બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 12 જૂન 2019 (01:26 IST)

દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ, ડાંગમાં છાપરાં ઉડતા 3 બાળકો ઈજાગ્રસ્ત

દક્ષિણ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના વ્યારા, ઉનાઈ, નવસારીના આસપાસના વિસ્તારો સહિત વલસાડના અમુક વિસ્તારો સાથે ડાંગ અને સાપુતારામાં ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે અને વાવાઝોડાની આગાહીના પગલે લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. ડાંગના ગાઢવી ગામમાં શાળાના પતરા ઉડતાં ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યાં હતાં.

ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા સહિત પૂર્વપટ્ટી પંથકોમાં મંગળવારે તોફાની વાવાઝોડાની સાથે થોડાક સમય માટે મધ્યમ સ્વરૂપનો વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને પગલે ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું હતું, જેમાં તોફાની વાવાઝોડાએ ગાઢવી પ્રા.શાળા ઉપર કહેર વર્તાવતા પતરા ઉડીને ધરાશાયી થઈ જતા જંગી નુકસાન થયાની માહિતી સાંપડી છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં મંગળવારે ચોમાસાના વરસાદે દસ્તક દેતા ડાંગી જનજીવન ખુશખુશાલ બન્યું છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બોરખલ, પાંડવા, શામગહાન, ચૌક્યા, લીંગા સહિતના ગામોમાં મંગળવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેવાની સાથે સમયાંતરે છૂટક વરસાદી ઝાપટાએ દસ્તક દીધા હતા. જ્યારે વહીવટી મથક આહવા સહિત પૂર્વપટ્ટીના ગામોમાં સાંજે 4 વાગ્યા બાદ વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીના દૃશ્યો જોવા મળ્યા હતા.
આહવા તાલુકાની ગાઢવી પ્રાથમિક શાળા ઉપર તોફાની વાવાઝોડાએ કહેર વર્તાવતા ઓરડાના પતરા ઉડીને જમીનદોસ્ત ધરાશાયી થતા જંગી નુકસાન થયાની વિગતો સાંપડી છે. આજે અહીં ગાઢવી પ્રાથમિક શાળા પણ ચાલુ હોય અને નાના ભૂલકાઓ પણ હાજર હોવાથી વાઝોડાના નુકસાની સાથે 3 બાળકોને સામાન્ય ઈજા પણ પહોંચી હતી.