રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By સમીરાત્મજ મિશ્રા|
Last Modified: ગુરુવાર, 3 જૂન 2021 (16:05 IST)

નરેન્દ્ર મોદી તથા અમિત શાહને ખુલ્લેઆમ પડકારી રહ્યા છે યોગી આદિત્યનાથ?

ઉત્તર પ્રદેશમાં છેલ્લાં બે સપ્તાહથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કેન્દ્રીય નેતાઓની બેઠકનો સિલસિલો જે રીતે ચાલી રહ્યો છે તેને લીધે અહીંના રાજકારણમાં વ્યાપક હલચલ જોવા મળી રહી છે.
 
સરકાર અને સંગઠનમાં પરિવર્તનની સંભાવના વચ્ચે બન્ને સ્તરે નેતૃત્વપરિવર્તન સુધીની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.
 
જોકે, જાણકારોને કોઈ મોટા પરિવર્તનની આશા નથી, પરંતુ આ બધાની વચ્ચે ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક મહત્વપૂર્ણ નામ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
 
એ નામ ચાર મહિના પહેલાં ઉલ્કાપિંડની માફક ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઉતારવામાં આવ્યું હતું અને તેની મારફતે મોટા પરિવર્તનની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
 
એ છે ભૂતપૂર્વ સનદી અમલદાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યંત નજીકની વ્યક્તિ ગણાતા અરવિંદકુમાર શર્મા.
 
કોણ છે અરવિંદકુમાર શર્મા?
શર્માએ આ વર્ષના જાન્યુઆરીમાં તેમની નિવૃત્તિના થોડા દિવસ પહેલાં જ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
 
એ પછી તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા અને ભાજપે તેમને જોતજોતામાં વિધાન પરિષદના સભ્ય બનાવી દીધા હતા.
 
તેને કારણે સત્તાની પરસાળોમાં એવી ચર્ચા થવા લાગી હતી કે રાજ્ય સરકારમાં 'મોટા પરિવર્તન'ની તૈયારી થઈ રહી છે.
 
રાજકીય નિરીક્ષકોએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે અરવિંદ શર્માને મુખ્ય મંત્રી બનાવવામાં આવે એ શક્ય છે. જોકે, શર્માને નાયબ મુખ્ય મંત્રીઅથવા ગૃહ પ્રધાન જેવા મહત્વપૂર્ણ વિભાગની જવાબદારી સોંપીને કૅબિનેટ પ્રધાન બનાવવાની ચર્ચા વધારે ખાતરીપૂર્વક કરવામાં આવી હતી.
 
આ કાલ્પનિક પરિવર્તનનું કારણ એવું જણાવવામાં આવ્યું હતું કે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનો પ્રભાવ ઘટાડવા અથવા પોતાનું ધાર્યું જ કરવાની તેમની કથિત કાર્યશૈલી પર બ્રેક લગાવવાના હેતુસર આમ કરવામાં આવી રહ્યું છે.
 
એ વાતને ચાર મહિના પસાર થઈ ગયા છતાં અરવિંદ શર્માને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી કે તેમને કોઈ મહત્ત્વની જવાબદારી પણ સોંપવામાં આવી નથી.
 
યોગીએ સીધો મોદીને ફેંક્યો પડકાર?
ઉત્તર પ્રદેશ ભાજપના એક વરિષ્ઠ નેતાએ તેમની ઓળખ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે "અરવિંદ શર્માને કોઈ મહત્ત્વનું ખાતું આપવાની વાત છોડો, તેમને કૅબિનેટ પ્રધાન બનાવવાનું પણ મુશ્કેલ છે, એવું મુખ્ય મંત્રી સ્પષ્ટ જણાવી ચુક્યા છે. તેઓ શર્માને રાજ્યકક્ષાના પ્રધાનપદથી વિશેષ કશું આપવા તૈયાર નથી."
 
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના આ પગલાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સીધો અનાદર અને તેમને ફેંકવામાં આવેલો પડકાર ગણવામાં આવી રહ્યું છે.
 
દિલ્હીમાં ભાજપના એક મોટા નેતાએ એવું કહ્યું હતું કે "પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ યોગી આદિત્યનાથને વારંવાર યાદ કરાવતું રહે છે કે તેઓ કોના લીધે મુખ્ય મંત્રી બન્યા છે. બીજી તરફ તક મળે ત્યારે યોગી આદિત્યનાથ પણ એવું સૂચવવામાં કોઈ કસર નથી રાખતા કે નરેન્દ્ર મોદી પછી ભાજપમાં વડાપ્રધાન દાવેદારનો વિકલ્પ તેઓ જ છે."
 
ભાજપના અનેક નેતા સ્વીકારે છે કે કેટલાક લોકો દ્વારા યોગીને મોદીના વિકલ્પ તરીકે રજૂ કરવાના પ્રયાસો કે છૂટાછવાયાં સંગઠનો અને લોકો દ્વારા સોશિયલ મીડિયા કે અન્ય મંચો પર 'પીએમ કૈસા હો, યોગીજી જૈસા હો' જેવાં અભિયાન ચલાવવાની પાછળ યોગી આદિત્યનાથની નજીકના લોકોનો હાથ પણ હોય છે.
 
યોગીને આરએસએસનો ટેકો છે?
યોગી આદિત્યનાથની તાકાત પાછળ આરએસએસનો ટેકો હોવાનું વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્ર જણાવે છે.
 
તેમણે કહ્યું હતું કે "ઉત્તર પ્રદેશ મોટું રાજ્ય છે. અહીંનો મુખ્ય મંત્રી ખુદને આગામી વડા પ્રધાન ગણવા લાગતો હોય છે. એ પ્રાદેશિક પક્ષનો નેતા હોય કે પછી ભાજપનો. બીજું, યોગી આદિત્યનાથને આરએસએસનો ટેકો છે. તમામ વિરોધ છતાં આરએસએસને કારણે તેઓ મુખ્ય મંત્રી બન્યા છે અને આજે પણ તેઓ આરએસએસને ગમતા નેતા છે. અરવિંદ શર્માને અહીં ઉતારવાના પગલાને પણ આરએસએસ યોગ્ય માનતું નથી."
 
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના વડપણ હેઠળની ભાજપની સરકારનો કાર્યકાળ હવે પૂરો થવામાં છે, પરંતુ અત્યારે રાજ્યના મુખ્ય મંત્રી બદલાવાની શક્યતા આજે જેટલી બળવત્તર લાગે છે એટલી પાછલાં ચાર વર્ષમાં ક્યારેય લાગી નથી. એવું પણ કહી શકાય કે પરિવર્તનની ચર્ચા શરૂ થતાંની સાથે જ અંત આવી જતો હતો.
 
કાયદો અને વ્યવસ્થાને મુદ્દે સરકારને ઘેરવાનો મામલો હોય કે પછી ભાજપના સંખ્યાબંધ નારાજ વિધાનસભ્યોએ વિધાનસભામાં ધરણાં કર્યાં હોય, અત્યાર જેવી સ્થિતિ ક્યારેય સર્જાઈ નથી.
 
વરિષ્ઠ પત્રકાર સિદ્ધાર્થ કલહંસે જણાવ્યું હતું કે કેટલાક પ્રધાનોને એકલા બોલાવીને તેમની પાસેથી ફીડબેક લેવામાં આવી રહ્યો હોય એવું આરએસએસ અને ભાજપની સંગઠનાત્મક બેઠકોમાં ગત ચાર વર્ષમાં પહેલીવાર થઈ રહ્યું છે.
 
સિદ્ધાર્થ કલહંસે કહ્યું હતું કે "આ મામૂલી વાત નથી. પ્રધાનો, વિધાનસભ્યોની ફરિયાદો પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. કેટલાક પસંદગીના અધિકારીઓ જ સંપૂર્ણ સરકાર ચલાવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં એ તો નક્કી છે કે યોગી આદિત્યનાથની કાર્યશૈલી બાબતે આરએસએસ અને ભાજપમાં મંથન શરૂ થઈ ગયું છે. યોગી આદિત્યનાથ તરફથી પણ તેમની તાકાતના પરચા અપાતા રહ્યા છે. હવે સ્થિતિ એવી છે કે ભાજપ યોગીને હઠાવી પણ શકતી નથી અને તેમના નેતૃત્વમાં આગામી ચૂંટણી લડવાની હિંમત પણ કરી શકે તેમ નથી.
 
નારાજગીનું કારણ શું છે?
અરવિંદ શર્મા પ્રકરણમાં યોગી આદિત્યનાથના અભિગમ બાબતે ભાજપ એકેય નેતા કે પ્રવક્તા કશું કહેવા તૈયાર નથી, પણ પક્ષમાં અંદરખાને બધું ઠીકઠાક નથી એ વાત બધા સ્વીકારે છે.
 
યોગી આદિત્યનાથ પ્રત્યેની પોતાની નારાજગી જાહેર કરી ચૂકેલા પ્રધાનો તથા વિધાનસભ્યો પણ આ મુદ્દે સ્પષ્ટ વાત કરવા તૈયાર નથી, પણ પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે ઘણુંબધું જણાવે છે.
 
એવા જ એક વિધાનસભ્યએ કહ્યું હતું કે "કોવિડ સંક્રમણ દરમિયાનની રાજ્ય સરકારની કાર્યશૈલીથી કેન્દ્રીય નેતૃત્વ બહુ જ નારાજ છે. આ પ્રકરણને જાહેરમાં સાચવી લેવાના પ્રયાસ ભલે કરવામાં આવ્યા હોય, પણ એ પછીની બેઠકો નારાજગીનું જ પરિણામ છે. પંચાયત ચૂંટણીના પરિણામે પણ યોગીને બેકફૂટ પર લાવી મુક્યા છે."
 
આરએસએસના સર કાર્યવાહ દત્તાત્રેય હોસબાલે પણ ઉત્તર પ્રદેશના રાજકારણની નસ ચકાસવા ગયા અઠવાડિયે લખનૌ ગયા હતા. તેના ત્રણ દિવસ પહેલાં દિલ્હીમાં ઉત્તર પ્રદેશના રાજકીય માહોલની ચર્ચા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે દત્તાત્રેય હોસબાલેએ મહત્ત્વની બેઠક યોજી હતી.
 
ઉત્તર પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી સુનીલ બંસલ એ બેઠકમાં સામેલ થયા હતા. એ બેઠકમાં ઉત્તર પ્રદેશના રાજકારણ બાબતે ચર્ચા થઈ હતી, પણ તેમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ કે પ્રદેશ ભાજપના વડા સ્વતંત્રદેવ સિંહ બોલાવવામાં આવ્યા ન હતા. જાણકારોની વાત સાચી હોય તો આ વાત યોગી આદિત્યનાથને ગમી ન હતી.
 
આરએસએસના એક મોટા પદાધિકારીએ તેમની ઓળખ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે "હોસબાલે લખનૌ આવ્યા અને બે દિવસ રોકાયા છતાં યોગી તેમને ન મળ્યા તેનું કારણ એ જ હતું. હોસબાલેજીનો લખનૌમાં બે દિવસ રોકાવાનો કોઈ પ્લાન ન હતો, પણ યોગીજી એ દિવસે સોનભદ્ર ચાલ્યા ગયા હતા તેથી તેમણે રોકાણ લંબાવવું પડ્યું હતું. હોસબાલેજી બીજા દિવસે રોકાયા હતા, પણ યોગીજી આવ્યા નહીં અને સોનભદ્રથી જ પહેલાં મિર્ઝાપુર અને પછી ગોરખપુર ચાલ્યા ગયા હતા. હોસબાલેજીએ યોગીજીની ઓફિસમાં પુછાવ્યું હતું કે હું રોકાઉં કે મુંબઈ ચાલ્યો જાઉં? યોગીજીએ તેનો કોઈ જવાબ ન આપ્યો એટલે હોસબાલેજી લખનૌથી મુંબઈ ચાલ્યા ગયા હતા."
 
આ ઘટનાક્રમને ભાજપના કેટલાક નેતાઓએ પણ સમર્થન આપ્યું હતું. તેનો સીધો રાજકીય અર્થ એવો કરવામાં આવી રહ્યો છે કે યોગી આદિત્યનાથ કેન્દ્ર સરકાર કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વના રબ્બર સ્ટેમ્પ બની રહેવા ઇચ્છતા નથી. તેઓ આ વાત કેન્દ્રીય નેતૃત્વને પણ જણાવી દેવા ઇચ્છે છે.
 
કેટલા શક્તિશાળી છે યોગી?
વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્રના જણાવ્યા મુજબ, યોગી આદિત્યનાથ પ્રયાસ ભલે કરે, પણ હાલ તેઓ કેન્દ્રીય નેતૃત્વને પડકારી શકે તેવી સ્થિતિમાં નથી.
 
યોગેશ મિશ્રએ કહ્યું હતું કે "યોગી અચીવર નથી, નોમિનેટેડ છે. તેમના નામે ચૂંટણી જિતાઈ નથી. મુખ્ય મંત્રીપદ તેમને આપવામાં આવ્યું છે. તેઓ તો પક્ષના કોઈ પદાધિકારી પણ ન હતા. તેથી તેઓ કેન્દ્રીય નેતૃત્વને પડકાર ફેંકી શકે નહીં. ભાજપના કેન્દ્રીય નેતૃત્વની મુશ્કેલી એ છે કે 2022માં પક્ષ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હારી જશે તો તેની અસર 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર થશે. પશ્ચિમ બંગાળમાં હાર પછી આ ડરમાં વધારો થયો છે. તેથી કેન્દ્રીય નેતૃત્વ ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોઈ જોખમ લઈ શકે તેમ નથી."
 
જોકે, કેટલાક રાજકીય નિરીક્ષકો એવું પણ કહે છે કે યોગી આદિત્યનાથ પાસે બહુ બધા વિધાનસભ્યો કે પ્રધાનો નથી અને દરેક પરિસ્થિતિમાં તેમની તરફદારી કરે એટલો મજબૂત ટેકો તેમને આરએસએસે પણ આપ્યો નથી.
 
પક્ષના વિધાનસભ્યોને અમલદારો સામે જેવી ફરિયાદ છે એવી જ આરએસએસના પદાધિકારીઓને છે. નિરીક્ષકોના જણાવ્યા મુજબ, પક્ષ અને આરએસએસ બેઠકો યોજીને એ મૂલ્યાંકન કરી રહ્યા છે કે યોગીને હઠાવવાથી કેટલું નુકસાન થઈ શકે અને એ નુકસાનની ભરપાઈ કેવી રીતે થઈ શકે?
 
સિદ્ધાર્થ કલહંસે કહ્યું હતું કે યોગી આદિત્યનાથની તરફેણમાં સૌથી મજબૂત વાત એ છે કે તેમના પર વ્યક્તિગત રીતે ભ્રષ્ટાચારનો કોઈ આક્ષેપ થયો નથી અને બીજા કોઈ પ્રકારનો વ્યક્તિગત આક્ષેપ પણ થયો નથી. આ હકીકતની સામે તેમની ઘણી નબળાઈ ઢંકાઈ જાય છે.