સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 જૂન 2019 (12:20 IST)

'વાયુ'ની અસર : પવન અને વરસાદને કારણે 327 ગામમાં વીજળી ડૂલ

વાયુ વાવાઝોડાના આગમન પહેલા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. પવન અને વરસાદને કારણે સૌરાષ્ટ્રના ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. મંગળવારે વીજ પુરવઠો બંધ થવાને કારણે 2251 ગામોની વીજળી બંધ થઈ હતી, જેમાંથી 1924 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો હતો. એટલે કે  ગુરુવારે સવારે છ વાગ્યાની સ્થિતિ પ્રમાણે 327 ગામમાં હાલ વીજ પુરવઠો બંધ છે. વાવાઝોડા-પવનને કારણે 904 વીજ ફીડર ખોટવાયા હતા, જેમાંથી 697 ફીડર પુનઃ શરૂ કરાયા છે. આ ઉપરાંત 566 વીજ થાંભલાઓને અસર થઈ હતી જેમાંથી 230 ને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાકી રહેલા ગામોનો વીજ પુરવઠો શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. વીજ પુરવઠો ખોરવાયો હોય તેવા ગામોમાં મુખ્યત્વે છોટાઉદેપુર જિલ્લાના 258, દેવભૂમિ-દ્વારકાના 129, ગીર-સોમનાથના 189, જામનગરના 105, જૂનાગઢના 118, મહેસાણાના 240, પાટણના 317, સાબરકાંઠાના 135, અને સુરત જિલ્લાના 263 ગામોનો સમાવેશ થાય છે.ભાવનગરના ઘાંઘળી ગામે પવનથી સાત જેટલા વીજ પોલ ધરાશયી થયા છે. વીજ પોલ પડતા પાંચ ગામનો વીજ પુરવઠો ખોરવાયો છે. રાત્રે અંધારપટ થતાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વીજ પોલ સાથે બે ટ્રાન્સફોર્મર પણ ધરાશાયી થયા છે.