બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (16:58 IST)

ગરીબ કલ્યાણ મેળા પણ હવે મોકૂફ રખાયા, સરકારનું અલગ બહાનું

ગુજરાત સરકાર દ્વારા તા. ર૦ થી રર સપ્ટેમ્બરે યોજાનાર ૮૬ ગરીબ કલ્યાણ મેળા મોકૂફ રાખ્યા હોવા અંગે અલગ અલગ રાજકીય અનુમાન થઇ રહ્યા છે પરંતુ સરકાર કીટ બનાવવામાં વિલંબનું કારણ આપે છે. પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રી જયંતીભાઇ કવાડિયાએ જણાવેલ કે આ વખતના ગરીબ કલ્યાણ મેળાઓમાં હજારો લાભાર્થીઓને રોજગારી માટે ઉપયોગી વિશેષ પ્રકારની સાધન સામગ્રી આપવામાં આવનાર છે
કંપનીઓમાં તેની કીટ હજુ તૈયાર થઇ નથી તેથી ગરીબ કલ્યાણ મેળાની તારીખમાં ફેરફાર કરવો જરૂરી બન્યા છે.  વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગરીબ કલ્યાણ મેળા યોજી ગરીબ અને મધ્યમ વર્ગના આર્થિક રીતે પછાત લોકોને આકર્ષવા માટે હાથ ધરાયેલા પ્રયાસોને વધુ એક વખત ધક્કો પહોંચ્યો છે.  વિકાસ કમિશનર કચેરીએ ગયા સપ્તાહે ૧૫મીએ પરિપત્ર બહાર પાડીને તા.૨૦થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન તમામ જિલ્લા વિકાસ કમિશનર તથા આઠ મહાનગરપાલિકાઓના કમિશનરોને સૂચના જારી કરી હતી કે તેમણે તેમના જિલ્લા, મહાનગરના પ્રધાનોનો સંપર્ક કરી તેમની ઉપસ્થિતિની સંમતિ મેળવી ગરીબ કલ્યાણ મેળા યોજવાના રહેશે. બાદમાં અન્ય એક સૂચના મુજબ ગરીબ કલ્યાણ મેળામાં સ્વરોજગાર માટેની કિટ આપવા લાભાર્થી શોધવા જણાવાયું હતું. વિભાગ દ્વારા જિલ્લા દીઠ પચાસથી સાઠ જેટલી જ કિટ ફાળવાતા વહીવટી સ્તરેથી જ કલ્યાણ મેળા યોજવા સામે આશંકા વ્યકત થઇ હતી. બીજી તરફ વહીવટી તંત્ર નર્મદા યાત્રામાં જોતરાયેલું હોવાથી અન્ય કોઇ કામગીરી કરી શકે એમ ન હતું, તેમ કહી પંચાયત વિભાગના સૂત્રોએ ઉમેર્યું છે કે, નર્મદા યાત્રા દરમિયાન જ જનતાએ સરકારી કાર્યક્રમો યોજવા સામે નારાજગી વ્યકત કરી હતી. આ ઉપરાંત ઘણાં સ્થળે આંગણવાડી, આશાવર્કર્સ, પાટીદાર આંદોલનોનો સામનો કરવો પડ્યો હોવાથી વહીવટી તંત્રએ ઓછા લાભાર્થીઓ માટે જિલ્લાના કે તાલુકા સ્તરના ગરીબ કલ્યાણમેળા યોજવા સામે આશંકા વ્યકત કરી હતી. સૂત્રોએ ઉમેર્યું કે, ભાજપે પણ ચૂંટણીલક્ષી કાર્યક્રમો નક્કી કર્યા હોવાથી સંગઠનના લોકો તેમાં જોડાયેલા છે ત્યારે આ કાર્યક્રમો માટે લોકોને ભેગા કરવા પણ મુશ્કેલ બની શકે એમ હોવાથી હાલ પૂરતા ગરીબ કલ્યાણ મેળાને મોકુફ રાખવામાં આવ્યા છે. બીજું કે વરસાદી માહોલમાં ઘણી અવગવડ ઊભી થઇ શકે છે.