બુધવાર, 16 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2023
Written By
Last Modified: બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (15:55 IST)

Budget Reaction from Gujarat Industries - ઉદ્યોગો માટે કોઈ ટેક્સ નથી વધાર્યો તે જ રાહત, વડોદરાના ઉદ્યોગ જગતના પ્રતિભાવો

Budget  Reaction from Gujarat Industries
કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સિતારમને આજે રજૂ કરેલા બજેટ બાદ વડોદરાના ઉદ્યોગ જગતના સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રિઝે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, ઉદ્યોગોને આ બજેટથી સીધો નહીં પણ આડકતરી રીતે ફાયદો થશે. એફજીઆઈના પ્રમુખ અભિષેક ગંગવાલનુ કહેવુ હતુ કે, ગુજરાતના ઉદ્યોગોએ જે આશા રાખી હતી તેટલી તો પૂરી નથી થઈ પણ સરકારે ઉદ્યોગો પર કોઈ પણ રીતે નવો ટેક્સ નથી નાંખ્યો તે પણ એક રીતે ફાયદો છે.

ગયા બજેટ કરતા આ વખતના બજેટમાં કોઈ ઝાઝો ફેર દેખાયો નથી. ઉદ્યોગો માટે નો ચેન્જ ઈઝ..ગૂડ ચેન્જ જેવી સ્થિતિ છે. આમ છતા કેપિટલ એક્પેન્ડિચરમાં ૩૩ ટકાનો વધારો કરવાની જે ઘોષણા થઈ છે તે અભૂતપૂર્વ કહી શકાય તેવી છે.તેનાથી ઈકોનોમીને વેગ મળશે. ઉપરાંત સામાન્ય માણસને ઈનકમટેક્સમાં રાહત મળી છે. આમ તેની બચત વધશે અને એટલા પૈસા તે માર્કેટમાં ખર્ચી શકશે. આમ ઉદ્યોગોને આ બાબતોનો આડકતરી રીતે ફાયદો થશે.

એફજીઆઈના કમિટિ મેમ્બર સંજીવ શાહનુ કહેવુ હતુ કે,રાજ્ય સરકારોને ૫૦ વર્ષ માટે  વ્યાજ મુક્ત લોન આપવાની બજેટમાં જાહેરાત થઈ છે. તેના કારણે ઈન્ફ્રા પ્રોજેક્ટસ પર હવે રાજ્ય અને કેન્દ્ર સંયુક્ત રીતે પણ કામ કરી શકશે. રાજ્યને પોતાની રીતે કોઈ પ્રોજેક્ટ વિકસાવવો હશે તો કેન્દ્રમાંથી વ્યાજ વગર લોન મળશે.એફજીઆઈના હોદ્દેદાર પ્રણવ દોશીના મતે સરકારે કોરોનાકાળમાં સરકાર સાથેના કોન્ટ્રાકટ પૂરા ના કરી શકી હોય તેવી એમએસએમઈને થયેલી પેનલ્ટી પાછી આપવાની જાહેરાત નાણામંત્રીએ કરી છે. તેનાથી વડોદરા સહિત ગુજરાતમાં પાવર સેક્ટરમાં કામ કરતા ઘણા નાના અને મધ્યમ ઉદ્યોગોને ફાયદો થશે.કારણકે ગુજરાતમાં આવા સંખ્યાબંધ ઉદ્યોગો છે જે વીજ કંપનીઓ  સાથેના પોતાના કોન્ટ્રાક્ટ કોરોનાકાળમાં સમયસર પૂરા કરી શક્યા નહોતા. તેમને વીજ કંપનીઓએ કરેલી પેનલ્ટી પાછી આપવી પડશે. વીજ કંપનીઓએ નાણામંત્રીની વાત પર ધ્યાન આપવુ જોઈએ.એફજીઆઈના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તારક પટેલનું કહેવુ હતુ કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે બજેટમાં ૩૯૦૦૦ કોમ્પ્યાયન્સ  દુર કરવાની અને બીજા ઘણા કાયદા પણ કાઢી નાંખવાની વાત થઈ છે. જે ઉદ્યોગો માટે હકારાત્મક છે. ઉપરાંત સરકારી એજન્સીઓ સાથે ડિલિંગ કરતી વખતે હવે આઈડી તરીકે માત્ર પાન કાર્ડની જરુર પડશે.