ ખરીદી રાજય સરકાર કરશે જ. મુખ્યમંત્રી અમરેલીમાં અમરેલી જિલ્લા સહકારી સંઘ આયોજિત સહકાર સપ્તાહ પરિસંવાદના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. વિજય રૂપાણીએ સહકારી પ્રવૃત્તિઓની સરાહના કરતાં કહ્યું કે સહકાર ક્ષેત્ર ખેડૂતો અને ગરીબો માટે આશીર્વાદરૂપ છે. આ સંદર્ભમાં તેમણે  રાજયની વિવિધ સહકારી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કર્યો હતો.
 
રાજયના જિલ્લાઓમાં કાર્યરત સહકારી બેંકોના સભાસદોમાં ૪૦ ટકાના વધારાથી થયેલા કુલ ૧.૫૩ કરોડ સહકારી સભાસદોની સરાહના કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહયું હતું કે, પ્રત્યેક ચોથો ગુજરાતી સહકારી સભાસદ છે અને સહકાર ક્ષેત્રની પ્રવૃત્તિઓથી ગુજરાત ઉજળું બન્યું છે. મુખ્યમંત્રીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો કે મહાત્મા ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિધ્ધાંતોને સહકાર ક્ષેત્રના સંકલનથી જ સાકાર કરી શકાશે.
 
વિજય રૂપાણીએ રાજયના ખેડૂતોને અભયવચન આપતાં જણાવ્યું હતું કે ખેડૂતોને પાક વીમાનું યોગ્ય વળતર ચૂકવવામાં આવશે તથા તમામ કૃષિ જણસોની ટેકાના ભાવથી ખરીદી પણ કરવામાં આવશે. માવઠાથી થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજને તેમણે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ ગણાવ્યું હતું. 
 
કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોતમ રૂપાલાએ રાષ્ટ્રીય સહકાર સપ્તાહ સંમેલનના આયોજકોને સુંદર આયોજન બદલ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિએ સહકાર સંમેલનનું આયોજન એ ગાંધીજીને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ છે. ગાંધીજી જેમ સહકાર ક્ષેત્રે સ્થાનિક સ્વાવલંબન માટે ચરખાને માધ્યમ બનાવ્યું હતું. તેમ ખેડૂતો પશુપાલનને સ્વાવલંબનનું માધ્યમ બનાવે છે.
 
ભારત સરકાર દ્વારા ખેડૂતોને રૂ. ૧૪ લાખ કરોડ ક્રેડિટ સહાય અપાઇ રહી છે. રાજકોટ અને અમરેલીમાં ઝીરો ટકા વ્યાજથી ખેડૂતોને લોન અપાઇ રહી છે જે ખેડૂતો માટે લાભકારી છે. ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ હોય તેમને ભારત સરકારની ક્રેડિટનો લાભ મળે છે. 
 
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે અમરેલી જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય સહકાર સપ્તાહ સમાપન અન્વયે અમરેલીની અમર ડેરીના પ્રાંગણમાં ‘‘સહકારિતા અને ગાંધી વિચાર’’ વિષયક સહકાર પરિસંવાદનું આયોજન કરાયું હતું, જેમાં અમરેલી જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ સામેલ થઇ હતી. કાર્યક્રમ સ્થળે ખેતપેદાશો અને કૃષિલક્ષી બાબતો અંગે માર્ગદર્શન આપતા વિવિધ સ્ટોલ્સનું પ્રદર્શન યોજાયું હતું, જેનો ઉપસ્થિત નાગરિકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો.