સુરતમાં મેટ્રો રેલની હાઇડ્રોલિક ક્રેન મકાન પર પડી, ડ્રાઈવર ઈજાગ્રસ્ત, લોકો ભાગ્યા
શહેરમાં નાના વરાછા વિસ્તારમાં મેટ્રો રેલની કામગીરી દરમિયાન બે મોટી અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર હાઇડ્રોલિકને ચડાવવામાં આવી રહ્યું હતું. આ દરમ્યાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી. જેના કારણે બીજી ક્રેન પર સમગ્ર વજન આવી જતા બીજી ક્રેઇન ત્રાંસી થઈને પડી ગઈ હતી. હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડ્યું હતું. સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. ધડાકાભેર અવાજ આવતા રહીશો ભાગવા લાગ્યા હતા.ફાયરના અધિકારીઓ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી છે.રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી છે. આ ઘટનામાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
પાર્ક કરેલી ત્રણ જેટલી ફોવ્હીલર દબાઈ ગઈ
આ દર્ઘટનાને નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે, જ્યારે એ લોકો પીલર ઉપર મશીન ચડાવતા હતા ત્યારે પહેલા ક્રેનનો બામ્બૂ બેન્ડ વળી ગયો હતો, તેના કારણે બીજી ક્રેઈન પર લોડ વધી ગયો હતો એટલે આ ક્રેન નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી. પિલ્લર નમવા લાગ્યો ને તેની સાથે ક્રેન ત્રાસી વળીને મકાન પર પડી. મકાનની પાછળ અમે જોવા ગયા પણ તે મકાનમાં કોઈ રહેતુ નથી. તે મકાનમાં તાળુ મારેલ છે. નીચે પણ કોઈ રહેતુ નથી પણ જે નીચે ગાડીઓ પડી હતી તેમાં નુકશાન થયું છે. બાકી કોઈ જાનહાનિ થઈ નથી.હાઇડ્રોલિક મશીન અને ક્રેન નીચે પડ્યા ત્યારે ત્યાં પાર્ક કરેલી ત્રણ જેટલી ફોવ્હીલર દબાઈ ગઈ હતી અને નુકસાન પહોંચ્યું હતું.
ઘટના સમયે ગભરાઈને ડ્રાઈવર કૂદી જતાં ઈજાગ્રસ્ત થયો
ફાયર ઓફિસરે જણાવ્યું કે, ફાયર કંટ્રોલથી કોલ મળેલ કે નાના વરાછા વિસ્તાર પાસે આકસ્મિક ઘટના ઘટી છે. ક્રેન બંગ્લોની નજીક પડી છે. તુરંત જ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે જવા માટે રવાના થઈ ગઈ હતી. ઘટનાસ્થળે આવીને સ્થિતિ જોતા ખ્યાલ મળ્યો કે, બે ક્રેન કામગીરી દરમિયાન કોઈ વસ્તુ ઊઠાવી રહી હતી. ત્યારે એક ક્રેન બેન્ડ વળી જતા બીજી ક્રેન પર ભાર પડતા આ ઘટના ઘટી છે. તપાસમાં કોઈ જાનહાનિ સામે આવી નથી પરંતુ, ઘટના સમયે ગભરાઈને ડ્રાઈવર કૂદી જતાં સામાન્ય ઈજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.