ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 એપ્રિલ 2021 (13:17 IST)

ધો.10ની પ્રેક્ટિકલ પરીક્ષા પાછળ કરાઈ, પરીક્ષા પૂરી થયાના 3 દિવસમાં પ્રેક્ટિકલ પરીક્ષા લેવા સ્કૂલોને સૂચના

કોરાનાવાયરસની બીજી લહેર શરૂ થઈ છે, જેમાં કેસોમાં અને મૃત્યુદરમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મે મહિનામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની છે, પરંતુ કેસ વધતાં પરીક્ષા જૂન મહિનામાં યોજાવાની શક્યતા છે. બીજી તરફ, શાળા કક્ષાએ લેવાતા વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા સંદર્ભે પણ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે, જે મુજબ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના ત્રણ દિવસમાં શાળા કક્ષાની આ પરીક્ષા લેવાની રહેશે.

કોરોનાના કેસ વધતાં અત્યારે શાળા-કોલેજમાં 30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈન બંધ કરવામાં આવ્યા છે. આગામી મે મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની છે. આ વચ્ચે સ્કૂલો દ્વારા એસ.એસ.સી માટે લેવાતી શાળાકક્ષાના વિષયની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેરાત કરી છે, જે મુજબ ધો.10 બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયાના 3 દિવસની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા સ્કૂલોએ લેવાની રહેશે. આ પહેલાં સ્કૂલોને 15થી 30 એપ્રિલ દરમિયાન શાળા કક્ષાની સૂચના અપાઈ હતી. જોકે કોરોનાની સ્થિતિની જોતાં એમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.લાખો વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાના છે. પરીક્ષાને હવે એક મહિના જેટલો જ સમય બાકી છે, સામે કેસ પણ સતત વધી રહ્યા છે તો એકસાથે લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા કઈ રીતે લેવી, કેવી વ્યવસ્થા કરવી, કોરોના પોઝિટિવ હોય તેવા વિદ્યાર્થીઓને કેવી રીતે પરીક્ષા આપવી તેવા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ વચ્ચે સંકલન થશે. એ બાદ પરીક્ષા જૂન મહિનાના બીજા સપ્તાહ કે એ બાદ પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ 10 અને 12મા ધોરણની પરીક્ષા મોકૂફ રાખીને જૂન મહિનામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.