સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 જાન્યુઆરી 2024 (17:18 IST)

ગઢડાના એસપી સ્વામીએ અમદાવાદમાં ટ્રાફિક બૂથમાં કાર ઘુસાડી, પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી

શહેરના એસજી હાઇવે ઉપર થલતેજ અંડરબ્રિજમાં લોખંડના સળિયા ભરેલી ટ્રક બંધ પડતા એક કિ.મી સુધી લાંબી વાહનોની લાઈનો લાગી હતી. સવારે પીક અવર્સ દરમિયાન અંડરબ્રિજ ખાતે બનેલી ઘટનાના કારણે વાહન ચાલકોને 20 મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાઇ રહેવું પડ્યું હતું. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ અંડરબ્રિજ ખાતે પહોંચી હતી અને ટ્રાફિકને પૂર્વવત્ કરાયો હતો. આ દરમિયાન ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામીએ બેફામપણે કાર ચલાવી થલતેજ ટ્રાફિક બૂથમાં ઘુસાડી દીધી હતી.પોલીસે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
 
કાર થલતેજ ટ્રાફિક બૂથ સાથે ધડાકાભેર અથડાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે સવારે પોણા દસ વાગ્યાની આસપાસ એસજી હાઈવે પર હેબતપુર ચાર રસ્તા તરફથી ગઢડાના એસપી સ્વામીએ ઈનોવા કાર પૂરઝડપે, ચલાવી હતી. સ્ટીયરીંગ પરથી તેમણે કાબુ ગુમાવતા તેમની કાર મેટ્રો ટ્રેનના થાંભલા પાસે જમણી બાજુ ટર્ન મારતા ફૂલ સ્પીડે ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી. મેટ્રોના થાંભલા પાસે બનાવેલ થલતેજ ટ્રાફિક બૂથ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં આખું ટ્રાફિક બૂથ તૂટી ગયું હતું. 
 
પોલીસે એસપી સ્વામીની ધરપકડ કરી
આ અકસ્માતમાં કારના આગળના બોનેટના ભાગે તથા બમ્પરના ભાગે નુકસાન થયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ટ્રાફિક પોલીસે એસપી સ્વામી સામે થલતેજ ચોકડીના ટ્રાફિકના બૂથને અકસ્માત કરી સરકારી મિલકત તોડી નાખી હોય તેમના વિરુદ્ધ IPC કલમ 278, 427 તથા એમવી એક્ટ કલમ 177, 184 તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ કલમ 3, 7 મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.