મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 7 એપ્રિલ 2019 (10:47 IST)

કૉંગ્રેસ દેશદ્રોહના કાયદાના નામે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ખિલવાડ કરી રહી છે?

કૉંગ્રેસના ઘોષણાપત્રમાં દેશદ્રોહનો કાયદો હટાવવાની વાત કહેવામાં આવી છે
ફેબ્રુઆરી 2019, જિલ્લા ખંડવા, કૉંગ્રેસ શાસિત મધ્ય પ્રદેશની પોલીસે ગૌહત્યા મામલે ત્રણ લોકો વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) અંતર્ગત કેસ દાખલ કર્યો.
જાન્યુઆરી 2019, જિલ્લો બુલંદશહેર, ભાજપ શાસિત ઉત્તર પ્રદેશની પોલીસે બુલંદશહેર હિંસા મામલે ત્રણ લોકો વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવ્યો.
જાન્યુઆરી 2019માં જ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય વિદ્યાર્થીસંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર વિરુદ્ધ દિલ્હી પોલીસે ભારતીય દંડ સંહિતાના અનુચ્છેદ 124એ અંતર્ગત દેશદ્રોહનો મામલો નોંધ્યો.
વર્ષ 2012માં યુપીએ સરકાર દરમિયાન કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીની દેશદ્રોહની કલમ અંતર્ગત ધરપકડ કરવામાં આવી.
હવે એ જ યુપીએ ગઠબંધનના સૌથી મોટા પક્ષ કૉંગ્રેસે જાહેર કરેલા પોતાના મૅનિફેસ્ટોમાં એ વાયદો કર્યો છે કે આગામી લોકસભા ચૂંટણી બાદ તેમની સરકાર બને તો તે દેશદ્રોહની કલમ 124એને સમાપ્ત કરી દેશે.
તેની સાથે જ કૉંગ્રેસનો વાયદો છે કે તે સુરક્ષાદળોને વધારાની શક્તિઓ આપતા આર્મ્ડ ફૉર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ એટલે કે આફ્સપા અને ટ્રાયલ વગર ધરપકડ કરવાની પરવાનગી આપતા એનએસએ કાયદામાં પણ ફેરફાર કરશે.
કૉંગ્રેસે એ વાયદો કર્યો હતો કે સત્તારુઢ ભાજપે તેની ટીકા કરવાનું શરુ કરી દીધું છે અને તેને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ખિલવાડ ગણાવ્યો છે.
નાણામંત્રી અરુણ જેટલીએ આ મામલે ત્યાં સુધી કહી દીધું છે કે આ ઘોષણાપત્રને ડ્રાફ્ટ કરવાવાળા કૉંગ્રેસ અધ્યક્ષના એ મિત્ર છે કે જેઓ ટૂકડે ટૂકડે ગૅંગમાં હતા.
કૉંગ્રેસ અને ભાજપ બન્ને સરકારોના સમયે આ કાયદાનો ઉપયોગ થતો રહ્યો છે. પરંતુ હાલ જોવામાં આવ્યું છે કે આ કાયદા અંતર્ગત ઘણા મામલા નોંધાયેલા છે.
નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યૂરો અંતર્ગત માત્ર 2014માં દેશદ્રોહના કુલ 47 કેસ નોંધાયા હતા જેમાં 58 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તરફ 2014થી 2016 વચ્ચે અનુચ્છેદ 124એ અંતર્ગત 179 લોકોની ધરપકડ કરવામાં આવી.