બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 11 એપ્રિલ 2019 (10:29 IST)

ગુજરાતમાં ક્યાંથી આવ્યો ઠાકોર પાવર ને શું છે અલ્પેશની 'ઠાકોરસેના'?

બુધવારે ઠાકોરસેનાના અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસના તમામ પદોએથી રાજીનામું ધરી દીધું હતું. તેમની સાથે અન્ય બે ધારાસભ્ય ધવલસિંહ જાડેજા તથા ભરતજી ઠાકોરે પણ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો હતો. ત્રણેય ધારાસભ્યોએ જાહેર કર્યું છે કે તેઓ ધારાસભ્યપદેથી રાજીનામું નહીં આપે અને 'અપક્ષ' સભ્ય તરીકે ચાલુ રહેશે. ત્રણેયે બનાસકાંઠા અને ઊંઝામાં ઠાકોર ઉમેદવારો માટે પ્રચાર કરવાની વાત કહી છે, સાથે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 'કોઈના માટે કે કોઈની વિરુદ્ધ' પ્રચાર નહીં કરે.
 
ગુજરાતની બે બેઠકો ઉપર ઠાકોરો વચ્ચે સીધો જંગ જામશે. આ સમુદાયનો સમાવેશ ઓબીસીની શ્રેણીમાં થાય છે. ભાજપે નવ, જ્યારે કૉંગ્રેસે 10 ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપી છે. જોકે, ગુજરાતના રાજકારણમાં ઠાકોર પૉલિટિક્સનો ઉદય રાતોરાત નથી થયો, માધવસિંહ સોલંકીની KHAMની થિયરીના પાયામાં ઠાકોરો પણ હતા.
 
શું છે ઠાકોરસેના?
25મી ઑગસ્ટ, 2015ના દિવસે અમદાવાદના જીએમડીસી (ગુજરાત મિનરલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન) ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે પાટીદાર આંદોલનનું રણશિંગુ ફૂંક્યું હતું.
શરૂઆતમાં પાટીદારોની માગ હતી કે તેમને 'ઓબીસી'ના નેજા હેઠળ અનામત આપવામાં આવે. ઠાકોર સમાજની આર્થિક સ્થિતિ સુધારવા માટે તથા સમાજમાં પ્રવર્તમાન સામિજક તથા આર્થિક દૂષણોને નાબૂદ કરવાના તથા સમાજમાં એકતા સ્થાપિત કરવાના હેતુથી 2011માં અલ્પેશ ઠાકોરે 'ઠાકોરસેના'ની સ્થાપના કરી હતી. તેનું વડું મથક અમદાવાદમાં છે. જો પાટીદારોને ઓબીસી અનામત મળે તો ઠાકોરોનું હિત જોખમાય તેમ હતું. એટલે 'ઠાકોરસેના' સક્રિય બની.
 
અલ્પેશે OSS (ઓબીસી, એસસી, એસટી) એકતા મંચની પણ સ્થાપના કરી. ઠાકોરસેનાના ધવલસિંહના કહેવા પ્રમાણે હાલમાં લગભગ 20 લાખ કાર્યકરો ઠાકોરસેના સાથે સંકળાયેલા છે. હાર્દિક પટેલ ગત મહિને કૉંગ્રેસમાં જોડાયા હતા. હાર્દિક પટેલે જામનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, કાયદાકીય અડચણને કારણે શક્ય ન બન્યું.  
હાલમાં 44 વર્ષીય અલ્પેશે ગુજરાતના યુવા બેરોજગારો, આંગણવાડી બહેનો, આશાવર્કરોના પ્રશ્નોને લઈને 2014-17 દરમિયાન રાજ્યભરમાં અનેક આંદોલનો કર્યાં હતાં. ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ઠાકોરસેનાએ દારૂનાં વેચાણ પર જનતારેડ શરૂ કરી હતી, જેમાં ઠાકોર મહિલાઓ અને યુવા જોડાયાં હતાં. નાગરિકોના દબાણને કારણે ગુજરાત સરકારે દારૂબંધીનો કાયદો બદલવો પડ્યો હતો.
 
આ મંચ અને સરકાર સામેના કાર્યક્રમોને કારણે અલ્પેશ ઠાકોર 'ઓબીસી સમાજનો ચહેરો' બન્યા હતા. વિધાનસભા ચૂંટણી સમયે કૉંગ્રેસે અલ્પેશ ઠાકોરને રાધનપુરની બેઠક પરથી ટિકિટ આપી અને કૉંગ્રેસને આજુબાજુની ઠાકોર બહુમતીવાળી બેઠકો પર લાભ થયો હતો.
 
KHAM થિયરીમાં ઠાકોર
 
ગુજરાતના રાજકારણમાં ઠાકોર પૉલિટિક્સનો ઉદય અચાનક નથી થયો, એનાં મૂળિયાં 37 વર્ષ પહેલાં નંખાવાની શરૂઆત થઈ ગઈ હતી.
 
રાજકીય વિશ્લેષક ડૉ. બિનોદ અગ્રવાલના મતે, "1981માં પહેલીવાર વિદ્યાર્થીઓ દ્વારા અનામત આંદોલન થયું હતું. જેને તત્કાલીન મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીએ દબાવી દીધું હતું."
 
"એ આંદોલન બાદ સોલંકીએ પટેલો પરની નિર્ભરતાને ઘટાડવા માટે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમને સાથે લઈને KHAM સમીકરણ ઊભું કર્યું.
 
"આમ તો ઠાકોર સમુદાયનો સમાવેશ અન્ય પછાત જ્ઞાતિઓ (ઓબીસી)માં થાય છે, પરંતુ એ ગણતરીમાં ઠાકોરને ક્ષત્રિયો ગણી લેવાયા હતા. ઠાકોરો ગુજરાતના નવ જિલ્લામાં નિર્ણાયક હતા."
 
KHAM સમીકરણની મદદથી 1985માં કૉંગ્રેસને 182માંથી 149 બેઠક પર વિજય મળ્યો હતો, ગુજરાત વિધાનસભામાં આ એક રેકૉર્ડ છે, જે હજી સુધી કોઈ પક્ષ તોડી નથી શક્યો.
 
2017ની વિધાનસભા ચૂંટણી સમયે ભાજપે 'મિશન-150'નો નારો આપ્યો, પરંતુ પાર્ટી 'નર્વસ 99' ઉપર અટકી ગયો હતો.
 
પટેલ, OBC અને બીજેપી
અગ્રવાલ કહે છે, "સોલંકીથી નારાજ પાટીદારોને સાથે લઈને 1990માં જનતા દળ સાથે મળીને ભાજપે ગુજરાતમાં યુતિ સરકાર બનાવી. 1995 અને 1998માં પણ ભાજપ વિજેતા થયો."
 
"2006માં નરેન્દ્ર મોદીએ પહેલીવાર અમદાવાદના મેયર તરીકે ઠાકોર નેતાની નિમણૂક કરી."
 
"અનેક જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં ઠાકોર નેતાઓની નિમણૂકો કરી, જેના કારણે કૉંગ્રેસની પરંપરાગત વોટબૅન્કમાં મોટું ગાબડું પડ્યું."
 
"આ સાથે ગુજરાતમાં ફરી એક વખત 'ઠાકોર પૉલિટિક્સ'નો ઉદ્દભવ થયો. 2007 અને 2012ની વિધાનસભા તથા 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને તેનો લાભ થયો."
 
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ઘાંચી છે અને તેમના સમાજનો સમાવેશ ઓબીસીમાં થાય છે.
 
ઠાકોર વિ. ઠાકોર
 
ઑક્ટોબર-2017માં અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાં જોડાયા 
 
લોકસભા ચૂંટણીમાં ભાજપે દસ ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે કૉંગ્રેસને નવ ઉમેદવારોમાં જીતની શક્યતા દેખાય છે.
ગુજરાતની પાટણ અને સાબરકાંઠા બેઠક ઉપર ઠાકોર સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલે જ ભાજપ તથા કૉંગ્રેસે આ બંને બેઠક ઉપરથી ઠાકોર ઉમેદવારોને જ ચૂંટણીજંગમાં ઉતાર્યા છે. પાટણની બેઠક ઉપર ભાજપના ભરતસિંહ ડાભી સામે કૉંગ્રેસના જગદીશ ઠાકોર ઉમેદવાર છે, જ્યારે સાબરકાંઠાની બેઠક ઉપર ભાજપના દીપસિંહ રાઠોડની સામે કૉંગ્રેસના રાજેન્દ્ર ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે.
અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી છે કે તેઓ તથા અન્ય બે ઠાકોર ધારાસભ્ય બાનાસકાંઠા અને ઊંઝાની બેઠક ઉપર ઠાકોરો માટે પ્રચાર કરશે. જે 'કોઈના માટે કે કોઈની વિરુદ્ધ' નહીં હોય.