સૂરજ આથમતાં જ અમદાવાદ આ વિસ્તારમાં સર્જાય છે ગોવા જેવો માહોલ, હવે પોલીસ રાખશે બાજ નજર
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્રારા વારંવાર ડ્રગ્સ નેટવર્કના પર્દાફાશ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેમછતાં ડ્રગ્સ માફિયાઓએ અમદાવાદ સહિત ગુજરાતમાં પોતાની જાળ પાથરી દીધી છે. જે ભોગ આજનું યુવાધન બની રહ્યું છે. યુવક યુવતીઓ નશામાં રવાડે ચડવા લાગ્યા છે. ત્યારે આવા નશેડીઓને પકડવા માટે પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું છે.
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા પોશ વિસ્તાર તરીકે ઓળખાતા સિંધુ ભવન રોડ પર સાંજ પડતાં જ અડીંગો જામી જાય છે. આ રોડ પર અવાર નવાર પાર્ટીઓ થતી હોય છે ત્યારે હવે પોલીસે તેમના પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે.
અહીં સૂરજ આથમતાં વેત અમદાવાદ ગોવામાં ફેરવાઇ જાય છે. બ્લેક ફિલમ લગાવેલી કારને પાર્કિંગમાં પાર્ક કરી શારીરિક સંબંધ પણ બાંધતા હોય છે. આસપાસના કેફે યુવાનોથી ઉભરાવવા લાગે છે પાર્ટીઓનો દોર શરૂ થાય છે. કેટલાક લોકો આ મોજમસ્તીમાં નશાની કિક પણ ઉમેરી દેતા હોય છે. એમ.ડી, ચરસ, ગાંજો અફિણ, કોકેન, હેરોઇન જેવો નશો કરતા હોય છે જ્યારે કેટલાક મધ્યમ વર્ગના લોકો કફ સિરપ જેવો સસ્તો નશો કરતા હોય છે. તો કેટલાક લોકો દારૂ તેમજ બિયરની પાર્ટી પણ કરતા હોય છે.
ત્યારે હવે ડ્રગ્સ પાર્ટીને તેમજ અન્ય નશાની પાર્ટીઓને રોકવા માટે પોલીસે ઠેર ઠેર વોચ શરૂ કરી દીધી છે. પોલીસ કર્મચારીઓના સાદા કપડા પહેરીને એસ.જી. હાઇવે તેમજ સિંધુ ભવન રોડ ઉપર નશો કરનાર તેમજ દૂષણ ફેલાવનાર યુવકો અને યુવતી ઉપર નજર રાખી રહ્યા છે.
બોપલ હાઇ પ્રોફાઇલ ડ્રગ્સકાંડમાં યુવતીઓની સંડોવણી બાદ અમદાવાદ પોલીસ સફાળે જાગી ગઇ છે. શહેરમાં વધી રહેલા ડ્રગ્સના રાક્ષસને નાથવા માટે મેદાને ઉતરી ગઇ છે. પરંતુ હવે જોવાનું એ છે કે આ પોલીસ કેટલા અંશે સફળ રહે છે. લોકમુખે ચર્ચાઇ રહ્યું છે આ પ્રકારના ગુના ડામવા નામે પોલીસ તોડપાણી કરશે અને પોલીસ દાદાગીરી વધશે.