મોહનથાળ પ્રસાદ મામલે અંબાજી મંદિર ટ્રસ્ટ અને બ્લેક લિસ્ટેડ મોહિની કેટરર્સ ફરી વિવાદમાં
અંબાજીમાં નકલી ઘીથી મોહનથાળનો પ્રસાદ બનાવવા મામલે વિવાદમાં ઘેરાયા બાદ મોહિની કેટરર્સને બ્લેકલિસ્ટ કરાઈ હતી. હાલમાં છેલ્લા સવા મહિનાથી અંબાજી મંદિર ટ્રસ્ટ મોહનથાળનો પ્રસાદ બનાવે છે. પરંતુ જે બોક્સમાં માઈ ભક્તોને પ્રસાદ અપાય છે તેના પર મોહિની કેટરર્સનું નામ લખેલું જોવા મળી રહ્યું છે. ગુજરાત બનાસકાંઠાના NSUIના મહામંત્રી દ્વારા સમગ્ર મામલો ખુલ્લો પાડવામાં આવ્યો છે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ મોહનથાળ બંધ કર્યો ત્યારે વિવાદમાં આવ્યું હતું, ત્યારબાદ નકલી ઘીના ઉપયોગમાં પણ વિવાદમાં આવ્યું હતું, ત્યારબાદ રાજભોગ પ્રસાદ 51 શક્તિપીઠમાં બંધ થયો ત્યારે પણ વિવાદમાં આવ્યું હતું અને હવે ફરીથી મોહિનીના બોક્ષના ઉપયોગનો વિવાદ આવ્યો છે. બ્લેકલિસ્ટ કરેલી કંપનીના બોક્સમાં પ્રસાદ માઈ ભક્તોને અપાઈ રહ્યો છે. આ મામલે NSUI દ્વારા સવાલ કરાયો હતો કે, અંબાજી મંદિર ટ્રસ્ટ મોહિની કેટરર્સના બોક્ષ ઉપયોગ કઈ રીતે કરી શકે.આ મામલે એનએસયુઆઈ દ્વારા અંબાજી મંદિરના વહીવટદારને ફોન કર્યો તો સિદ્ધિ વર્માએ જણાવ્યું કે, બોક્ષ વધ્યા હતા એટલે ઉપયોગમાં લઈએ છીએ. ત્યારે સવાલે એ થાય છે કે, હવે જો કોઈ બેદરકારી સામે આવે અને ફૂડ વિભાગ કેસ કરે તો કેસ કોની પર થાય, મોહિની ઉપર કે મંદિર ટ્રસ્ટ ઉપર?
એક તરફ અંબાજી મંદિર ટ્રસ્ટે મોહિની કેટરર્સની ડિપોઝિટ જપ્ત કરી રાખી છે, ત્યારે બીજી બાજુ અંબાજી મંદિર ટ્રસ્ટ મોહિની કેટરર્સનું લાઇસન્સ અને તેના બોક્સનો કઈ રીતે પ્રસાદમાં ઉપયોગ કરી શકે?મોહિની કેટરર્સનું ટેન્ડર રદ કર્યું તો પણ છેલ્લા 38 દિવસથી મોહિનીના બોક્સમાં જ અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ વેચાઈ રહ્યો છે. ખાસ છે કે, અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ બનતા પહેલા ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં અમૂલના સ્ટીકર સાથે નકલી ઘીના ડબ્બાનો સ્ટોક મળ્યો હતો. આ બાદ મોહિની કેટરર્સના મેનેજર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી અને તપાસમાં ઘી અમદાવાદથી ખરીદીને લવાયાનું સામે આવ્યું હતું.