ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (09:18 IST)

અમદાવાદમાં ગ્રામ્ય SOGએ બોળ ગામમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહેલાં બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો

ચાર દિવસ પહેલાં જ ધોળકામાંથી 50 રૂપિયામાં દવા આપતો નકલી ડોક્ટર ઝડપાયો હતો
2021ના નવા વર્ષમાં જ જિલ્લામાંથી 3 નકલી ડૉક્ટરો ઝડપાયા
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ડિગ્રી વિના દવાખાના ખોલીને બેઠેલા ઉંટવૈદ્યોનો ઝડપી પાડવા માટે ગ્રામ્ય SOGને કડક કાર્યવાહી કરવામા માટે આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ ગ્રામ્ય SOGએ અલગ અલગ ટીમો બનાવીને આવા નકલી ડૉક્ટરો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી. SOGએ અમદાવાદના બોળ ગામમાંથી ડિગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ ડૉકટરને ઝડપી પાડ્યો હતો. 
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગ્રામ્ય SOGને માહિતી મળી હતી કે બોળ ગામમાં આવેલ બેસ્ટ સુપર મોલની સામે દુકાન ભાડે રાખી ડોક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથીક તબીબની પ્રેક્ટિસ કરી દવાઓ આપી ગેરકાયદેસર કામ એક વ્યક્તિ કરી રહ્યો છે. અને જે માહિતી બાદ SOGની ટીમે કાર્યવાહી કરી આરોપી રમેશ લોહાણાની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઘટલોડિયા વિસ્તારમાં રહે છે અને છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પ્રેકટીસ કરી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી અલગ અલગ એલોપેથીક દવાઓ, ઈન્જેકશન અને મેડિકલના સાધનો સાથે કુલ 13 હજાર થી વધુનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. આરોપી સામે ધી ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 મુજબ સાણંદ GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
ચાર દિવસ પહેલાં ધોળકામાંથી નકલી ડોક્ટર ઝડપાયો હતો
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કૌકા ગામમાં ડિગ્રી વગર દવાખાનું શરૂ કરી દેનાર નકલી ડોક્ટર પકડાયો હતો. પોલીસ તપાસમાં આરોપી ધો. 10 નાપાસ હોવાનું અને રૂ. 20થી 50માં ગામના લોકોને દવા આપતો હોવાનું જાણવા મળ્યું હતું. અમદાવાદ જિલ્લા SOGએ ધોળકાના કૌકા ગામ બસ સ્ટેન્ડ પાસે જનસેવા દવાખાનું ચલાવતા નકલી ડોક્ટરની ધરપકડ કરી હતી. બુરહાન ધોરણ -10 નાપાસ હોવા છતાં ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે દવાઓ, ઈન્જેકશન અને મેડિકલની સામગ્રી મળી રૂ.1.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
2021ના નવા વર્ષમાં 3 નકલી ડોક્ટરો ઝડપાયા
અમદાવાદ જિલ્લામાં આવા બોગસ ડોક્ટરોને પકડી પાડવા માટે પોલીસે કાર્યવાહી શરુ કરી દીધી છે. પરંતુ આવા ડોક્ટરોના આંકડાની વાત કરીએ તો ગત 2020ના વર્ષમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે પોલીસે માત્ર 2 ઉંટવૈદ્યોને પકડીને માત્ર બે જ કેસ કર્યાં હતાં. પરંતુ નવા 2021ના વર્ષમાં પોલીસે જિલ્લામાં ક્લીનીક ખોલીને ડિગ્રી વિના પ્રેક્ટિસ કરી રહેલા 3 બોગસ ડૉક્ટરોની ધરપકડ કરી હતી અને તેમની સામે કાર્યવાહી પણ શરુ કરી હતી.