રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (18:22 IST)

ભક્તિના નામે ઐય્યાશી: સુરતમાં ગણપતિના તહેવાર દરમિયાન દારૂ પીને ધતિંગ કરતા યુવકોનો વીડિયો વાયરલ

ગણેશ સ્થાપના માટે નીકળેલી યાત્રાની સાથે સાથે બિન્દાસ દારૂ પીતા અને સાકી..સાકી.., નશા શરાબ મેં હોતા..જેવા મદમસ્ત ગીતો ઉપર નાચતા યુવાનોના ત્રણ વિડીયો સુરત ગોલવાડના નામે વાયરલ થયા છે. વાયરલ વિડીયોની જાણ થતાં જ એકશનમાં આવેલી મહિધરપુરા પોલીસે યુવાનો ગોલવાડ વિસ્તારના જ હોવાની માહિતી મેળવ્યા બાદ કેટલાકને ઊંચકી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ સૌ કોઈ જાણે છે કે તહેવારોના સમયે બેરોકટોક દારૂ વેચાય છે અને પીવાય પણ છે. તેમાંય સુરતનો ગોલવાડ વિસ્તાર તો દારૂડિયાઓ માટે સ્વર્ગ સમાન છે. હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવ દરમ્યાન ગણેશ સ્થાપના માટે ગોલવાડ વિસ્તારની એક શેરીના કેટલાક યુવાનો ગણપતિની મૂર્તિની સાથે સાથે શોભાયાત્રામાં ખુલ્લેઆમ બિયરની બોટલ ખોલી દારૂ પીતા અને પીવડાવતા તેમજ એકબીજા ઉપર છંટકાવ કરતા હોય એવા ત્રણ વિડીયો સુરત ગોલવાડના નામે વાયરલ થયા છે. 

લગભગ એક મિનિટના ત્રણેય વીડિયોમાં સફેદ પેન્ટ-શર્ટ અને સફેદ કુર્તા પાયજામાં પહેરી યુવાનો ગણપતિની વિશાળ મૂર્તિની સામે સાકી..સાકી...,મુજે નવલખા મંગા દે, નશા શરાબ મે હોતા તો નાચતી બોટલ.. જેવા ફિલ્મી ગીતો ઉપર મદ મસ્ત બનીને નાચતાં નજરે ચઢે છે. ધાર્મિક આસ્થાની હાંસી ઉડાવતા આ યુવાનોને જાણે કાયદાની કઈ પડી જ ન હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

ગોલવાડ વિસ્તારનોના યુવાનોના ગણપતિની શોભાયાત્રામાં દારૂ પીતા ત્રણ વીડિયો વાયરલ થતાંની સાથે જ મહિધરપુરા પોલીસ એક્શનમાં આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવાનો ગોલવાડ માછીપુરા વિસ્તારની એક શેરીના હોવાનું જાણવા મળતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને વીડિયોના આધારે કેટલાક યુવાનોને ઊંચકી લીધા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.