શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 5 એપ્રિલ 2019 (09:59 IST)

લોકસભા ચૂંટણી 2019- ગુજરાતમાં પટેલ વિ. પટેલ, કોળી વિ. કોળી, ઠાકોર વિ. ઠાકોરનાં સમીકરણો

ગુજરાતમાં કોની સામે કોણ ટકરાશે, તેની યુદ્ધરેખા ગુરૂવારે સાંજે ખેંચાઈ ગઈ, જ્યાં મોટાભાગની બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે.
આ વખતે પણ ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિ અને કોમ આધારિત સમીકરણો અને જીતવાની શક્યતાએ ચાવીરૂપ ભાગ ભજવ્યો છે.
પાટીદાર ફૅક્ટરની અસર ઓછી કરવા માટે ભાજપે ઓબીસી ઉમેદવારો તરફ નજર દોડાવી છે, જ્યારે કૉંગ્રેસે સવર્ણ ઉમેદવારો ઉપર ભાર મૂક્યો છે.
ગુજરાતમાં અડધોઅડધ મતદાતા મહિલા છે, છતાં ભાજપ દ્વારા 26માંથી પાંચ અને કૉંગ્રેસ દ્વારા એક મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.
મુખ્ય પક્ષોના કુલ 52 ઉમેદવારોમાંથી કૉંગ્રેસે ભરૂચ બેઠક ઉપર શેરખાન પઠાણ સ્વરૂપે એકમાત્ર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે.
 
 
પાટીદાર વિરુદ્ધ પાટીદાર
 
અમિત શાહ ઉપરાંત કૉંગ્રેસના બિમલ શાહ વણિક ઉમેદવાર
અમદાવાદ-પૂર્વ (ભાજપના એચ. એસ. પટેલ અને કૉંગ્રેસના ગીતાબહેન પટેલ), મહેસાણા (ભાજપના શારદાબહેન પટેલ અને કૉંગ્રેસના એ. જે. પટેલ), રાજકોટ (ભાજપના મોહનભાઈ કુંડારિયા અને કૉંગ્રેસના લલિત કગથરા), પોરબંદર (ભાજપના રમેશભાઈ ધડૂક અને કૉંગ્રેસના લલિત વસોયા), અમરેલીની (કૉંગ્રેસના પરેશભાઈ ધાનાણી અને ભાજપના નારણભાઈ કાછડિયા) બેઠક ઉપર બંને મુખ્ય પક્ષોએ પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
ગાંધીનગરની બેઠક ઉપર વણિક સમુદાયના અમિત શાહને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે, જેઓ પાર્ટીના અધ્યક્ષ પણ છે. તેમની સામે કૉંગ્રેસના ઉમેદવાર સી. જે. ચાવડા ક્ષત્રિય સમાજના છે.
વડોદરાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ બ્રાહ્મણ સમુદાયના છે, જ્યારે કૉંગ્રેસે પાટીદાર સમુદાયના પ્રશાંત પટેલને ઉમેદવાર બનાવ્યા છે.
આણંદની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ (પાટીદાર)ની સામે ક્ષત્રિય સમુદાયના ભરતસિંહ સોલંકીને કૉંગ્રેસે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. સોલંકી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષપદે રહી ચૂક્યા છે.
 
ઠાકોર વિરુદ્ધ ઠાકોર
સાબરકાંઠા અને પાટણની બેઠકો ઉપર ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો ઉપર નજર કરીએ તો ત્યાં ઠાકોરની સામે ઠાકોર ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
પાટણની બેઠક ઉપર ભરતસિંહ ડાભી (ભાજપ) સામે કૉંગ્રેસના જગદીશ ઠાકોર છે, જ્યારે સાબરકાંઠાની બેઠક ઉપર ભાજપના દીપસિંહ રાઠોડની સામે રાજેન્દ્ર ઠાકોર (કૉંગ્રેસ) ચૂંટણી લડી રહ્યા છે.
બનાસકાંઠાની બેઠક ઉપર ભાજપે પરબત પટેલ અને કૉંગ્રેસે પર્થીભાઈ ભટોળને ઉતાર્યા છે.
બંને આંજણા ચૌધરી સમાજના છે, જે ઓબીસીના નેજા હેઠળ આવે છે.
ભાજપે ઓબીસી સમુદાયને 38 ટકા, જ્યારે સવર્ણ સમાજને 35 ટકા ટિકિટ આપી છે.
કૉંગ્રેસે 31 ટકા ઓબીસી સમુદાયને, જ્યારે સવર્ણ સમાજને 42 ટકા ટિકિટ આપી છે.
 
કોળી વિરુદ્ધ કોળી
સુરેન્દ્રનગર અને જૂનાગઢની બેઠક ઉપર ભાજપ તથા કૉંગ્રેસે કોળી ઉમેદવારો ઉપર દાવ લગાવ્યો છે.
સુરેન્દ્રનગર બેઠક ઉપર ડૉ. મહેન્દ્ર મુંજપરા (ભાજપ) અને સોમાભાઈ પટેલ (કૉંગ્રેસ)ની વચ્ચે ટક્કર છે. આ બેઠક ઉપર 39 ટકા મતદાર કોળી છે.
જૂનાગઢમાં લગભગ સાડા ત્રણ લાખ કોળી મતદાતા છે, જે કુલ વસ્તીના અંદાજે 19.55 ટકા છે.
આ બેઠક ઉપર ભાજપે રાજેશ ચુડાસમાને રીપિટ કર્યા છે, જ્યારે કૉંગ્રેસે ઉનાની બેઠક ઉપરથી ધારાસભ્ય પૂંજાભાઈ વંશને ઉતાર્યા છે, જેઓ કોળી સમુદાયના છે.
જામનગરની બેઠક ઉપર પૂનમબહેન માડમ (ભાજપ) અને મૂળુભાઈ કંડોરિયા (કૉંગ્રેસ) બન્ને ઓબીસી આહીર સમુદાયના છે.
 
OBCની સામે સવર્ણ
સુરતની બેઠક ઉપર ભાજપે ઓબીસી સમુદાયના દર્શનાબહેન જરદોશને ફરી ટિકિટ આપી છે, જ્યારે કૉંગ્રેસે પટેલ સમુદાયના અશોક અધેવડાને ટિકિટ આપી છે.
પાટીદાર અનામત આંદોલન સમયે વિરોધનું ઍપિસેન્ટર બનેલા સુરતમાં કૉંગ્રેસ મૂળ સૌરાષ્ટ્રના પટેલ મતો ઉપર આશા રાખી શકે છે, જ્યાં હાર્દિક પટેલ 'ઉદ્દીપક'ની ભૂમિકા ભજવી શકે છે.
સામે પક્ષે ભાવનગરની બેઠક ઉપર ભાજપે કોળી સમુદાયના ડૉ. ભારતીબહેન શિયાળને ટિકિટ આપી છે, તેમની સામે મનહર પટેલ છે, જેઓ સવર્ણ પાટીદાર સમુદાયના છે.
ખેડાની બેઠક ઉપર ભાજપે ઓબીસી સમુદાયના દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપી છે, જેમની સામે કૉંગ્રેસે સવર્ણ વણિક સમાજના બીમલ શાહની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
નવસારીની બેઠક ઉપર ભાજપે જનરલ કૅટેગરી મરાઠી સી. આર. પાટીલને ટિકિટ આપી છે, જેમની સામે ઊતરેલા ધર્મેશ પટેલ (કૉંગ્રેસ) કોળી સમુદાયના છે.