રાજ્યના ત્રણ મહાનગર અમદાવાદ, સુરત અને રાજકોટમાં કરફ્યૂ લંબાવાયો
રાજ્યના ત્રણ મહાનગર અમદાવાદ, સુરત અને રાજકોટમાં કોરોના સંક્રમિત વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલો કર્ફ્યૂ 24મી એપ્રિલને સવારે 6 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. અગાઉ 21મી એપ્રિલ સુધી કર્ફ્યૂ જાહેર કરાયો હતો. ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે અમદાવાદ, સુરત અને રાજકોટમાં જે રીતે કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે તે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં ચિતા વ્યક્ત કરીને પરામર્શ કરવામાં આવ્યો હતો. આ ત્રણેય શહેરોના જે વિસ્તારોમાં કોરોના વાઈરસના કેસો વધી રહ્યા છે ત્યાં સંક્રમણ ઝડપથી અટકે અને અન્ય વિસ્તારોમાં ન પ્રસરે તે માટે નાગરિકોના આરોગ્યની ચિંતા કરીને આ કર્ફ્યૂની મુદ્દત 24 એપ્રિલ સવારના 6 કલાક સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. ઝાએ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારના લોકોને અપીલ કરતા કહ્યું હતું કે કર્ફ્યૂમાં છૂટછાટની પરિસ્થિતિમાં લોકો માસ્ક પહેરે તથા સોશિયલ ડિસ્ટન્સીંગનુ પાલન કરે. નિર્ધારિત સમય સિવાય ત્રણેય શહેરોમાં કોઇ છૂટછાટ આપવામાં આવી નથી. અમદાવાદમાં કર્ફ્યૂ ભંગના 125 ગુનામાં 142 લોકોની ધરપકડ કરાઇ છે. સુરતમાં 95 ગુનામાં 104 અને રાજકોટમાં 45 ગુનામાં 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શિવાનંદ ઝાએ કહ્યું કે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આ ત્રણેય શહેરોમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં સેન્ટ્રલ અને સાઉથ ઝોનમાં કર્ફ્યૂ લગાવાયો છે. કોરોનાના કુલ કેસ પૈકી 912 કેસ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારના છે. સુરતમાં 244માંથી 154 કેસ અને રાજકોટમાં 38માંથી 30 કેસ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારના છે.