મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: તેજસ વૈદ્ય , બુધવાર, 18 નવેમ્બર 2020 (12:06 IST)

કોરોના વાઇરસ: ગુજરાતમાં દિવાળીમાં થયેલી ભીડને લીધે મહામારી વકરી?

દિવાળીના દિવસો છે. લોકો રજા માણી રહ્યા છે, અમદાવાદના રસ્તાઓ તો ખાલીખમ દેખાઈ રહ્યા છે. જોકે રસ્તા પર ઊભા કરાયેલા કોરોના ટેસ્ટિંગ માટેના તંબુઓમાં લોકોની લાઇનો લાગી છે.
 
અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. લોકો રેપિડ ટેસ્ટ બે-ત્રણ વખત ન કરાવે અને કિટનો દુરુપયોગ ન થાય એ માટે અમદાવાદમાં સુધરાઈના સેન્ટરમાં રેપિડ ટેસ્ટ કરાવનારાને હવે ચૂંટણી પર લગાવાય છે એવું શાહીનું નિશાન આંગળી પર લગાવવામાં આવે છે.
 
"બાસઠ વર્ષના મારા પપ્પાને કોરોના થયો છે. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા માટે અમારે છ કલાક સુધી અમારે હેરાન થવું પડ્યું હતું. દસ તારીખે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા માટે અમે બપોરે એક વાગ્યે હૉસ્પિટલ ગયા હતા, પણ સાંજે સાત વાગ્યે દાખલ થવાનો મેળ પડ્યો."
 
અમદાવાદમાં રહેતા ચિરાગ બાબુભાઈ આઠુએ આ વાત બીબીસીને જણાવી હતી.
 
વિગતવાર જણાવતાં ચિરાગે કહ્યું હતું કે "સૌપ્રથમ અમે અમદાવાદની વીએસ હૉસ્પિટલમાં ગયા હતા ત્યાં ફોર્મ ભરવાની તેમજ એ મંજૂર થાય એ પ્રક્રિયામાં અમારા અઢીથી ત્રણ કલાક ગયા હતા."
 
"એ પછી ત્યાં પપ્પાને એડમિશન મળ્યું નહોતું અને અમને અસારવા વિસ્તારમાં આવેલી જીસીએસ હૉસ્પિટલમાં જવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યાં જવા અમને 108 એમ્બ્યુલન્સની સગવડ મળી હતી."
 
તેઓ વધુમાં કહે છે, "અમે લોકો અસારવા ત્યાં ગયા તો ત્યાં ફરી કેસ કઢાવવા લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. કેસ કઢાવ્યા પછી ખાટલો મેળવવાની પ્રક્રિયા વગેરે કરતાં બીજા બે કલાક ગયા હતા. આમ બપોરના નીકળ્યા હતા ત્યારે સાંજે માંડ હૉસ્પિટલમાં ખાટલો મળ્યો હતો. અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અમને ખબર નહોતી કે એડમિશન મેળવતાં આટલી વાર લાગશે."
 
 
અમદાવાદમાં કેસો કેમ વધી રહ્યા છે?
 
અમદાવાદમાં હૉસ્પિટલોમાં કોરોનાના દરદીના સંખ્યા જે વચ્ચેના ગાળામાં ઓછી થઈ ગઈ હતી તે હવે ફરી ભરાવા માંડી છે.
 
આરોગ્યમંત્રી તેમજ રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જોકે અમદાવાદીઓને બાંહેધરી આપી છે કે કેસ વધશે તો પણ તંત્ર દ્વારા પૂરતી સારવાર વ્યવસ્થા છે.
 
અમદાવાદમાં શા કારણે કેસ વધી રહ્યા છે તેમજ ક્યા વિસ્તારમાં વધુ કેસ આવી રહ્યા છે એ વિશે જાણવા બીબીસીએ અમદાવાદ કૉર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન અમૂલ ભટ્ટ સાથે વાત કરી હતી.
 
તેમણે જણાવ્યું હતું કે, "જે પ્રમાણે દિવાળી દરમ્યાન તહેવાર અને ખરીદી માટે જે ભીડ જોવા મળી એને લીધે કોરોનાનો થોડો વ્યાપ વધ્યો છે. અમદાવાદના કોઈ ચોક્કસ વિસ્તારમાં નહીં પણ દરેક વિસ્તારમાં કોરોનાના કેસ જોવા મળ્યા છે."
 
"જોકે કોરોના વાઇરસની જે સિવિયારિટી હોય તે ગંભીર નથી. નસીબજોગે મૃત્યુઆંક વધ્યો નથી. જે લોકોને દાખલ થવું પડે એમ હોય કે દવાની જરૂર હોય એ તમામ વ્યવસ્થા ગોઠવાયેલી છે."
 
તેઓ વધુમાં ઉમેરે છે, "કૉર્પોરેશનનું તંત્ર અને અધિકારીઓ તમામ કાર્યરત છે. અમદાવાદના મેયરે નગરસેવકો અને અધિકારીઓને વિનંતી કરી છે કે તેઓ પોતપોતાના વિસ્તારમાં કોરોનાનો સામનો કરવા માટે તૈયાર રહે."
 
હજુ કેસ વધશે તો વ્યવસ્થા છે - નીતિન પટેલ
 
અમદાવાદમાં કોરોનાએ ઊથલો માર્યો છે એને ધ્યાનમાં લઈને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ખાતે બેસતાં વર્ષે બેઠક બોલાવી હતી.
 
નીતિન પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે અમદાવાદમાં થોડા કેસ વધ્યા છે. ગભરાવાની જરૂર નથી, પણ સતર્ક રહેવું જરૂરી છે.
 
"અમદાવાદમાં મુખ્ય સિવિલ હૉસ્પિટલ તેમજ સોલા વિસ્તારની સિવિલ હૉસ્પિટલ અને ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં મળીને દરદીઓ માટે પૂરતી સુવિધા કરવામાં આવી છે. આઈસીયુ બેડની પણ વ્યવસ્થા છે."
 
"અમારી લોકોને વિનંતિ છે કે પશ્ચિમ અમદાવાદના લોકોને કોરોનાની સારવાર માટે હૉસ્પિટલ જવું પડે એમ હોય તો તેઓ સોલા વિસ્તાર અથવા તો ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલ તરફ જાય. કિડની, કૅન્સર કે પ્રસૂતા મહિલાને કોવિડ થયો હોય એવા વિશિષ્ટ દરદીઓને અમદાવાદ સિવિલમાં સારવાર આપવામાં આવે છે."
 
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે "ગુજરાતના અન્ય વિસ્તારના દરદી પણ અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં આવે છે. તેથી અમદાવાદની મુખ્ય સિવિલ હૉસ્પિટલમાં 1200 ખાટલાની જે કોવિડ હૉસ્પિટલ છે ત્યાં વધારે બોજ ન પડે એ માટે અમે પશ્ચિમ અમદાવાદના દરદીને ત્યાં ન જવા જણાવ્યું છે."
 
"આવનારા દિવસોમાં અમદાવાદની 1200 બેડ હૉસ્પિટલમાં આઈસીયુ ધરાવતા પચાસ કે સો બેડ એક વોર્ડ વધારીને તૈયાર કરવાનું આયોજન છે. તેથી તહેવારોને કારણે જો કેસની પિક આવે તો આપણી પાસે પૂરતી સુવિધા ઉપલબ્ધ રહે. તેથી દરદીઓએ ચિંતાની જરૂર નથી, તેમણે એટલું જ કરવાનું છે કે જો જરૂર પડે તો સરકારે જે સૂચવ્યું છે એ રીતે હૉસ્પિટલોમાં જાય તો તેમને દોડાદોડી ન થાય અને દરદીને ઝટ સારવાર મળી રહેશે."
 
છેલ્લા સપ્તાહમાં અમદાવાદ સહિત ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા જિલ્લામાં કોરોનાના કેસ વધ્યા છે.
 
નીતિન પટેલે કહ્યું હતું કે તહેવારો પૂરા થઈ જાય પછી મોટા પ્રમાણમાં ટેસ્ટિંગની કામગીરી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ હાથ ધરવાની છે. "સંક્રમણ ન વધે એ માટે તહેવારોમાં કોઈ સંક્રમિત થયા હોય તો તેમને શોધીને સારવાર ચાલુ કરી દેવામાં આવશે. જ્યાં જરૂર છે તેવા જિલ્લા અને શહેરોમાં બે દિવસમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે."
 
"અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલોમાં સુધરાઈ દ્વારા સૂચવવામાં આવેલા દરદીઓની સારવાર માટે ખાલી ખાટલા તેર નવેમ્બરે 373 હતા. જેમાંથી સો ખાટલા દરદીને ફાળવાતાં સોળ નવેમ્બરે ખાલી ખાટલા 272 હતા."
 
"એવી રીતે ખાનગી હૉસ્પિટલોમાં ખાનગી ક્વોટામાં તેર નવેમ્બરે 358 ખાટલા ખાલી હતા જે દોઢસોથી વધુ દરદીને ફાળવાતા સોળ નવેમ્બરે 196 ખાટલા ખાલી હતા.
 
અમદાવાદમાં છેલ્લા સપ્તાહમાં કોરોનાના કેસ
અમદાવાદમાં 9 નવેમ્બરથી 16 નવેમ્બર દરમિયાન કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે. તેના આંકડાની વિગત જોઈએ તો 9 નવેમ્બરે 169 કેસ હતા અને 16 નવેમ્બરે કેસની સંખ્યા 210 રહી હતી. 15 નવેમ્બરે પણ કેસની સંખ્યા 202 હતી.
 
જોકે, એ અગાઉ આંકડો 200થી નીચે રહ્યો. 10 નવેમ્બરે 166, 11 નવેમ્બરે 186, 12 નવેમ્બરે 181, 13 નવેમ્બરે 190, 14 નવેમ્બરે 198 અમદાવાદમાં નોંધાયા હતા.
 
પંદર નવેમ્બર સુધી અમદાવાદમાં 42,118 કોરોના કેસ નોંધાયા હતા. અમદાવાદ જેવા શહેરમાં તબીબી સંગઠનોએ ડૉક્ટર ઑન કૉલની સગવડ પણ રાખી છે. જેમાં બીમાર વ્યક્તિ ફોન કૉલ પર ડૉક્ટરનાં સલાહ-સૂચન મેળવી શકે.
 
દિવાળી દરમ્યાન અમદાવાદમાં કઈ કઈ હૉસ્પિટલોમાં ક્યા પ્રકારની સારવાર મળી રહેશે એની યાદી અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સે પોતાની વેબસાઇટ પર મૂકી છે. જેમાં ડૉક્ટર્સનાં નામ, સંપર્ક વગેરે વિગતો રજૂ કરી છે.
 
વડોદરાની ગોત્રી હૉસ્પિટલમાં ડૉક્ટરોની દિવાળી રજાઓ રદ થઈ છે. અમદાવાદ મેડિકલ ઍસોસિયેશને 42 ડૉક્ટર્સની યાદી પોતાની વેબસાઇટ પર મૂકી છે. જેઓ 14થી 19 નવેમ્બર સુધી ફોન કૉલ્સ પર સેવા આપી રહ્યા છે.
 
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. કિરીટ ગઢવીએ બીબીસીને જણાવ્યું હતું કે ડૉક્ટર ઑન કૉલ્સ સેવા અમે છેલ્લાં કેટલાંક વર્ષથી અમદાવાદમાં દિવાળીટાણે આપીએ છીએ.
 
 
"ગયા વર્ષે સાતસો જેટલા ફોન કૉલ્સ આવ્યા હતા. આ વખતે કદાચ એનાથી વધુ ફોન કૉલ્સ આવી શકે એમ છે, કારણ કે આ વખતે કોરોના મહામારી છે. લોકો શોપિંગ કરવા અને તહેવાર ઉજવવા નીકળ્યા હતા જેને લીધે કોરોનાના કેસ વધી રહ્યા છે."
 
ગઢવી અનુસાર, અગાઉ દર દસ કેસમાંથી એક કેસ કોરોનાનો આવતો હતો. હવે દર દસ કેસમાંથી ત્રણથી ચાર કેસ કોરોનાના આવે છે.
 
ડૉ. કિરીટ ગઢવી કહે છે, "અમદાવાદ જેવા શહેરમાં કોરોના ટેસ્ટિંગ માટે જાહેર સ્થળો પર જે ટેસ્ટિંગ માટે તંબુ લગાવ્યા છે એમાં હવે ટેસ્ટિંગ માટે લોકો લાઇન લગાવી રહ્યા છે. આના પરથી એટલું તો કહી જ શકાય કે સંક્રમણ વધી રહ્યું છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઠંડી જ્યારે વધશે ત્યારે કોરોના સંક્રમણ આનાથી પણ વધી જશે."