શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 જુલાઈ 2020 (12:15 IST)

આ વખતે યોજાશે નહી ભાદરવી પૂનમનો મેળો, બે-ત્રણ દિવસમાં થશે જાહેરાત

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે દિવસે ને દિવસે સ્થિતિ બેકાબૂ બનતી જાય છે. ધીમે ધીમે ગુજરાત સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ફરી એકવાર મંદિરો લોકડાઉન થઇ રહ્યા છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો યોજાનાર મેળો આ વર્ષે યોજાશે નહી. નવરાત્રિમાં માતાજીને પોતાને ગામ, ઘરે પધારવા આમંત્રણ આપવા સદીઓથી ચાલી આવતી અંબાજી પદયાત્રા મહોત્સવની પરંપરા કોરોના મહામારીના તૂટશે. ભાદરવા મહિનાને આરંભે આઠમથી પુનમ દરમિયાન માના ભક્તો મા અંબાના દ્વાર પહોંચે છે. 
 
કોરોના મહામારી સામે લડવા માટે રાજ્યનું વહિવટી તંત્ર અને આરોગ્ય તંત્ર ખડેપગ ઉભું છે. ત્યારે અત્યારની સ્થિતિ જોતાં અંબાજીમાં લાખો માઇભક્તોને એકત્ર થવું વ્યવસ્થા સંચાલન માટે પડકારજનક અને જોખમી છે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે પૂનમિયા સંઘોના પ્રતિનિધિઓએ સામેથી આ વખતે મેળા મહોત્સવનું આયોજન ન કરવા માટે સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. આગામી બે-ત્રણ દિવસમાં સરકાર અને પૂનમિયા સંઘોના પ્રતિનિધીઓ સાથે બેઠક બાદ આ સંદર્ભે નિર્ણયની જાહેરાત કરાશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કાળો કહેર વર્તાઈ રહ્યો છે. તેમાં પણ  સુરતમાં ઉત્તરોત્તર દિવસને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં આજે બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળવાની છે. સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઈ ચર્ચા થશે. કેબિનેટની બેઠકમાં 30 જુલાઈ સુધી કોરોનાના સંક્રમણને ઘટાડવા પર રણનીતિ ઘડાશે.