ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી મુદ્દે ભાજપની કોંગ્રેસના 10 થી 15 ધારાસભ્યો પર નજર
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે 26 માર્ચે યોજાનારી ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 4 બેઠકની ચૂંટણીમાં હાલ ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસ પાસે એક બેઠક છે. પરંતુ આ ચૂંટણીમાં ભાજપ એક બેઠક ગુમાવી શકે છે, જેથી આ બેઠક જાળવી રાખવા ભાજપ સતત પોતાની વ્યૂહરચના બદલી રહ્યો છે. જેને પગલે 2017ની રાજ્યસભા ચૂંટણી બાદ આ ચૂંટણીમાં પણ રસાકસી થવાની સાથે ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ કરે તેવી શક્યતા છે, કેમ કે ભાજપ પોતાની એક બેઠક બચાવવા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા પ્રયત્નો કરી શકે છે, જ્યારે કોંગ્રેસ પોતાનાં ધારાસભ્યોને બચાવવાની સાથે ભાજપના પણ અસંતુષ્ટ ધારાસભ્યો તોડવા પ્રયાસો કરી શકે છે. થોડા દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં જ કોગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવવા ખુલ્લી ઓફર કરી હતી કે, ચૂંટણી આવે છે, જેને આવવું હોય તે આવી શકે છે, આ ઉપરાંત મીડિયા સમક્ષ પણ તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્યો નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રની કામગીરીથી પ્રભાવિત છે તો, તેઓ પણ ભાજપમાં આવી શકે છે.રાજ્યસભામાં ભાજપને એક બેઠક ગુમાવી પડે તેમ છે ત્યારે, ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની રણનીતિ શરૂ કરી છે. જેમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અને મંત્રી સહિતના હોદ્દા પર છે તેવા ધારાસભ્યો અને આગેવાનોને કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લાવવાની જવાબદારી સોંપી છે, જેમાં કોંગ્રેસના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 10 ધારાસભ્યોને તોડવાની કામગીરી ચાલી રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવે તો હોદ્દા આપવાની ઓફર પણ કરવામાં આવી રહી છે.