ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (16:08 IST)

મહારાષ્ટ્રમાં બે બાળકીઓના કથિત જાતીય શોષણ બાદ વિરોધપ્રદર્શન, સમગ્ર મામલો શું છે

badlapur news
મહારાષ્ટ્રના થાણેના બદલાપુર શહેરમાં એક પ્રખ્યાત શાળામાં બે બાળકીઓ સાથે કથિત જાતીયશોષણનો મામલો સામે આવ્યો છે. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં ગુસ્સાની લહેર જોવા મળી છે.
 
બદલાપુરના હજારો લોકો વિરોધ માટે રસ્તા પર ઊતરી આવ્યા હતા અને લોકોએ ટ્રેક પર ઊતરીને રેલવેસ્ટેશનને ઠપ કરી દીધું હતું. અનેક કલાકો સુધી ટ્રેનનું આવાગમન બંધ થઈ ગયું હતું.
 
કોલકતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટરનાં બળાત્કાર અને હત્યાના મામલા પછી ફાટી નીકળેલો જનાક્રોશ હજુ અટક્યો નથી. એવામાં બદલાપુરની ઘટનાએ પ્રજાના આક્રોશમાં વધારો કર્યો છે.
 
જાતીયશોષણના વિરોધમાં દોષીઓને તત્કાળ સજા આપવાની માગ સાથે રસ્તા પર ઊતરેલી ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસની એક મોટી ટુકડીને તહેનાત કરવામાં આવી હતી. જોકે, લોકોના ગુસ્સા સામે પોલીસ પણ લાચાર જોવા મળી હતી.
 
અંતે સાંજ ઢળતાં પોલીસે લાઠીઓ વરસાવીને પ્રદર્શનકારીઓને રેલવે-ટ્રેક પરથી હઠાવી દીધા હતા. પોલીસ અને પ્રદર્શન કરી રહેલા લોકો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો.
 
પોલીસના જણાવ્યા અનુસાર આ મામલામાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ કેસ દાખલ કરવામાં ઢીલાશ વર્તનારા પોલીસકર્મીઓ પર પણ કાર્યવાહી કરવાની વાત થઈ છે. શાળાએ આ મામલામાં સામેલ લોકોને પણ સસ્પેન્ડ કરી દીધા છે.
 
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને ભાજપના નેતા ગિરીશ મહાજને ધરણાસ્થળે જઈને લોકો સાથે ચર્ચા કરવાની કોશિશ કરી હતી. જોકે, ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓની ભીડ સામે તેઓ કંઈ બોલી ન શક્યા અને ત્યાંથી ચાલ્યા ગયા.
 
જોકે, તેમણે કહ્યું હતું કે, “એવું લાગે છે આ આંદોલન રાજકારણથી પ્રેરિત છે. અમે એસઆઇટીની રચના કરી છે.”
 
પ્રદર્શનકર્તાઓએ આરોપીઓની કડક સજા કરવાની માગ કરી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સખત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
 
શું છે સમગ્ર મામલો?
બદલાપુરની એક નામી શાળામાં બે બાળકીઓ સાથે જાતીય શોષણનો મામલો સામે આવ્યો છે. આ બાળકીઓની ઉંમર ચાર અને છ વર્ષની છે.
 
બંને બાળકીઓ પરીક્ષા આપવા માટે શાળાએ ગઈ હતી. એ જ દિવસે શાળાના એક સફાઈકર્મીએ કથિતપણે તેમનું જાતીય શોષણ કર્યું હતું.
 
આ મામલો 13 ઑગસ્ટનો છે. બંને બાળકીઓમાંથી એક બાળકીએ 16 ઑગસ્ટે માતાપિતાને સંપૂર્ણ ઘટના જણાવી હતી. આરોપીને 17 ઑગસ્ટે પકડી લેવામાં આવ્યો હતો.
 
સમાચાર એજન્સી પીટીઆઈએ આ મામલામાં દાખલ કરવામાં આવેલી ફરિયાદને આધારે એ જણાવ્યું છે કે સફાઈકર્મીએ બાળકીઓ સાથે શાળાના ટોઇલેટમાં યૌનશોષણ કર્યું હતું.
 
શાળાના તંત્રએ આ મામલે પ્રિન્સિપાલ, વર્ગશિક્ષક અને એક મહિલાકર્મીને સસ્પેન્ડ કરી દીધાં છે.
 
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે બેમાંથી એક બાળકીએ 16 ઑગસ્ટના રોજ શાળાએ જવાની ના પાડી દીધી હતી જેના કારણે માતાપિતાને શંકા ગઈ હતી. આ પછી બાળકીને તપાસ માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેના પ્રાઇવેટ પાર્ટમાં ઈજાની પુષ્ટિ થઈ હતી.
 
બાળકીએ કથિત રીતે તેમનાં માતાપિતાને કહ્યું, "દાદા (ભાઈ માટેનો મરાઠી શબ્દ)એ મારાં કપડાં ઉતારીને મારા પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો."
 
'ઈન્ડિયા ટુડે' અનુસાર બાળકીનાં માતાપિતાનો આરોપ છે કે તેમની ફરિયાદના 10-11 કલાક પછી એફઆઇઆર નોંધવામાં આવી હતી.
 
આ ઘટનાના વિરોધમાં બદલાપુરના લોકોએ મંગળવારે બદલાપુર બંધનું એલાન આપ્યું હતું. હજારો લોકોએ શાળાની સામે વિરોધપ્રદર્શન કર્યું હતું અને આરોપીઓને કડક સજાની માંગ કરી.
 
દેખાવકારોની માંગ છે કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે.
 
દરમિયાન, નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે થાણે પોલીસ કમિશનરને આ મામલે કાર્યવાહીમાં વિલંબ કરવા બદલ બદલાપુર પોલીસસ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક સહિત ત્રણ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
 
ટ્રેન રોકી દેવામાં આવી, હવે શું છે પરિસ્થિતિ?
ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ બદલાપુર રેલવેસ્ટેશન પર જ વિરોધપ્રદર્શન શરૂ કરી દીધું હતું. જેના કારણે રેલવેલાઇન સંપૂર્ણ ઠપ્પ થઈ ગઈ હતી.
 
મંગળવારે સવારે 10 વાગ્યાથી આ રૂટ પર ટ્રેનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી હતી.
 
જોકે, મોડી સાંજ સુધીમાં પોલીસે લાઠીઓ વડે ટ્રેનને અટકાવનારાઓને હઠાવ્યા હતા.
 
દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તેના જવાબમાં પોલીસે બળપ્રયોગ કરીને રેલવેટ્રેક પર એકઠા થયેલા લોકોને વિખેરી નાખ્યા હતા.
 
પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોને વિખેરી નાખ્યા હતા.
 
રાજ્ય સરકારના મંત્રી ગિરીશ મહાજન અને સ્થાનિક નેતાઓ વિરોધીઓને મળવા પહોંચ્યા હતા અને તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ પ્રદર્શન આઠ કલાક સુધી ચાલ્યું અને અંતે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો.
 
વિસ્તારમાં ઇન્ટરનેટ સુવિધા હજુ પણ બંધ છે, ઘણી જગ્યાએ વીજળી પણ કપાઈ ગઈ છે. બદલાપુર રેલવેસ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત છે. ગઈકાલે રાત્રે રેલવે અધિકારીઓએ કહ્યું હતું કે રેલવે સેવા ટૂંક સમયમાં શરૂ થશે.
 
પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ હતી કે આરોપીને તાત્કાલિક ફાંસી આપવામાં આવે. પ્રદર્શનકારીઓએ કહ્યું કે સરકાર ફાસ્ટટ્રેક કોર્ટની ખાતરી આપે છે પરંતુ આરોપીઓને ફાંસી આપવામાં આવતી નથી. તેના કારણે તેઓ તાત્કાલિક ફાંસી આપવાની માગ કરી રહ્યા હતા.
 
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ શું કહ્યું?
મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ આ મામલે રાજ્યના શિક્ષણમંત્રી દીપક કેસરકર સાથે ચર્ચા કરી હતી અને તત્કાળ કાર્યવાહીના આદેશ આપ્યા હતા.
 
સીએમ શિંદેએ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે ઠોસ પગલાં ભરવાનું આશ્વાસન આપ્યું હતું અને આ મામલાને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાનો આદેશ પણ આપ્યો હતો.
 
મુખ્યમંત્રીએ કહ્યું કે, જો શાળા મૅનેજમૅન્ટની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
 
આ દરમિયાન તેમણે રેલવે ટ્રેક પર વિરોધ કરી રહેલા લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
 
તે દરમિયાન ઉપ મુખ્ય મંત્રી અને રાજ્યના ગૃહ મંત્રી ફડણવીસે કહ્યું હતું કે, “બદલાપુર ઘટનાની તપાસ માટે વરિષ્ઠ આઇપીએસ અધિકારી આરતી સિંહની નિમણૂક કરવામાં આવી છે. આ કેસમાં તરત જ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેનો કેસ ચલાવવામાં આવશે."
 
રાજ્ય મહિલા આયોગે આ ઘટનામાં અત્યાર સુધી થયેલી તપાસનો રિપોર્ટ માંગ્યો છે. પંચે કહ્યું છે કે તરત જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.