કોંગ્રેસની ત્રીજી યાદી 20 માર્ચે, ગુજરાતના 19 ઉમેદવારો જાહેર થવાની શક્યતા
- ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવારો જાહેર કરી દીધા
- બીજી તરફ કોંગ્રેસે માત્ર સાત જ ઉમેદવારોની જાહેરાત કરી છે
- ત્રીજી યાદીની જાહેરાત આગામી 20મી માર્ચે થશે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આચારસંહિતા લાગુ થયા બાદ રાજ્યમાં રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી કામગીરી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે હજી ચાર બેઠક પર ઉમેદવારો જાહેર કરાયા નથી. બીજી તરફ કોંગ્રેસે માત્ર સાત જ ઉમેદવારોની જાહેરાત કરી છે અને બાકીના ઉમેદવારો માટેની ત્રીજી યાદીની જાહેરાત આગામી 20મી માર્ચે થશે તેવું કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે.
કોંગ્રેસના બાકી ઉમેદવારો 20 માર્ચે જાહેર થશે
કોંગ્રેસે તા. 19મીએ સેન્ટ્રલ ઇલેકશન કમિટીની બેઠક બોલાવી છે. આ બેઠક પછી ગુજરાતના ઉમેદવારો જાહેર થાય તેવી શકયતા છે,પણ ગાંધીનગરમાં સોનલ પટેલ સાથે ર્ડા.હિમાંશુ પટેલ અને કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઇ પણ મેદાનમાં છે. ખેડા બેઠક પર કાળુ ડાભીને ઉતારાય તેવી શકયતા છે. આણંદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા ચૂંટણી લડવા તૈયાર ન હોવાથી રાજેન્દ્રસિંહ પરમાર કે નટવરસિંહ મહિડા ચૂંટણી લડે તેવી શકયતા છે. અમરેલીમાં ઠુંમર પરિવારમાંથી કોઇને ટીકીટ મળે તેવી શકયતા છે. સુરેન્દ્રનગરમાં કોળી અને જામનગરમાં પટેલ સમાજને ટિકિટ મળી શકે, દાહોદમાં પ્રભાબેન તાવીયાડ હર્ષદ નિનામાને ટીકીટ મળી શકે, મહેસાણામાં કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવસિંહ ઠાકોરે ના પાડતા હવે ચૌધરી ઉમેદવારને મેદાનમાં ઉતારાય તેવી શકયતા છે.
આદર્શ આચાર સહિતાનો કડક અમલ કરાશે
આદર્શ આચાર સહિતાના અમલીકરણમાં કુલ 6389 બેનરો પોસ્ટરો અને ભીંત ચિત્રો દૂર કરવામાં આવ્યા છે. જેમાં 5381 જાહેર મિલકતો અને 1008 ખાનગી મિલકતો ઉપરથી હટાવાયા છે. 2455 ભીંતચિત્રો, 387 પોસ્ટર અને 1989 પોસ્ટર વગેરે જાહેર મિલકતો ઉપરથી દૂર કરવામાં આવ્યા છે. ખાનગી મિલકતો પરથી 665 ભીંતચિત્રો, 165 પોસ્ટર અને 125 પોસ્ટર વગેરે દૂર કરવામાં આવ્યા છે.