શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By ડૉ. ધીમંત પુરોહિત|
Last Modified: મંગળવાર, 18 મે 2021 (06:50 IST)

તૌકતે : ગુજરાતનું એ વાવાઝોડું જેમાં 10 હજાર લોકોનો ભોગ લેવાયો

વાવાઝોડું તૌકતે ગુજરાતમાં પ્રવેશ્યું છે અને અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને પ્રાથમિક નુકસાનના અહેવાલો છે.
 
ગુજરાત અગાઉ પણ પ્રચંડ વાવાઝોડાઓનું સાક્ષી રહ્યું છે. જેમાં સ્વાભાવિક જ 1998નું કંડલાનું વિનાશક વાવાઝોડું યાદ આવી જાય.
 
મોબાઇલ ફોન, ગૂગલ અને ટેલિવિઝન ચેનલો પૂર્વેની એ દુનિયા હતી. મોબાઇલ ફોન આમ તો 1995માં ભારતમાં શરૂ થઈ ગયા હતા, પણ ગણ્યાગાંઠ્યા લોકો પાસે હતા. બાકી લોકો માટે સંપર્કનું એકમાત્ર સાધન બીએસએનએલના લૅન્ડલાઇન ફોન.
 
ગૂગલ શોધાવાને હજી ત્રણ મહિનાની વાર હતી અને 24 કલાકની ન્યૂઝચેનલોને આવવાને અઢી વરસની. ન્યૂઝને નામે માત્ર આકાશવાણી, દૂરદર્શન હતાં. દૂરદર્શન પર રાત્રે અડધો કલાકના પ્રાઇવેટ ન્યૂઝના કાર્યક્રમો હિન્દીમાં 'આજતક' અને અંગ્રેજીમાં 'ધ ન્યૂઝ ટૂ નાઈટ' આવતા.
 
1998ના જૂનના પહેલા અઠવાડિયામાં 'આજતક'ના ગુજરાતના પ્રતિનિધિ તરીકે વાવાઝોડું કવર કરવા હું મારી ટીમ સાથે ગયો હતો.
 
જોકે, કંડલા પહોંચવાની કથા પણ કંઈક અલગ હતી. કંડલાના વાવાઝોડાના એક દિવસ પહેલાં અમને જામનગરમાં વાવાઝોડાના સમાચાર મળ્યા, એટલે અમે જામનગર પહોંચ્યા.
 
એ સમયે અમદાવાદથી જામનગર પહોંચતા પણ આઠ કલાક થતા. એમાંયે સાયક્લોનિક ઇફેક્ટમાં આખા રસ્તે જોરદાર પવન સાથેનો વરસાદ.
 
ઝાડ પડે કે રસ્તો તૂટે તો જાનનું જોખમ. જેમતેમ જામનગર પહોંચ્યા તો શહેર આખું વાવાઝોડામાં વેરણછેરણ.
 
રસ્તા પર પડી ગયેલાં ઝાડ અને જાહેરાતોનાં હોર્ડિન્ગ્સના અંતરાયો.
 
હૉસ્પિટલમાં જોઈ ન શકાય એવા ક્ષતવિક્ષત મૃતદેહોના ઢગલા. આખો દિવસ શૂટિંગ કરી મોડી સાંજે કલેક્ટરની બાઇટ લેવા અમે સર્કિટહાઉસ ગયા. હાલ પીએમઓમાં કાર્યરત રાજીવ ટોપનો એ વખતે જામનગરના કલેક્ટર હતા.
 
અમે સર્કિટહાઉસમાં જ સૂઈ ગયા. વહેલી સવારે બાજુના ઓરડામાંથી આવતાં આકાશવાણીના સમાચારના અવાજે અમારી ઊંઘ ઉડાડી દીધી. જામનગર કરતાં અનેક ગણું ખતરનાક વાવાઝોડું કંડલા પર ત્રાટક્યું હતું.
 
ગયા 24 કલાકમાં પેટમાં અન્નનો દાણો પડ્યો નહોતો. પણ આ સમાચાર સાંભળી સૌથી પહેલાં દિલ્હી હેડ ક્વાર્ટરમાં ફોન કરી જાણ કરી અને અમે કંડલા માટે નીકળી પડ્યા.
 
કચ્છમાં આવેલા વાવાઝોડાની તસવીર
 
વાવાઝોડાની તીવ્રતા એટલી હતી કે જંગી જહાજો રમકડાંની જેમ ફંગોળાઈ ગયાં હતાં
 
1998ની એ ભયાનક પ્રાકૃતિક હોનારતને વાવાઝોડું કહેવું એક પ્રકારે અલ્પોક્તિ છે.
 
કલાકના 195 કિલોમિટરની ઝડપે ફૂંકાયેલો પવન પોતાની સાથે આખા અરબી સમુદ્રને લઈને કચ્છના નાનકડા કંડલા પર ત્રાટક્યો હતો.
 
સ્વાભાવિક પણે એનો પહેલો શિકાર બંદર અને ત્યાં ઊભેલાં જહાજ બન્યાં. વાવાઝોડાએ બંદરને સામાન સહિત ઉડાડી દીધું.
 
બંદર પરના હજારો ટનના રાક્ષસી લોખંડી ક્રેન સામાન્ય જંગલી વેલની જેમ પવનના જોર સામે 180 ડિગ્રી વાંકા વળી ગયા.
 
જંગી જહાજોને વાવાઝોડું - તોફાની બાળકો રમકડાં ફંગોળે એમ - દરિયામાંથી ફંગોળીને જમીન પર ઢસડી ગયું.
 
નજીકમાં ઇન્ડિયન ઑઇલની લાખો લિટરની ઊંચી વિશાળકાય ટાંકીઓ પણ એ વાવાઝોડામાં દૂર-દૂર સુધી ફેંકાઈ ગઈ.
 
જોકે, આ તો માત્ર માલસામાનનું જ નુકસાન હતું. જાનનું નુકસાન તો ભલભલા પથ્થરહૃદય માનવીને પીગળાવી દે એવું હતું.
 
વાવાઝોડા સાથે આવેલાં દરિયાનાં ઊંચી દીવાલ જેવાં મોજાં આખા કંડલામાં ફરી વળ્યાં અને પાછાં ફરતી વખતે એ મોજાં કાચીપાકી કૉલોનીઓ સહિત એમાં રહેતા 10,000થી વધુ મજૂર સ્ત્રી-પુરુષ અને બાળકોને પોતાની સાથે હંમેશ માટે દરિયાઈ મોતની આગોશમાં તાણી ગયાં.
 
એ કમનસીબોને ગુજરાત સરકાર, પૉર્ટ ટ્રસ્ટ કે એમના કૉન્ટ્રેક્ટરો તરફથી વાવાઝોડાની કોઈ જ આગોતરી સૂચના નહોતી મળી કે નહોતી થઈ એમને સુરક્ષિત સ્થળે ખસેડવાની કોઈ વ્યવસ્થા.
 
પવન અને પાણી ઓસર્યાં પછી કંડલાના રસ્તા અને શેરીઓમાં ચારે કોર મૃતદેહો જ મૃતદેહો હતા. રસ્તા પર જ નહીં વીજળીના બચી ગયેલા થાંભલા અને તારો પર પણ મરેલાં પશુઓ ફસાયેલાં દેખાતાં હતાં.
 
જાનહાનિનો 1,000નો જે સરકારી આંકડો આવ્યો એ તો રસ્તા પરથી મળેલા મૃતદેહોનો છે. દરિયો જેને તાણી ગયો એ બાકીના હજારો માણસોનો તો કોઈ હિસાબ આજ સુધી નથી થયો, કારણ કે એ કૉન્ટ્રેક્ટરો દ્વારા અન્ય રાજ્યોમાંથી લવાતા ગરીબ મજૂરોની ગેરકાયદે વસ્તીઓ હતી. જેની કાગળ પર કોઈ નોંધ જ નહોતી.
 
તમે ચોક્કસ પૂછી શકો કે તો પછી એમના દરિયામાં વહી જવાની પણ શી સાબિતી?
 
મૃતકોના આંકડાનું યુદ્ધ કેશુભાઈ પટેલની ભાજપ સરકાર અને ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ સી. ડી. પટેલ વચ્ચે એ વખતે મીડિયામાં બહુ ચાલેલું. આખરે સી. ડી. પટેલ સાબિતી લઈ આવેલા.
 
એ કંડલા બંદરની જેટીની સામેના દરિયામાં થોડે દૂર આવેલા એક નાના ટાપુ પર મીડિયાને સાથે લઈને ગયેલા, જ્યાં વાવાઝોડાના ત્રણ-ત્રણ મહિના પછી પણ ગંધાતા મૃતદેહો, ઘરવખરી અને ઘોડિયા સુધ્ધાં વેરવિખેર પડેલાં.
 
સો વરસ પહેલાં અમેરિકા-બ્રિટન વચ્ચે દરિયામાં ડૂબેલા જહાજ 'ટાઇટેનિક' પર અમર ફિલ્મો બની છે.
 
સૌરાષ્ટ્રના દરિયામાં એનાથી પણ પહેલાં ડૂબેલા જહાજ 'વીજળી' પર 'હાજી કાસમ તારી વીજળી' જેવી અમર નવલકથા લખાઈ છે.
 
કંડલાની આટલી મોટી કરુણાંતિકા પર હજી સુધી આવું કોઈ કામ થયું નથી કે નથી થયું કોઈ ડૉક્યુમૅન્ટેશન. જો કોઈ કરે તો એનું નામ ચોક્કસ 'હાજી કાસમ તારું કંડલા' જેવું કંઈક આપી શકાય.