શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 જાન્યુઆરી 2021 (16:24 IST)

સોમનાથ મંદિરના નવા ચેરમેનની જાહેરાત 11 જાન્યુઆરીએ યોજાનાર વર્ચ્યુઅલ બેઠકમાં કરાશે

સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની આગામી 11 જાન્યુઆરીએ યોજાનાર વર્ચ્યુઅલ બેઠકમાં જાહેરાત કરવામાં આવશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી જોડાશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન બાદ સોમનાથ ટ્રસ્ટના ચેરમેનનું પદ ખાલી પડ્યું છે. આ બેઠક અંગે ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લેહરીએ. જણાવેલ કે, બેએક માસ પહેલા સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલેનું અવસાન થયેલ હતું. જેથી હાલ ટ્રસ્ટનું ચેરમેન પદ ખાલી પડેલ છે. જે જગ્યા પર નિમણુંક કરવા આગામી તા 11 જાન્યુઆરીના રોજ સાંજે ટ્રસ્ટી મંડળની વર્ચ્યુલ બેઠક મળશે.

આ બેઠકમાં ટ્રસ્ટી પીએમ નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઈન જોડાશે. આ બેઠકમાં પ્રથમ સ્વ.કેશુભાઈ પટેલનો શોક ઠરાવ પસાર કરવામાં આવશે. ત્યારબાદ ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી કરવાનો ઠરાવ રજુ કરાશે જેના પર ટ્રસ્ટીઓ ચર્ચા કરી નવા ચેરમેનની નિમણુંક કરાશે. ત્યારબાદ સોમનાથના વિકાસકામોની ચર્ચા કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે ટ્રસ્ટીઓ પૈકી લાલકૃષ્ણ અડવાણી ઝ હર્ષવર્ધન નિયોટીયા માંથી પસંદગી થાય છે કે પછી નવા કોઈ નામની પસંદગી કરવામાં આવે છે તે જોવાનું રહેશે. ત્રણ મહિના પહેલાં એટલે કે પહેલી ઓક્ટોબરે જ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓની ઓનલાઇન બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન મોદી સહિત અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી એક વર્ષ સુધી સર્વાનુમતે ટ્રસ્ટના અધ્યક્ષ પદે કેશુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ 29 ઓક્ટોબરે તેમનું નિધન થતાં આ પદ ખાલી થયું છે. છેલ્લા એક વર્ષમાં ટ્રસ્ટની આવક અને અસ્કયામતમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. ટ્રસ્ટની સંપત્તિ 321.09 કરોડ થઈ ગઈ છે. હવે આગામી સમયમાં ટ્રસ્ટ યાત્રી સુવિધા અને ખાસ ગોલકધામ તીર્થના વિકાસ માટે આયોજન કરશે.