શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (18:24 IST)

યૂક્રેનનું વિમાન ઈરાની મિસાઇલનું ટાર્ગેટ બન્યું હોવાના પુરાવા : જસ્ટિન ટ્રૂડો

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો સહિત પશ્ચિમી દેશોના અનેક નેતાઓએ દાવો કર્યો છે કે ઈરાને ભૂલમાં યૂક્રેનનું વિમાન તોડી પાડ્યું હોવાના પુરાવા છે. ટ્રૂડો તથા બ્રિટનના વડા પ્રધાન બૉરિસ જૉન્સન સહિત અનેક નેતાઓએ વિમાન દુર્ઘટનાની વિસ્તૃત તપાસની માગ કરી છે.
 
અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે તહેરાનના હવાઈમથકેથી ઉડેલું વિમાન એંજિન ફેલ થવાને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
 
યૂક્રેને પણ સમગ્ર ઘટનાની 'બિનશરતી તપાસ'ની માગ કરી છે અને આ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મદદ માગી છે.
 
ઈરાન આ ચર્ચાને અફવા ગણાવીને તેને નકારતું રહ્યું છે.
 
બુધવારે થયેલી દુર્ઘટનામાં વિમાન ઉપર સવાર તમામ 176 મુસાફરનાં મૃત્યુ થયાં હતાં.
 
મિસાઇલનો શિકાર બન્યું
 
જસ્ટિન ટ્રૂડોનું કહેવું છે કે અલગ-અલગ સૂત્ર મારફત અમને માહિતી મળી છે કે ઈરાનની જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલને કારણે યુક્રેનનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના પુરાવા મળ્યા છે.
 
ટ્રૂડોએ ઉમેર્યું છે કે કદાચ ઇરાદાપૂર્વક વિમાનને ટાર્ગેટ નહોતું કરાયું, છતાં પૂરતી તપાસની જરૂર છે.
 
તેમણે કહ્યું, "કૅનેડાના નાગરિકોના મનમાં અનેક સવાલ છે, જેનો જવાબ મળવો જોઈએ."
 
વિમાન પર કૅનેડાના 63 નાગરિક સવાર હતા, જેઓ ટૉરન્ટો જઈ રહ્યા હતા.
 
બ્રિટનના વડા પ્રધાન બૉરિસ જૉન્સને પણ કહ્યું હતું કે તેઓ કૅનેડા સાથે મળીને કામ કરી રહ્યા છે.
 
આ પહેલાં અમેરિકન મીડિયાએ ગુપ્તચર તંત્રના સૂત્રોને ટાંકતા દાવો કર્યો હતો કે બૉઇંગ-737 વિમાન ઈરાની મિસાઇલનો ભોગ બન્યું હતું.
 
યૂક્રેને સમગ્ર ઘટનામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની મદદથી બિનશરતી તપાસની માગ કરી છે.
 
આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે, જે દેશમાં દુર્ઘટના ઘટી હોય, તે દેશ તપાસનું નેતૃત્વ કરે છે.
 
ઈરાને અમેરિકા કે ત્યાંની વિમાન નિર્માતા કંપની બૉઇંગને બ્લૅકબૉક્સ આપવાનો ઇન્કાર કર્યો હતો.
 
બ્લૅકબૉક્સ વાસ્તવમાં ચમકતાં નારંગી રંગનું હોય છે અને તે કૉકપીટમાં થતી વાતચીત, વિમાનની સ્થિતિ, ઍર ટ્રાફિક કંટ્રોલર સાથે પાઇલટની વાતચીત વગેરે નોંધે છે.