1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 18 જુલાઈ 2014 (16:06 IST)

અંબાજી મંદિરના સુવર્ણ શિખર પર પોણા ત્રણ કિલો સોનું અર્પણ

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે ગઈ કાલે ૮૨,૧૨,૪૪૯ રૂપિયાની કિંમતનું ૨ કિલો ૭૫૦ ગ્રામ સોનું જગદંબાના ચરણે અર્પણ કરી પૂજનવિધિ કરવામાં આવી હતી.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર ઘનશ્યામ બ્રહ્યભટ્ટે કહ્યું કે SBIના સહયોગથી શરૂ થયેલી ઑનલાઇન ડોનેશન સ્કીમ હેઠળ ભારત અને વિદેશના માઈભક્તો દ્વારા મા અંબેના સુવર્ણમય શિખર માટે અત્યાર સુધીમાં ૨,૦૧,૬૧,૦૯૨ રૂપિયા ભેટ મળેલી છે. આ સ્કીમ હેઠળ ગઈ કાલે માઈભક્તો દ્વારા આવેલા દાનમાંથી લ્ગ્ત્, અંબાજી શાખાના બ્રાન્ચ મૅનેજરે ટ્રસ્ટને ૨ કિલો ૭૫૦ ગ્રામ સોનું આપ્યું હતું, જેને મંદિરમાં જગદંબાના ચરણે અર્પણ કરી પૂજનવિધિ કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં SBI મારફત રૂપિયા ૧,૪૩,૬૭,૦૯૯ની રકમનુ ૪.૮૦ કિલોગ્રામ સોનું માઈભક્તો દ્વારા મળેલી ભેટથી ટ્રસ્ટને આપવામાં આવ્યું છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને સુવર્ણમય શિખર યોજનામાં અત્યાર સુધીમાં કુલ ૪૦ કિલોથી વધારે સોનાનું દાન મળ્યું છે. હાલમાં અંબાજીમાં મંદિર ખાતે સુવર્ણ શિખરનું કામ ચાલી રહ્યું છે અને ૪૦ ટકા કામ પૂરુ થયું છે. હજી ૮૦થી ૧૦૦ કિલો સોનાની જરૂર છે, જેથી માઈભક્તોને ભેટ આપવા અપીલ કરવામાં આવી છે.