ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By શ્રુતિ મેનન|
Last Modified: મંગળવાર, 8 જૂન 2021 (15:11 IST)

બ્લૅક ફંગસ : શું ડાયાબિટીસને કારણે ભારતમાં વધુ કેસ જોવા મળે છે?

ભારતમાં બ્લૅક ફંગસના અંદાજે 12,000 કેસ સામે આવ્યા છે, તેમાંના મોટા ભાગે કોવિડ-19થી સાજા થયેલા દર્દીઓ છે.
 
આ ગંભીર સંક્રમણ થવું સામાન્ય રીતે બહુ અસાધારણ માનવામાં આવે છે, કેમ કે તેનાથી થતા મૃત્યુનો દર અંદાજે 50 ટકા છે.
 
ચિકિત્સા ક્ષેત્રના કેટલાક જાણકારો અનુસાર, ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ વધુ હોવાને કારણે બ્લૅક ફંગસના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે.
 
પણ તેની પાછળ કોઈ અન્ય કારણ પણ છે અને વિદેશોમાંથી કેવી સ્થિતિ છે?
 
બ્લૅક ફંગસના કેસ બીજે ક્યાં મળ્યા?
કોરોના વાઇરસ મહામારી પહેલાં દુનિયાભરમાં કમસે કમ 38 દેશોએ મ્યુકરમાયકોસિસના કેસના રિપોર્ટ આપ્યા હતા, જેને સામાન્ય રીતે 'બ્લૅક ફંગસ'ના નામે ઓળખવામાં આવે છે.
 
લીડિંગ ઇન્ટરનેશનલ ફંગલ એજ્યુકેશન અનુસાર, પ્રતિ 10 લાખ લોકો પર 140 કેસ સાથે ભારત અને પાકિસ્તાનમાં આ દર બધાથી વધુ હતો.
 
મૅન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ફંગલ સંક્રમણ વિશેષજ્ઞ ડૉ. ડેવિડ ડેનિંગ કહે છે કે ભારતમાં બ્લૅક ફંગસના કેસ કોરોના મહામારી પહેલાં 'દુનિયાના કોઈ પણ ભાગની તુલનામાં વધુ' હતા.
 
તેઓ કહે છે, "મ્યુકરમાયકોસિસ ઘણે અંશે અનિયંત્રિત ડાયાબિટીસ સાથે જોડાયેલો છે અને ભારતમાં તેના કેસ વધુ છે."
 
આખી દુનિયામાં હાલમાં કરેલા રિસર્ચ પ્રમાણે, કોવિડ-19થી સાજા થયેલા દર્દીઓમાં ફંગલ ઇન્ફેક્શનના કેસ જોવા મળ્યા છે, તેમાંથી 94 ટકા લોકો ડાયાબિટીસથી પીડિત હતા. તેમાં અંદાજે 71 ટકા કેસ ભારતના હતા.
 
શું અન્ય દેશોમાં પણ ડાસાબિટીસની લિંક જોવા મળી?
ભારત સહિત કેટલાક અન્ય દેશોમાં પણ મ્યુકરમાયકોસિસના કેસ સામે આવ્યા છે, જ્યાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધુ છે.
 
પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધુ છે. આ બંને દેશોમાં મ્યુકરમાયકોસિસના કેસ પણ જોવા મળી રહ્યા છે, પણ તેની સંખ્યા એટલી વધુ નથી.
 
બાંગ્લાદેશમાં ડૉક્ટરોની ટીમ મ્યુકરમાસકોસિસના એક કેસની સારવાર કરી રહી છે, જ્યારે બીજા સંદિગ્ધ કેસમાં તપાસનાં પરિણામોની રાહ જોવાઈ રહી છે.
 
ડૉક્ટરોએ બીબીસીને જણાવ્યું કે બંને દર્દીઓને ડાયાબિટીસ પણ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં મ્યુકરમાયકોસિસના પાંચ દર્દીઓ સામે આવ્યા છે, જેમાંથી 12 મે સુધી ચારનાં મોત થઈ ગયાં.
 
બ્રાઝિલમાં અત્યાર સુધીમાં બ્લૅક ફંગસના 29 કેસ સામે આવ્યા છે, પણ હાલ એ સ્થિતિ સ્પષ્ટ નથી કે તેમાંથી કેટલા લોકોને પહેલાં કોરોના થયો હતો અને કેટલાને ડાયાબિટીસ પણ છે.
 
રશિયાએ હાલમાં જ કોરોનાના કેટલાક દર્દીઓ મ્યુકરમાયકોસિસથી પીડિત હોવાની જાણકારી આપી હતી, પણ તેમાંથી ડાયાબિટીસવાળા દર્દીઓઓની હજુ સુધી ખબર પડી નથી.
 
અમેરિકામાં પણ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધુ છે. એક આકલન અનુસાર ત્યાં વસતીના 9.3 ટકા લોકોને ડાયાબિટીસ છે.
 
કોવિડના દર્દીઓના કેસમાં પણ અમેરિકા આખી દુનિયામાં સૌથી ઉપર છે.
 
યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ અનુસાર, આખી દુનિયામાં મ્યુકરમાયકોસિસના કેસ બહુ ઓછા જોવા મળે છે અને માત્ર 3 ટકા ડાયાબિટીસના કેસને છોડી દેવામાં આવે તો વ્યાપક રૂપે તેની સારવાર કરી શકાય છે.
 
ડાયાબિટીસવાળા દર્દીઓ માટે આ કેટલી ખતરનાક થઈ શકે?
જાણકારોનું કહેવું છે કે મુશ્કેલી એટલા માટે છે કે ઘણા કેસમાં દર્દીઓને એ વાતની ખબર નથી હોતી કે તેમને ડાયાબિટીસ છે.
 
આઈટીએફના એક અનુમાન અનુસાર, ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં અંદાજે 57 ટકા લોકોને ડાયાબિટીસ અંગે ખબર જ હોતી નથી.
 
એ પણ અનુમાન છે કે પાકિસ્તાનમાં આવા લોકોની સંખ્યા ઘણી વધારે છે.
 
કિર્ગિસ્તાનની ઇન્ટરનેશનલ સ્કૂલ ઑફ મેડિસિનમાં ડૉક્ટર હરિપ્રસાદ પ્રકાશ કહે છે, "ભારતમાં મોટી સંખ્યામાં અનિયંત્રિત ડાયાબિટીસના કેસ છે, કેમ કે લોકો પોતાની સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરાવતા નથી."
 
તેમનું કહેવું છે કે ડાયાબિટીસના મોટા ભાગના કેસની ખબર સ્વાસ્થ્યની અન્ય બીમારીઓની તપાસ વખતે પડે છે અને તેની સારવાર કરાતી નથી.
 
ડાયાબિટીસને કાબૂમાં ન રાખવાને કારણે કેટલાંક સંક્રમણ થવાની શક્યતા વધુ રહે છે, જેમાં ફંગલ ઇન્ફેક્શન પણ સામેલ છે.
 
આફ્રિકી દેશોમાં પણ ડાયાબિટીસની ખબર ન હોય એવા લોકોની સંખ્યા 60 ટકા ગણાવાઈ છે, પણ ગણતરી પ્રમાણે ત્યાં મ્યુકરમાયકોસિસના માત્ર 3 ટકા કેસ જોવા મળ્યા છે.
 
ડૉ. ડેનિંગ ઇશારો કરે છે, "તેનું કારણ મ્યુકરમાયકોસિસના કેસની ઓળખ જ નથી થતી એ પણ હોઈ શકે. તેની ઓળખ કરવી સરળ કામ નથી."
 
ઘણી શોધો અનુસાર, ટિસ્યૂનાં સૅમ્પલ કલેક્શનમાં કઠણાઈ અને ડાઇગ્નોસ્ટિક ટેસ્ટની સંવેદનશીલતામાં પણ કમીને કારણે બ્લૅક ફંગસની ઓળખ કરવું મુશ્કેલ છે.
 
બ્લૅક ફંગસ અન્ય શેના કારણે થઈ શકે છે
વિશેષજ્ઞોના કહેવા અનુસાર, કોવિડના કેટલાક દર્દીઓની સારવારમાં અંધાધૂંધ સ્ટેરૉઇડના ઉપયોગને પણ મ્યુકરમાયકોસિસ કે અન્ય ફંગસ સાથે જોડી શકાય છે.
 
ભારતમાં કોવિડના દર્દીઓની સારવારમાં બે સ્ટેરૉઇડ ખાસ પ્રચલિક છે- ડેક્સામેથાસોન અને મિથાઇલપ્રેડનિસોલોન. તેનો ઉપયોગ કોવિડના દર્દીઓમાં પ્રતિરક્ષા તંત્રને બગડતા સોજો ઓછો કરવા કરાય છે.
 
જોકે દર્દીઓની અચાનક સંખ્યા વધી જતા હૉસ્પિટલ અને ડૉક્ટર ઝૂઝતા હતા, તો ઘણાં પ્રમાણ મળ્યાં છે કે આ સ્ટેરૉઇડ ડૉક્ટરની દેખરેખ વિના લેવાતી હતી.