બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (15:23 IST)

વિધાનસભામાં ગુજરાત સરકારે સ્વીકાર્યું, 1 વર્ષમાં સીંગતેલ રૂ.18 અને કપાસિયા તેલમાં રૂ.32નો ભાવ વધારો થયો

ગુજરાત વિધાનસભામાં આજથી 2 દિવસનું ચોમાસું સત્ર શરૂ થયું છે. વિધાનસભામાં ચોમાસું સત્રના પહેલા જ દિવસે 1 કલાક સુધી પ્રશ્નોત્તરી થઈ હતી. જેમાં વિરોધ પક્ષ દ્વારા સરકારને સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં વિરોધ પક્ષ દ્વારા નવી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરતા તેલના ભાવમાં વધારાથી લઈને તાઉતૈ વાવાઝોડામાં સહાય સુધીના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિધાનસભામાં છેલ્લા 1 વર્ષમાં સીંગતેલ, કપાસિયા તેલ તથા પામોલિન તેલમાં ભાવ વધારા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં સરકારે સીંગતેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 18 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 32 રૂપિયા અને પામોલિન તેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 19 રૂપિયાનો વધારો થયો હોવાનું જણાવ્યું હતું. આ માટે કાચા માલની અછત, મજૂરોની સમસ્યા, પરિવહન મુશ્કેલીઓના કારણે તેલના ભાવ વધ્યાનો સરકારે સ્વીકાર કર્યો હતો.કોંગ્રેસના ધારાસભ્યએ લેખિતમાં સૌની યોજના મુદ્દે સવાલ કર્યો હતો. જેમાં સરકારે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં સૌની યોજના હેઠળ 13 ડેમનો સમાવેશ કરેલો છે. છેલ્લા 1 વર્ષમાં 1 પણ ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી અપાયું નથી. સૌની યોજનાની પાઈપલાઈન તથા પંપિંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી ભરવામાં આવશે તેમા સરકારે જવાબ આપ્યો હતો.વિધાનસભામાં કોંગ્રેસના માણસાના ધારાસભ્ય સુરેશકુમાર પટેલે ગૃહ મંત્રીને સવાલ પૂછ્યો હતો કે, 31, જુલાઈ 2021ની સ્થિતિમાં છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગર શહેર/જિલ્લામાં ખાનગી વાહન પર પોલીસ, પી, ગુજરાત સરકાર કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખી અધિકારીઓ/કર્મચારીઓએ હોદ્દાઓ લખીને નિયમ ભંગ કરતા કેટલા અધિકારીઓ/કર્મચારીઓના કેસ સામે આવ્યા? જેના જવાબમાં ગૃહમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં 1-8-2020થી 31-7-2021 સુધીમાં અમદાવાદ શહેરમાં 12 જેટલા અધિકારીઓ/કર્મચારીઓએ વાહન પર પોતાનો હોદ્દો લખીને નિયમ ભંગ કર્યો હતો. આ 12 કેસોમાં તેમની પાસેથી રૂ.9600નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.રાજ્યમાં તાઉતૈ વાવાઝોડાથી દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે તારાજી સર્જાઈ હતી. વિધાનસભામાં વિપક્ષના સવાલનો જવાબ આપતા તાઉતૈ વાવાઝોડામાં સહાય ચૂકવવામાં વિસંગતતા હોવાનું સામે આવ્યું હતં. જેમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં 7 કિસ્સામાં આ પ્રકારની વિસંગતતા મળી હતી. સરકારે રેકોર્ડ આધારિત ચકાસણી કરીને ઠરાવ મુજબ રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે.