સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (11:54 IST)

પ્રગતિશીલ ગુજરાતઃ પેટ્રોલ અને ડીઝલ પરના વેરામાંથી રોજની રૂ. ૩૫ કરોડની આવક પાંચ વર્ષમાં રૂ. 50,591 કરોડ ખંખેર્યા

દેશની સાથોસાથ ગુજરાતમાં પણ રોજે રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં મોંઘવારી કદકે ને ભૂસકે વધી રહી છે. સામાન્ય પ્રજાજનો લોહીના આંસુ રડી રહ્યાં છે. બીજી બાજુ, પેટ્રોલ-ડીઝલના વેચાણ ઉપર ૨૦-૨૦ ટકા વેટ અને ૪-૪ ટકા સેસ વસૂલતી ગુજરાત સરકારને વધતાં ભાવોની સાથે બખ્ખાં થઈ ગયાં છે. પેટ્રોલ-ડીઝલના ભાવ જેમ વધી રહ્યાં છે તેની સાથે સરકારની આવકમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. 
ગત ૨૦૧૭-૧૮ના એક જ વર્ષમાં રાજ્ય સરકારને પેટ્રોલ-ડીઝલ પર વસૂલાતા વેરામાંથી ૧૨,૮૭૪ કરોડ અર્થાત્ રોજના ૩૫ કરોડ કરતાં વધુની આવક થઈ છે. જે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૫૦,૫૯૧ કરોડનો આંકડો પણ પાર કરી ગઈ છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર તરફથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કંઈક અંશે રાહત મળે તેવી અપેક્ષા લોકો રાખી રહ્યાં છે પણ ગુજરાત સરકાર, પેટ્રોલ-ડીઝલ પરના તેના વેટ કે સેસના દરમાં ઘટાડો કરીને પ્રજાને સહેજ પણ રાહત આપવા તૈયાર નથી.
રાજ્ય સરકારે આપેલા સત્તાવાર આંકડા મુજબ ગુજરાતમાં પેટ્રોલ ઉપર ૨૦ ટકા વેટ અને ૪ ટકા સેસ વસૂલાય છે. એવી જ રીતે ડીઝલ ઉપર પણ ૨૦ ટકા વેટ અને ૪ ટકા સેસ વસૂલવામાં આવે છે. જેના કારણે રાજ્ય સરકારને ૨૦૧૩-૧૪માં પેટ્રોલ પરના વેટમાંથી ૨૨૯૬.૨૧ કરોડ અને સેસ પેટે રૂ. ૩૪૦.૨૨ કરોડ મળીને કુલ રૂ. ૨૬૩૬.૪૩ કરોડની આવક થઈ હતી. આ વર્ષમાં જ ડીઝલ પરના વેટમાંથી ૫૧૧૦.૯૨ કરોડ તથા ડીઝલ પરના સેસમાંથી ૭૫૭.૨૫ કરોડ મળ્યાં હતા. આમ, માત્ર ૨૦૧૩-૧૪ના એક જ વર્ષમાં ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલ પરના વેટ તથા તેના પરના સેસમાંથી કુલ ૮૫૦૪.૬૦ કરોડની આવક થઈ હતી.
વર્ષ ૨૦૧૪-૧૫માં રાજ્ય સરકારની પેટ્રોલ-ડીઝલ પરના વેટ તથા સેસની આવક રૂ. ૯૨૪૬.૫૨ કરોડ થઈ હતી. ૨૦૧૫-૧૬માં તે રૂ. ૮૮૨૦.૩૫ કરોડ રહી હતી અને ૨૦૧૬-૧૭માં આ આંકડો ૧૧,૧૪૫.૨૫ કરોડ સુધી પહોંચ્યો હતો. જ્યારે ૨૦૧૭-૧૮માં તે આવક વધીને ૧૨,૮૭૪ કરોડને આંબી ગઈ છે અને હવે ૨૦૧૮-૧૯ના અંતે તો તે ૧૩ હજારથી ૧૪ હજાર કરોડ સુધી પહોંચે તો નવાઈ નહીં રહે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને પેટ્રોલ-ડીઝલના વેરામાંથી કુલ ૫૦,૫૯૧ કરોડ જેટલી અધધ આવક થઈ હતી.
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના વધતાં જતાં ભાવોની સામે મોંઘવારીથી પીસાતી પ્રજાને રાહત આપવા અંગે સરકાર શું વિચારી રહી છે ? તેના જવાબ નાણામંત્રી નીતિન પટેલે ગત નવેમ્બર-૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્ય સરકારે વેટના દરમાં કરેલા ઘટાડાને આગળ ધરી દેવાય છે. સરકારની દલીલ એવી છે કે, દેશના કોંગ્રેસ શાસિત રાજ્યોમાં તો ગુજરાત કરતાં વધુ વેટ વસૂલવામાં આવે છે. દેશના અન્ય રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ પરના વેટ વેરાના ટકા રજૂ કરી દેવાય છે. ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલ પરના વેરામાં કોઈ રાહત આપશે કે કેમ? તેના જવાબમાં ગુજરાત સરકાર સ્પષ્ટ રીતે નન્નો ભણીને કહે છે કે આ દિશામાં તેનું કોઈ આયોજન નથી.