સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 9 એપ્રિલ 2019 (15:55 IST)

શુ ભાજપના હાથમાંથી ગુજરાત સરકી રહ્યુ છે -જાણો શુ કહે છે સર્વે

ગુજરાતની મોટા ભાગની બેઠકો ઉપર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ તથા અમિત શાહની વ્યૂહરચનાની પરીક્ષા તેમના 'ગૃહ રાજ્ય' ગુજરાતમાં થશે. ખુદ અમિત શાહ ગાંધીનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડશે. 23મી એપ્રિલે ચૂંટણી યોજાશે. હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર, ગરીબ સવર્ણોને અનામત અને ભાજપ-કૉંગ્રેસે તેમના ચૂંટણીઢંઢેરામાં લોકરંજક જાહેરાતો કરી છે.  શું આ જાહેરાતો ગુજરાતના જનમાનસ પર અસર કરશે?
 
ગત લોકસભા ચૂંટણી વખતે ભાજપે તમામ 26માંથી 26 બેઠક જીતીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તાજેતરમાં જેટલા ઓપિનિયન પોલ થયા છે એ મુજબ ગુજરાતમાં ભાજપ ગત વખત જેવો ચમત્કાર નહીં કરી શકે, પરંતુ તેનું પ્રદર્શન અન્ય ચૂંટણીઓની સરખામણીએ સારું રહેશે. વર્ષ 2017માં વિધાનસભાના ચૂંટણી પરિણામ બાદ 'નર્વસ 99' ઉપર અટકી જનારા ભાજપ માટે ગત વખતના પ્રદર્શનનું પુનરાવર્તન અશક્ય નહીં તો મુશ્કેલ તો હશે જ.
 
ભાજપને 22 બેઠક મળશે
 
એપ્રિલ મહિનામાં ટાઇમ્સ નાઉ-VMR દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વે પ્રમાણે, કેન્દ્રમાં એનડીએને 279 બેઠક મળશે. 
 
ગુજરાતમાં ભાજપને 22, જ્યારે કૉંગ્રેસને 4 બેઠક મળશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે.
 
આ પહેલાં ટાઇમ્સ નાઉ-VMR દ્વારા માર્ચ મહિનામાં બહાર પાડવામાં આવેલા ઓપિયિનિયન પોલના તારણ પ્રમાણે :
 
'ગુજરાતમાં ભાજપને 24 બેઠક (એનડીએને કુલ 283), જ્યારે કૉંગ્રેસને બે બેઠક (યૂપીએને કુલ 135 તથા અન્યોને 125) મળશે.'
 
સર્વે સંસ્થા CVoter દ્વારા માર્ચ મહિનામાં બહાર પાડવામાં આવેલા સર્વે પ્રમાણે:
 
'ગુજરાતમાં ભાજપને 24 (એનડીએને કુલ 264 બેઠક), કૉંગ્રેસને બે (યૂપીએને કુલ 141 તથા અન્યોને 138) બેઠક પર વિજય મળી શકે છે.'
 
આમ બંને સર્વેની સરેરાશ કાઢીએ તો ગુજરાતમાં ભાજપને 24 તથા કૉંગ્રેસને બે બેઠક મળશે.
 
આ પહેલાં જાન્યુઆરી મહિનામાં બહાર પાડવામાં આવેલાં બંને સર્વેમાં ગુજરાતમાં ભાજપને 24 બેઠક મળશે અને ત્રિશંકુ સંસદનું ગઠન થશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ સિવાય જાન્યુઆરી મહિનામાં ઇંડિયા ટુડે- કારવી ઇનસાઇટ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા તારણ પ્રમાણે, એનડીએને 237, યૂપીએને 166 તથા અન્યોને 140 બેઠક મળશે. 8મી એપ્રિલે ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા ચૂંટણીઢંઢેરામાં દેશના તમામ ખેડૂતોને વાર્ષિક રૂ. છ હજાર, 60 વર્ષથી વધુ ઉંમરના નાના અને સીમાંત ખેડૂતોને પેન્શન સિવાય નાના વેપારીઓને પેન્શન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
 
કૉંગ્રેસની 'ન્યાય' (ન્યૂનતમ આય યોજના)ની સામે ભાજપની આ જાહેરાત કેવી અસર કરી શકે છે, તેની ઉપર રાજકીય નિષ્ણાતોની નજર રહેશે.
 
શું કહે છે ઇતિહાસ?
 
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49.1 ટકા (વર્ષ 2012 કરતાં 1.2 ટકા વધુ) મત મળ્યા હતા, છતાંય તેને 99 બેઠક જ (16 બેઠકનો ઘટાડો) મળી હતી, અઢી ટકાની મતવૃદ્ધિને કારણે કૉંગ્રેસની બેઠક સંખ્યામાં 17નો વધારો થયો હતો. આ પરિણામોને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીના સંદર્ભમાં મૂકીને જોવામાં આવે તો ભાજપ 18 તથા કૉંગ્રેસ આઠ બેઠક ઉપર અગ્રેસર રહે. 
 
આ પહેલાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં 63.31 ટકા ટકા મતદાન થયું હતું, જેમાંથી ભાજપને 59 ટકા મત સાથે લોકસભાની તમામ 26 બેઠક પર વિજય મળ્યો હતો.
 
લગભગ 33 ટકા મત મેળવવા છતાંય કૉંગ્રેસને લોકસભાની એક પણ બેઠક ઉપર કિસ્મતે સાથ નહોતો આપ્યો.
 
2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન 71.34 ટકા મતદાન થયું હતું, જેમાંથી ભાજપને 47.85 ટકા તથા કૉંગ્રેસને 38.93 ટકા મત મળ્યા હતા.
 
આમ 2009ની લોકસભાની ચૂંટણી જેટલા જ મત વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને મળ્યા હતા, પરંતુ કૉંગ્રેસના મતોની ટકાવારી અંદાજે 4.45 ટકા ઘટી હતી.
 
ભાજપને 115, કૉંગ્રેસને 61, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીને બે, કેશુભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત પરિવર્તન પાર્ટીને બે, જનતા દળ(યુનાઇટેડ)ને એક તથા અપક્ષને એક બેઠક મળી હતી.
 
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન 47.89 ટકા મતદાન થયું હતું, જેમાંથી ભાજપને 46.52 ટકા તથા કૉંગ્રેસને 43.38 ટકા મત મળ્યા હતા. મતોની આ ટકાવારી સાથે ભાજપને 15 તથા કૉંગ્રેસને 11 બેઠક મળી હતી.
 
વર્ષ 2012-2017ની વિધાનસભા ચૂંટણી અને વર્ષ 2014ની લોકસભા ચૂંટણી જોતા એવું કહી શકાય કે મતદાતા બંને ચૂંટણીમાં અલગ રીતે મતદાન કરે છે.
 
આમ મતદાનની ટકાવારી, ચૂંટણી જુવાળ જેવા મુદ્દા ચૂંટણી પરિણામો નિર્ધારિત કરશે.
શા માટે ગુજરાત મહત્ત્વપૂર્ણ?
 
 
રાજકીય વિશ્લેષક ડૉ. શિરીષ કાશીકરના કહેવા પ્રમાણે, "વાજપેયી સરકારમાં ગાંધીનગરની બેઠક પરથી સાંસદ લાલકૃષ્ણ અડવાણી નાયબ વડા પ્રધાન બન્યા હતા."
 
"નરેન્દ્ર મોદીના સ્વરૂપમાં જનતાને ફરી એક વખત કેન્દ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ દેખાયું. તે સમયે જનતામાં જોમ અને ઉત્સાહ હતો."
 
"2012ની વિધાનસભાના ચૂંટણીનાં પરિણામોએ 2013માં ભાજપની ગોવા ખાતેની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં મોદીનું રાજકીય કદ વધારી દીધું."
 
"અગાઉ વેપારી દૃષ્ટિએ ગુજરાતનું મહત્ત્વ હતું જ, પરંતુ નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના ઉમેદવાર બન્યા ત્યારથી તેમના હોમસ્ટેટ ગુજરાતનું રાજકીય મહત્ત્વ પણ વધી ગયું છે."
 
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાના કહેવા પ્રમાણે, "ભાજપ માટે ગુજરાત કરતાં ઉત્તર પ્રદેશ વધુ મહત્ત્વપૂર્ણ બની રહેશે."
 
"ત્યાં બહુજન સમાજ પક્ષ તથા સમાજવાદી પાર્ટી દ્વારા કરવામાં આવેલાં ગઠબંધનને કારણે ભાજપને માટે મુશ્કેલીઓ વધી શકે છે."
 
મહેતા માને છે કે દુષ્કાળ, રૂપાણી-પટેલનો આંતરિક જૂથવાદ, બજેટની લોકરંજક જાહેરાતો, ગરીબ સવર્ણ અનામત પણ મતદાતાઓના મિજાજને અસર કરશે.
 
ભારતના રાજકારણમાં કહેવત છે, 'દિલ્હી જવાનો રસ્તો યૂપી થઈને જાય છે.'
 
મતલબ કે જે પક્ષ (કે યુતિ) ઉત્તર પ્રદેશમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે, તેના માટે કેન્દ્રમાં સરકાર બનાવવાનો માર્ગ મોકળો બની જાય છે.
 
1999માં માત્ર એક વોટથી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકારનું પતન થયું હતું.
 
એટલે સ્વાભાવિક રીતે જ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતમાંથી 26માંથી 26 બેઠક મેળવવા ઇચ્છશે.
 
ગત વખત કરતાં વધુ બેઠક મેળવવા માટે ભાજપે આ વખતે પશ્ચિમ બંગાળ, ઓડિશા તથા પૂર્વોત્તરના રાજ્યો તરફ પણ નજર દોડાવી છે.
મોદી માટે ગુજરાતનું મહત્ત્વ
 
ગુજરાતના પરિણામ ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્મા તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહની વ્યૂહરચના અંગે લોકોનો 'જનમત' હશે.
 
રાજકીય વિશ્લેષક ડૉ. કાશીકરના કહેવા પ્રમાણે, "વર્ષ 2014ની ચૂંટણી વખતે ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીનું શાસન જોયું છે."હવે જનતાનો મૅન્ડેટ 'યથાત્ નેતૃત્વ' કે 'નેતૃત્વ પરિવર્તન' અંગે હશે. ચૂંટણી પરિણામ એ મોદીના પર્ફૉર્મન્સ ઉપર જનતાનો મૅન્ડેટ હશે."
 
ગુજરાત ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ બીબીસી સાથે કહ્યું, "ગુજરાતની જનતા વધુ એક વખત નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકે જોવા ઇચ્છે છે. "કેન્દ્ર સરકારે કરેલા લોકકલ્યાણના કામો, સવર્ણોને દસ ટકા અનામત તથા બજેટમાં કરવામાં આવેલી જોગવાઈને કારણે પાર્ટી ફરી એક વખત ભવ્ય વિજય મેળવશે."
 
વાળાને આશા છે કે ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠક મેળવશે.
 
 
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં ભાજપ પાસે મોદીના સ્વરૂપે 'ચહેરો' છે. તેમનો મુકાબલો કરી શકે તેવો કોઈ નેતા કૉંગ્રેસ પાસે નથી."
 
"હાર્દિક પટેલ ઉપર કૉંગ્રેસને આશા હતી, પરંતુ ગરીબ સવર્ણોને અનામત બાદ તે પરિબળનો છેદ ઊડી જાય છે."
 
"ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ઠાકોર સમુદાયમાં જ આક્રોશ ઊભો થયો છે. તેઓ ભાજપ સાથે સંપર્કમાં હોવાની પણ ચર્ચા છે."
 
"આવી જ રીતે સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાં જિગ્નેશ મેવાણીની અસર થવાની શક્યતા હું નથી જોતો."
 
ગુજરાત ઉપરાંત, રાજસ્થાન, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની સ્ટ્રાઇક રેટ 100ની રહી હતી.
 
 
કૉંગ્રેસનો ચહેરો કોણ?
 
વર્ષ 2017ની વિધાનસભામાં કૉંગ્રેસે છેલ્લા અઢી દાયકાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. કૉંગ્રેસને આપબળે 77 તથા ભારતીય ટ્રાઇબલ પાર્ટી તથા જિગ્નેશ મેવાણીની સાથે 80 બેઠક પર યુતિનો વિજય થયો હતો. જે 182 બેઠકો વાળી ગુજરાત વિધાનસભામાં સાદી બહુમતીથી 12 બેઠક ઓછી રહી હતી. કૉંગ્રેસના તત્કાલીન ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ગુજરાત કૉંગ્રેસનું નવસર્જન થયું.
 
આ ચૂંટણી બાદ અને પરિણામ પૂર્વે જ તેમણે કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે સ્થાપિત થયા. ગુજરાત કૉંગ્રેના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ બીબીસી સાથે વાત કરતા વ્યૂહરચના જણાવી: 
 
"ગત વિધાનસભા ચૂંટણી, ત્યારબાદ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોના આધારે કૉંગ્રેસે કેટલીક બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે."
 
"ગુજરાતની તમામ 26 બેઠકોને નિશ્ચિત (13), જોરદાર ટક્કર (ચાર) તથા મુશ્કેલ (લગભગ નવ) એમ ત્રણ સ્તરમાં વિભાજીત કરવામાં આવી છે."
 
ડૉ. દોશી માને છે કે અર્ધશહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે ગુજરાતમાં કૉંગ્રેસને 'ભાજપ કરતાં એક વધુ' બેઠક મળશે.
 
ભાજપની તાકત, કૉંગ્રેસની નબળાઈ
 
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં 'મોદી લહેર' તથા 'સત્તાવિરોધી વલણ'ના સહારે ભાજપે તમામ 26 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો. ભાજપનું આ પ્રદર્શન વર્ષ 1960માં ગુજરાતની સ્થાપના થઈ, ત્યારથી અત્યારસુધીમાં કોઈપણ રાજકીય પક્ષનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.જોકે, જસદણ વિધાનસભાની બેઠક ઉપર પરાજય તથા ઊંઝાના ધારાસભ્ય જયશ્રીબહેન પટેલનાં રાજીનામા બાદ કૉંગ્રેસની સંખ્યા 75 ઉપર આવી ગઈ છે. આ સિવાય વધુ કેટલાક ધારાસભ્યો પણ કૉંગ્રેસ છોડવાની વેતરણમાં હોવાના અહેવાલ છે.  રાજકીય વિશ્લેષક ડૉ. કાશીકરનું માનવું છે કે આગામી લોકસભા ચૂંટણી સમયે 'ભાજપની પોતાની શક્તિની સાથે કૉંગ્રેસની નબળાઈ' ઉપર પણ આધાર રાખશે.
 
 
શા માટે એક દસક?
 
આદર્શ રીતે જો સ્થિતિની સમીક્ષા કરવામાં આવે તો 2008 પછીના ચૂંટણી પરિણામોની સમીક્ષા કરી ઘટે, કારણ કે 2001ની વસતિ ગણતરીના આધારે વિધાનસભા તથા લોકસભાના મતવિસ્તારોનું પુનઃસીમાંકન (ડિલિમિટેશન) કરવામાં આવ્યું હતું. બંધારણના અનુચ્છેદ 82 હેઠળ મળેલી સત્તાના આધારે સરકાર દ્વારા ડિલિમિટેશન ઍક્ટ લાવવામાં આવે છે, જેના આધારે પુનઃસીમાંકન પંચ દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
 
આ પ્રક્રિયાને કારણે લોકસભા કે ધારાસભાની બેઠકોની સંખ્યામાં કોઈ વધારો કે ઘટાડો નથી થતો, પરંતુ વસતિ ગણતરીના આધારે વર્ગવિશેષનું પ્રતિનિધિત્વ જળવાય રહે તે માટે કવાયત હાથ ધરવામાં આવે છે. હવે આ પ્રકારની કવાયત વર્ષ 2026માં હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં વિધાનભાની 182 બઠક છે, જેમાં 13 બેઠક શિડ્યુલ્ડ કાસ્ટ તથા 27 બેઠક શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ માટે અનામત છે.