રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 જુલાઈ 2021 (15:08 IST)

વડોદરા જિલ્લામાં ખરીફ મોસમમાં ૧,૩,૨,૨૮૭ હેકટર, ૧૫ પ્રકારના ચોમાસું પાકોનું વાવેતર

સારા વરસાદને પગલે વડોદરા જિલ્લામાં કૃષિ સક્રિયતા વધી છે અને જિલ્લાની ખેતીલાયક પૈકી ૧,૩૨,૨૮૭ હેકટર જમીનમાં ધાન્ય, કઠોળ, તેલીબિયાંઅને કપાસ સહિત વિવિધ ૧૫ પ્રકારના કૃષિ પાકો લહરાઈ રહ્યાં છે. જો કે નોંધપાત્ર વાવેતર કપાસ, ડાંગર, તુવેર, સોયાબીન, શાકભાજી અને ઘાસચારાનું છે અને અન્ય પાકોનું વાવેતર ઓછું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી નીતિન વસાવાએ જણાવ્યું કે, જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં પ્રથમ વરસાદ થઈ ચૂક્યો છે ત્યારે વાવેતરની પ્રવૃત્તિ વેગવાન બનવાની આશા છે.
યાદ રહે કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વડોદરા જિલ્લાના કુલ વાવેતર વિસ્તાર પૈકી ખરીફ એટલે કે ચોમાસું મોસમમાં સરેરાશ ૨,૫૪,૩૬૭ હેકટર જમીનમાં પાકો લેવામાં આવ્યા હતા. તેના અનુસંધાને કહી શકાય કે આ વર્ષે અત્યાર સુધીમાં ઉપરોક્ત સરેરાશના ૫૦ ટકાથી વધુ જમીનમાં વાવેતર વર્તમાન ખરીફ મોસમમાં થઈ ચૂક્યું છે.
 
જિલ્લામાં સહુ થી વધુ ૬૯,૯૭૪ હેક્ટરમાં સફેદ સોનાનું એટલે કે વ્હાઇટ ગોલ્ડ તરીકે ઓળખાતા કપાસનું વાવેતર ખેડૂતો એ કર્યું છે. કપાસનું વાવેતર જિલ્લાના ખરીફ મોસમના કુલ વાવેતરના ૫૦ ટકાથી વધુ છે એ પણ આંકડાઓ પરથી ફલિત થાય છે.
 
નીતિન વસાવાએ જણાવ્યું કે, વર્તમાન મોસમમાં જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં ધાન્ય પાકોમાં ડાંગર, બાજરી, જુવાર અને મકાઈ, કઠોળ પાકોમાં તુવેર, મગ અને અડદ, તેલીબિયાંમાં મગફળી, તલ, સોયાબીન અને દિવેલાનું, કપાસ, ગુવાર, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.
 
આ પૈકી નોંધપાત્ર વાવેતરની વાત કરીએ તો સહુથી વધુ ૬૯,૯૭૪ હેક્ટરમાં કપાસ,૧૭,૫૪૮ હેક્ટરમાં તુવેર, ૧૬,૧૪૫ હેક્ટરમાં ઘાસચારો, ૧૨,૭૭૬ હેક્ટરમાં શાકભાજી,૯,૨૯૮ હેક્ટરમાં સોયાબીન અને ૫,૯૩૦ હેક્ટરમાં ડાંગર વાવવામાં આવી છે. જિલ્લામાં તેલીબિયાં પાકોમાં પરંપરાગત મગફળી,તલની જગ્યાએ સોયાબીનનું વાવેતર નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું છે.